Gujarat Day - મહાગુજરાત આંદોલન: જનશક્તિના હુંકારથી સ્વતંત્ર રાજ્યની સ્થાપના સુધીની વિરાટ સંઘર્ષગાથા

SHARE:

Gujarat Day - મહાગુજરાત આંદોલન: જનશક્તિના હુંકારથી સ્વતંત્ર રાજ્યની સ્થાપના સુધીની વિરાટ સંઘર્ષગાથા

મહાગુજરાત આંદોલન: જનશક્તિના હુંકારથી સ્વતંત્ર રાજ્યની સ્થાપના સુધીની વિરાટ સંઘર્ષગાથા

- રસેશ પટેલ 






આજે ૧લી મે, ૨૦૨૬. સમગ્ર વિશ્વમાં વસતો ગુજરાતી જ્યારે 'ગુજરાત ગૌરવ દિવસ'ની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આપણી નજર ઇતિહાસના એ સંઘર્ષમય પાનાઓ પર જવી અનિવાર્ય છે, જેણે આપણને આપણી ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ અપાવી. ૧ મે, ૧૯૬૦ના રોજ જ્યારે નકશા પર મહારાષ્ટ્રથી અલગ થઈને સ્વતંત્ર 'ગુજરાત રાજ્ય'નો ઉદય થયો, ત્યારે તે માત્ર એક રાજકીય સમજૂતી નહોતી, પણ કરોડો ગુજરાતીઓના આત્મગૌરવ અને દાયકાઓ સુધી ચાલેલી લોકચળવળનો વિજય હતો. આ આંદોલનના પાયામાં ૧૯૨૦ના ઠરાવોથી લઈને ૧૯૫૨ની પ્રથમ પરિષદ અને ૧૯૫૬નો રક્તરંજિત લોકજુવાળ સમાયેલો છે.
ભાષાવાર પ્રાંત રચનાનો વિચાર ભારતમાં કોઈ આકસ્મિક ઘટના નહોતી. ૧૯૨૦માં નાગપુર ખાતે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધીએ અસહકારની લડતની સાથે દેશના રાજકારણનું નવું માળખું રજૂ કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે ભલામણ કરી હતી કે દેશમાં ભાષાના આધારે અલગ-અલગ પ્રાંતિક સમિતિઓ રચાવી જોઈએ. આ જ વિચારને આધારે ગુજરાત, આંધ્ર, કેરળ અને કર્ણાટક જેવી નવી સમિતિઓ અસ્તિત્વમાં આવી. ગાંધીજીનો આદેશ હતો કે સ્વરાજ મળે ત્યારે આ સમિતિઓ જ ભાષાવાર રાજ્યોમાં પરિવર્તિત થવી જોઈએ.
આઝાદી પછી ૨૭ નવેમ્બર ૧૯૪૭ના રોજ બંધારણ સભામાં વડાપ્રધાને ભાષાવાર પ્રાંત રચનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો અને 'ધાર કમિશન'ની રચના થઈ. ત્યારબાદ નહેરુ, સરદાર પટેલ અને પટ્ટાભી સીતારામૈયાની બનેલી સમિતિએ દેશની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને આ બાબતે ઊંડી તપાસ કરી. ૧૯૪૮માં સૌરાષ્ટ્રના રાજ્યોનું એકીકરણ થયું ત્યારે જામસાહેબના જોડાણ પત્રમાં પણ બાકીની ગુજરાતી પ્રજા સાથે જોડાવાની છૂટ અપાઈ હતી. પરંતુ, મુંબઈના 'દ્વિભાષી રાજ્ય' (જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને સાથે હોય) ના વિચારને કારણે વિવાદના બીજ રોપાયા.
૨૯ નવેમ્બર ૧૯૫૨: વલ્લભ વિદ્યાનગરની ઐતિહાસિક પ્રથમ પરિષદ
મહાગુજરાત આંદોલનના ઇતિહાસમાં ૨૯ નવેમ્બર, ૧૯૫૨નો દિવસ સુવર્ણ અક્ષરે અંકાયેલો છે. વલ્લભ વિદ્યાનગરની પવિત્ર ભૂમિ પર જ્યારે 'મહાગુજરાત પરિષદ'નું પ્રથમ અધિવેશન મળ્યું, ત્યારે તે ગુજરાતના નૂતન યુગના ઉદય સમાન હતું. સરદાર વલ્લભભાઈ પટેલના અધૂરા રહેલા સ્વપ્નને પૂરું કરવા માટે સેંકડો સુપુત્રો અને કાર્યકરો અનેરા ઉત્સાહ સાથે એકઠા થયા હતા.
આ પરિષદમાં સમાજના દરેક ક્ષેત્રના મહારથીઓ હાજર હતા – પછી તે વિદ્યા હોય, વિજ્ઞાન હોય, વેપાર-ઉદ્યોગ હોય કે સમાજસેવા. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે ગુજરાતના આંગણે ભરાયેલી આ પરિષદમાં ભારતભરના અનેક નેતાઓ પ્રતિનિધિ તરીકે આવ્યા હતા:
૧. આંધ્ર: શ્રી વાવિલા ગોપાલકૃષ્ણૈયા (ધારાસભ્ય, મદ્રાસ રાજ્ય).
૨. કેરળ: શ્રી એ. પી. નારાયણ (મંત્રી, મલયલી ઐક્ય કેરલ પરિષદ).

૩. હૈદરાબાદ: શ્રી શિવમૂર્તિ સ્વામી (પાર્લામેન્ટ સભ્ય).
૪. કર્ણાટક: શ્રી સિદ્ધપ્પા હોસમની (પ્રમુખ, કર્ણાટક એકીકરણ પરિષદ) અને શ્રી મલનગૌડા પાટીલ.
આ મિલાનમંદિરે પત્રકારોની પણ મોટી ફોજ હાજર હતી. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના વાડીલાલ ડગલી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈ સમાચાર, જનશક્તિ અને લોકસત્તા જેવા અખબારોએ આ ઘટનાને રાષ્ટ્રીય સ્તરનું મહત્વ અપાવ્યું હતું.
આ પરિષદમાં શ્રી ભીખાભાઈ કુબેરભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે વલ્લભ વિદ્યાનગર એ કેળવણી અને ગ્રામોદ્ધારનું ધામ છે, અને તે બંને પટેલ ભાઈઓનું (વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ) અનન્ય સ્મારક છે. ત્યારબાદ, વિદ્યાનગરના સર્જક અને દીર્ઘદ્રષ્ટા શ્રી ભાઈલાલભાઈ પટેલે (ભાઈકાકા) સૌરાષ્ટ્ર હાઈકોર્ટના માજી જજ અને નિષ્ઠાવાન નેતા શ્રી હિંમતલાલ શુકલનું નામ પ્રમુખ તરીકે દરખાસ્તમાં મૂક્યું હતું.
હિંમતલાલ શુકલે પોતાના ભાષણમાં સિંહગર્જના કરતા કહ્યું કે, "ડાંગનો કેસ એવી રીતે રજૂ કરવામાં આવ્યો કે તે મહારાષ્ટ્ર તરફ ધસાય, પણ ગુજરાતીઓમાં ક્યારેય સાંકડો પ્રાંતીયવાદ રહ્યો નથી." તેમણે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતીઓએ આપેલા ઉદાર દાનના ઉદાહરણો આપ્યા હતા. ભાઈકાકાએ ત્યારે જ કહી દીધું હતું કે, "લોકશાહીના જમાનામાં તો 'બોલે તેના બોર વેચાય' અને 'માગ્યા વિના મા પણ ન પીરસે' એ ન્યાયે આપણે આપણી માંગણી મક્કમ રીતે રજૂ કરવી પડશે." આ જ પરિષદમાં ડાંગ, આબુ, ડુંગરપુર, વાંસવાડા અને ઉમરગામ સુધીના પ્રદેશને ગુજરાતમાં સમાવવાનો મક્કમ ઠરાવ કરાયો હતો.
૧૯૫૨ની પરિષદે જે બૌદ્ધિક પાયો નાખ્યો હતો, તે ૧૯૫૬માં જન-આંદોલનમાં ફેરવાઈ ગયો. ૬ ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ જ્યારે અખબારોમાં એવા સમાચાર છપાયા કે દિલ્હીમાં મુંબઈના દ્વિભાષી રાજ્યનો નિર્ણય લેવાઈ ગયો છે, ત્યારે ગુજરાતની પ્રજાનો રોષ ફાટી નીકળ્યો. જનતાને એવું લાગ્યું કે નેતાઓ મુંબઈના મોહમાં ગુજરાતના હિતોનું બલિદાન આપી રહ્યા છે.
આ સમયે ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) એ આંદોલનની ધૂરા સંભાળી. ઇન્દુચાચાના નેતૃત્વમાં 'મહાગુજરાત જનતા પરિષદ'ની રચના થઈ. દિનકર મહેતા, દાદુભાઈ અમીન, નલિનીબેન મહેતા અને જયંતિ દલાલ જેવા નેતાઓએ આ ચળવળને ગામડે-ગામડે પહોંચાડી. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને "મહાગુજરાત લઈને રહીશું"ના નારાઓ ગુંજવા લાગ્યા. ખાડિયાની પોળોથી લઈને લાલ દરવાજા સુધી લોકશક્તિના પ્રદર્શન થયા.
આ આંદોલન લોહિયાળ પણ બન્યું. પોલીસ ગોળીબારમાં અનેક યુવાનો શહીદ થયા, પણ લડત ન રોકાઈ. ૧૯૫૧માં સર પુરુષોત્તમદાસની આગેવાનીમાં બનેલી 'સીમા સમિતિ'એ જે આધારભૂત પુરાવાઓ એકઠા કર્યા હતા, તે દિલ્હી દરબારમાં રજૂ કરાયા. અંતે, કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું. જવાહરલાલ નહેરુએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.
આખરે, ૧ મે ૧૯૬૦ના રોજ સવારે સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે સ્વતંત્ર ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું. મહારાજે ત્યારે ગુજરાતની જનતાને આશીર્વાદ આપતા કહ્યું હતું કે, "ગુજરાત માત્ર સમૃદ્ધ જ નહીં, પણ સંસ્કારી બને."
આજે ૬૬ વર્ષ પછી, આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણું રાજ્ય એ કોઈ રાજકીય લહાણી નથી, પણ લોકજુવાળનું પરિણામ છે. વલ્લભ વિદ્યાનગરની એ પ્રથમ પરિષદના દસ્તાવેજો આજે પણ આપણને યાદ અપાવે છે કે જ્યારે પ્રજા અને વિદ્વાનો એક ઉમદા કાર્ય માટે એકઠા થાય છે, ત્યારે જ ઇતિહાસ રચાય છે. ભાઈકાકા, ઈન્દુચાચા અને શહીદ થયેલા અનેક અનામી યુવાનોના લોહી અને પરસેવાથી સીંચાયેલું આ ગુજરાત આજે વિશ્વના નકશા પર ચમકી રહ્યું છે.
આજના પવિત્ર દિવસે ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા પૂર્વજોએ આપેલા આ મહાગુજરાતને વધુ ભવ્ય, દિવ્ય અને વિકસિત બનાવીશું.
જય જય ગરવી ગુજરાત!




Subscribe us : WhatsApp Youtube Channel Visit us : Sardar Patel

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content