Showing posts with label pyarelal. Show all posts
Showing posts with label pyarelal. Show all posts

Gandhi Sardar

Gandhi Sardar


મતભેદ – એક એવો શબ્દ કે જેને લોકોએ જાણે અજાણે દુશ્મનાવટનો ભાવાર્થ બનાવી દીધો છે, મતભેદ કોને ન હોઈ શકે? મતભેદ દરેક ને હોઈ શકે, નવી પેઢીને જુની પેઢી સાથે હોઈ શકે, બાપ ને દીકરા સાથે હોઈ શકે. તો શું આ બધા એક બીજાના દુશ્મન તરીકે વર્તન કરતા હશે?  વિચારોની આપ-લે સમયે જરૂરી નથી કે દરેક વ્યક્તિનો વિચાર સરખો હોય, અને સૈધ્ધાંતિક રીતે વિચાર / મત / અભિપ્રાય અલગ હોઈ શકે છે. જેનો મતલબ એ નહી કે અલગ અભિપ્રાયવાળી વ્યક્તિઓ એક બીજાની દુશ્મન હોય. 

ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે ક્યારેક અમુક પ્રશ્નો વિષે મતભેદો થયા હતા, એનો મતલબ એ નહી કે તેઓ બન્ને એકબીજાના દુશ્મન બન્યા. સરદાર પટેલ પોતાના અંતિમ સમય સુધી ગાંધીજીની વિચાર ધારાને વળગી રહ્યા. સરદાર પટેલ અને ગાંધીજીના પત્રો પરથી જાણવા મળે કે સરદાર પટેલની ગાંધીજી પ્રત્યેની ભાવનામાં કશો જ ફર્ક પડ્યો નહોતો, વર્ષ ૧૯૪૦માં યુધ્ધની કટોકટી સમયે અહિંસા બાબતે એક ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે ગાંધીજીના ઉદ્દગારો હતા કે : “ભલે અત્યારે સરદાર અને હું  નોખા માર્ગે જતા દેખાઈએ તેથી કાંઈ અમારા હ્રદય થોડા જુદા પડે છે!” સરદાર પટેલ અને ગાંધીજી વચ્ચે થયેલા મનદુ:ખ પાછળ એક મહત્વનું કારણ એ હતું કે બન્ને વચ્ચેનો એક તાંતણો કે સેતુ બનતો હતો તે આ ફાની દુનિયાથી વિદાય લઈ ચુક્યો હતો, આ તાંતણો કે સેતુ એટલે મહાદેવભાઈ દેસાઈ. સરદારના સ્વભાવની વિશિષ્ટતા ગાંધીજી કરતા મહાદેવભાઈ વધુ સમજતા હતા. સરદાર પટેલે મુંબઈથી પ્યારેલાલને ૦૨-૦૭-૪૬ના રોજ પત્રમાં લખેલ કે

મને જે લાગ્યું તે બાપુને મે તરત કહી દીધુ, એ વિષે હવે કાંઈ વિચારવા જેવુ રહેતું નથી. બાપુના વિચાર આ વખતે સમજી ન શક્યો એ દુ:ખની વાત છે. આ વખતે ત્યાનું (દિલ્હી) વાતાવરણ અવિશ્વાસથી ભરેલું લાગ્યું, મહાદેવ તો દરરોજ યાદ આવતા હતા, એ હોત તો ઘણી વાતોનો ખુલાસો થઈ જાત.

હું હવે પહેલાં જેવી શારીરિક શક્તિ નથી અનુભવતો. એથી બહું આવજા કરી શકતો નથી. ત્યાં વાત કરવા આવું તો ઘણા હોય એ જોઈ ચાલી જાઉ. એટલે પણ મનની વાત મનમાં રહી જાય. એમ કોઈનો દોષ નથી. ”

બાપુનો કાગળ છે, એમાંથી મારો દોષ જેટલો સમજાય એટલો તો હું જોઈ શક્યો છું. ન સમજાય એ સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો.

તમે કહ્યું એ નિખાલસભાવે કહ્યું એમાં તમારો દોષ શેનો હોય? તમારો ધર્મ તમે બજાવ્યો.

ગાંધીજીએ પત્ર સરદાર પટેલને ૦૧-૦૭-૧૯૪૬ના રોજ લખેલ પત્રમાં બાપુએ લખ્યું કે તમે જાણો છો કે તમે કરેલું કેટલુંક હું નથી સમજ્યો. ઈલેક્શનનું ખર્ચ. આ જુની વાત આ વખતે બહુ આગળ ગઈ એમ હું માનું છુ. આઈ.એન.એની બાબત મને નથી ગમતી. તમે કમિટીમાં બહુ તપીને બોલો છો એ પણ નથી ગમતું. તેમા આ સ્વરાજ્યનો એસેમ્બ્લીનો કિસ્સો આવ્યો. આમાં ક્યાંય ફરીયાદ નથી! પણ આપણે નોખી દિશામાં જઈ રહ્યા છીએ એવું જોઉ છું. તેનું દુ:ખ પણ શું હોય? ફરિયાદ તો નહીં જ સ્થિતિ સમજીએ.”

આ પત્રના વળતા જવાબમાં પ્યારેલાલને કાગળ લખતા પહેલાં સરદારે ગાંધીજીને ૦૨-૦૭-૧૯૪૬ના રોજ પત્ર લખ્યો કે

આપનો ગઈ કાલનો કાગળ મળ્યો. હું ભોપાલથી કાલે સાંજે આવ્યો. ત્યાં નવાબસાહેબે મારી ખાતર તો ખૂબ કરી. કાશ્મીરની વાત પણ મેં કરી અને કાક (કાશ્મીરના દિવાન રામચંદ્ર કાક)ને બોલાવવા એમણે ગોઠવણ કરી છે. પણ આપ જેટલે દરજ્જે જવા ઈચ્છો એ એટલે હદ સુધી જાય કે કેમ એ સવાલ છે. રાજાઓ સુધારા આપવાના ડોળ કરે છે. પણ એની પાછળ કાંઈ શુધ્ધ દાનત હોય એમ લાગતું નથી. ભોપાલમાં પણ કાંઈક નવા સુધારા દાખલ કરવાની વાત છે.

આપ જ મુંબઈ (કોંગ્રેસ કારોબારી અને મહાસમિતિની બેઠકમાં) આવવા વિષે નિર્ણય કરી શકશો. જવાહર બોલાવે એટલે આવવું જોઈએ એમ લાગે છે. આપની ગેરહાજરી વિષે અત્યારથી છાપાઓમાં ચર્ચા ચાલી રહી છે. પણ એનો તો શું ઉપાય? પ્યારેલાલે કાગળ લખ્યો એ જોયો. આપે પણ લખ્યું એટલે હવે મારી શું કહેવાનું હોય? મારો દોષ હશે. મને હજી સમજાયો નથી એ દુ:ખની વાત છે.

જુદે માર્ગ જવા ઈચ્છતો નથી. ઈલેક્શનમાં આપનો મત વિરુધ્ધ હતો. મૌલાના કમિટીનો આગ્રહ હતો. એ કામ ન કર્યુ હોત તો વખતે કોંગ્રેસને માથે દોષ રહી જાત એમ સમજી કર્યુ. હવે એમને કાંઈ કહેવાપણું રહેતુ નથી.

આઈ.એન.એ કમિટીમાં જવાહરના આગ્રહથી માત્ર રાહતના કામમાં પડ્યો, એમાં કાંઈ રાજકીય ભાવ નહોતો.

કમિટીમાં હું ગરમ થઈ બોલ્યો એ તો એક પ્રકારનો પ્રકૃતિદોષ છે જ. જવાહર સાથે એમ કોઈ કોઈ વખત થાય છે ખરું. બાકી એ બોલવા પાછળ કાંઈ બીજું છે જ નહી.

મારી તબિયત પાછી ભાંગતી જાય છે. પણ હવે એનો ઉપાય નથી લાગતો. આ વખતનું દિલ્હીનું વાતાવરણ અવિશ્વાસથી અને વહેમથી ભરેલું લાગ્યું. ગરમી પણ ખૂબ હતી અને આપણૂં તંત્ર બેસૂરૂ હતુ. હવે તો ઈશ્વર કરે એ ખરૂ.

આપના ઉતારાની ગોઠવણ કરું છુ.

આમ, સરદાર અને ગાંધીજી મતભેદ દરમ્યાન પણ હ્રદયભેદ ક્યારેય નહોતા કરતા. બન્ને એક બીજાને નિખાલસભાવે વાત લખીને પોતાનો ભાવ શુધ્ધ મને પ્રગટ કરી શકતા.

આવ સરદાર અને ગાંધીજીના સંબંધો હતાં.

સંદર્ભ : સરદારશ્રી ના પત્રો - ભાગ ૪




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Gandhiji's last Will and Testament

ગાંધીજીનું છેલ્લું વસિયતનામું


વિધિનિર્મિત ના શુક્રવારના લેખમાં જેનો ઉલ્લેખ કરેલ છે તે કોંગ્રેસના બંધારણનો ખરડો નીચે આપ્યો છે. ગાંધીજીના અવસાનને કારણે એ હિંદની પ્રજા માટેનું તેમનું છેલ્લું વસિયતનામું બની ગયુ છે. – પ્યારેલાલ

ભાગલા પડ્યા છતાં હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસે યોજેલા સાધનો દ્વારા હિંદે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોવાથી આજના સ્વરૂપની કોંગ્રેસનો એટલે કે પ્રચારના વાહન અને ધારાસભાની પ્રવૃત્તિ ચલાવવાના તંત્ર તરીકેનો તેનો ઉપયોગ હવે પુરો થયો છે. શહેરો અને કસબાઓથી ભિન્ન એવા તેના સાત લાખ ગામડાંઓની દ્રષ્ટિથી હિંદની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિધ્ધ કરવાની હજી બાકી છે. લોકશાહીના લક્ષ્ય તરફની હિંદની પ્રગતિ દરમ્યાન લશ્કરી સત્તા ઉપર સરસાઈ સ્થાપવા માટેની મુલકી સત્તાની ઝુંબેશ અનિવાર્ય છે. એને રાજકીય પક્ષો અને કોમી સંસ્થાઓ સાથેની અઘટિત સ્પર્ધાથી અળગી રાખવી જોઈએ. આ અને એવાં બીજા કારણોને લઈને નીચેના નિયમો અનુસાર મહાસમિતિ કોંગ્રેસની વર્તમાન સંસ્થાને વિખેરી નાખવાનું અને લોકસેવક સંઘને સ્વરૂપે પ્રગટ થવાનું ઠરાવે. પ્રસંગ અનુસાર એ નિયમોમાં ફેરફારો કરવાની એ સંઘને સત્તા હોય.

ગ્રામવાસી હોય એવાં અથવા ગ્રામવાસીના માનસવાળાં પુખ્ત વયનાં પાંચ સ્ત્રીપુરુષોની બનેલી પ્રત્યેક પંચાયત એક ઘટક બનશે. પાસપાસેની આવી પ્રત્યેક બે પંચાયતોની તેમનામાંથી ચૂંટી કાઢેલા એક નેતાની દોરવણી નીચે કાર્ય કરનારી મંડળી બને. 

આવી સો પંચાયતો બને ત્યારે પ્રથમ કક્ષાના પચાસ નેતાઓ પોતાનામાંથી એક બીજી કક્ષાનો નેતા ચૂંટે અને એ રીતે પહેલી કક્ષાના આગેવાનો બીજી કક્ષાના આગેવાનની દોરવણી નીચે કાર્ય કરે. આખો હિંદ આવરી લેવામાં આવે ત્યાં સુધી બસો પંચાયતનાં આવા જોડકાં રચ્યે જવામાં આવે અને પછી રચાતું પંચાયતોનું પ્રત્યેક જૂથ પહેલાની જેમ બીજી કક્ષાનો નેતા ચૂંટ્યે જાય. બીજી કક્ષાના નેતાઓ સમગ્ર હિંદને માટે એકત્ર રીતે કાર્ય કરે અને પોતપોતાના પ્રદેશોમાં અલગ અલગ કાર્ય કરે. તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે બીજી કક્ષાના નેતાઓ પોતાનામાંથી એક વડો ચૂંટી કાઢે. તે એને ચૂંટનારાઓ ચાહે ત્યાં સુધી બધા જૂથોને વ્યવસ્થિત કરે તેમ જ તેમની દોરવણી કરે.

(પ્રાંતો અથવા વિભાગોની છેવટની રચના હજી નક્કી થઈ ન હોવાથી આ સેવકોના જૂથને પ્રાંતિક યા વિભાગીય સમિતિઓમાં વહેચવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અને સમગ્ર હિંદમાં કાર્ય કરવાનો અધિકાર કોઈ પણ સમયે રચવામાં આવેલાં જૂથ કે જૂથોમાં પ્રતિષ્ઠિત થાય છે. સેવકોના આ સમુદાયને અધિકાર અથવા સત્તા – જેની તેમણે સ્વેચ્છાપૂર્વક અને ડહાપણ ભરી રીતે સેવા કરી છે એવા તેમના સ્વામી એટલે કે સમગ્ર હિંદની પ્રજા પાસેથી મળે છે.)

૧)    પ્રત્યેક સેવક જાતે કાંતેલા સૂતરની અથવા ચરખા સંઘની પ્રમાણિત ખાદી હમેંશા પહેરનારો અને માદક પીણાં ન પીનારો હોવો જોઈએ. જો તે હિંદુ હોય તો પોતે તથા પોતાના કુટુંબમાંથી હરકોઈ સ્વરૂપની અસ્પૃશ્યતા તેણે દૂર કરી હોવી જોઈએ, કોમકોમ વચ્ચેની એકતાના, સર્વધર્મ પ્રત્યેનો સમભાવના તથા જાતિ, ધર્મ કે સ્ત્રીપુરુષના કશાયે ભેદભાવ રહિતની સૌને માટેની સમાન તક અને દરજ્જાના આદર્શમાં માનતો હોવો જોઈએ.

૨)      તેના કાર્યક્ષેત્રમાંના પ્રત્યેક ગ્રામવાસીના અંગત સંસર્ગમાં તેણે રહેવું જોઈએ.

૩)      ગ્રામવાસીઓમાંથી તે કાર્યકર્તાઓ નોંધશે અને તેમને તાલીમ આપશે. એ બધાનું તે પત્રક રાખશે.

૪)      તે તેના રોજેરોજનાં કામની નોંધ રાખશે.

૫)      પોતાની ખેતી તેમજ ગૃહઉદ્યોગો દ્વારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને તે રીતે તેમને સંગઠિત કરશે.

૬)     ગ્રામવાસીઓને તે સફાઈ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે તથા તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો લેશે.

૭)    હિંદુસ્તાની તાલીમી સંઘની નીતિ અનુસારની નવી તાલીમને ધોરણે તે જન્મથી મરણૅ પર્યતની સઘળા ગ્રામવાસીઓની કેળવણીનો પ્રબંધ કરશે.

૮)     જેમના નામ સરકારી મતદાર પત્રકોમાં નોંધાવા રહી ગયા હોય તેમના નામો તે તેમાં નોંધાવશે.

૯)     જેમણે મતાધિકારના હકને માટેની જરૂરી યોગ્યતા હજી પ્રાપ્ત કરી ન હોય તે પ્રાપ્ત કરવા માટે તેમને તે પ્રોત્સાહન આપશે.

૧૦        ઉપર જણાવેલા અને વખતોવખત જે બીજા ઉમેરવામાં આવે તે હેતુઓ સાધવાને માટે યોગ્ય ફરજ બજાવવા માટેના સંઘે ઘડેલાં ધારાધોરણો અનુસાર તે પોતે તાલીમ લેશે અને યોગ્ય બનશે.

 

            સંઘ નીચેની સ્વાધીન સંસ્થાઓને માન્યતા આપશે.

            ૧)         અ. હિ. ચરખા સંઘ

            ૨)         અ. હિ. ગ્રામઉદ્યોગ સંઘ

            ૩)         હિંદુસ્તાની તાલીમી સંઘ

            ૪)         હરિજન સેવક સંઘ

            ૫)         ગૌ સેવા સંઘ

નાણા બાબતે સંધ પોતાનું ધ્યેય પાર પાડવાને અર્થે ગ્રામવાસીઓ અને બીજાઓ પાસેથી નાણા ઊભા કરશે. ગરીબ માણસોનો પાઈ પૈસો ઉઘરાવવા ખાસ ભાર મૂકવામાં આવશે.

૨૯-૦૧-૧૯૪૮

મોહનદાસ કરમચંદ ગાંધી.


સંદર્ભ : હરિજન બંધુ – ૧૫-૦૨-૧૯૪૮

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

© all rights reserved
SardarPatel.in