વલ્લભવિદ્યાનગરના આદ્યસ્થાપક – શ્રી ભીખાભાઈ પટેલ (ભીખાભાઈ
સાહેબ)
ચરોતરની પાવન ભૂમિ પર શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી દરબાર ગોપાળદાસ, કુ મણીબેન પટેલ, ગં. સ્વ. કમલાબેન પટેલ, શ્રી એચ એમ પટેલ, શ્રી ભાઈકાકા, જેવા અનેક દેશના મહાન સપૂતોએ જન્મ લીધો છે. એવા જ એક મહાન સપૂતની આજે એટલે કે ૧૯-૦૬-૨૦૨૪ ના રોજ ૧૨૧મી જન્મતિથી છે. જ્યારે સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ તે પહેલાં ચાર દશકાથી ભીખાભાઈ સાહેબના મનમાં યુનિવર્સિટી ની બનાવવાનો વિચાર હતો.
ભીખાભાઈના પિતા કુબેરભાઈ પટેલ બોરસદ તાલુકાના ગંભીરા ગામે થયો, અને ભીખાભાઈ પટેલનો જન્મ ૧૯ જૂન ૧૮૯૦ના દિવસે કરમસદ ગામે થયો, બાળપણમાં તેઓ કરમસદ અને ગંભીરા વચ્ચે અવાર નવાર રહેતા. કરમસદની ગામઠી શાળામાં ૧૯૦૩ સુધી ભણ્યા, ત્યાં કરુણાશંકર ભટ્ટ નામના શિક્ષક તેમનો આદર્શ બન્યા, ભીખાભાઈ પટેલ આણંદ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તે સમયે તેમના જીવનનો યાદગાર પ્રસંગ : આણંદ ચરોતર એજ્યુકેશન સોસાયટીના મકાનો બંધાયા ન હતા. મોતીભાઈ સાહેબ સાથે ભીખાભાઈ ચરોતર એજ્યુકેશન સોસાયટીના આરંભી જ સંકળાયેલા હતા. ડિસેમ્બર ૧૯૧૪ માં જ્યારે આ સોસાયટીની સ્થાપના થઈ તે સમયે જ ભીખાભાઈ એ જાતે સ્વયંસેવક થવા ઈચ્છા વ્યક્ત કરેલ, પણ તે વાત આગળ વધી નહોતી. દરબાર ગોપાલદાસ આ સોસાયટી વસોમાં સ્થપાય તો તેઓ જમીન અને મકાન આપવા તૈયાર હતા. અને બીજી દરખાસ્તમાં પેટલાદમાં બોર્ડિંગનું મોટું મકાન હતું એટલે પેટલાદમાં આ પ્રવૃત્તિ ચાલે છે આથી સોસાયટીનું મથક ત્યાં બને તેવા પ્રયાસો ચાલતા હતા. પરંતુ અંબાલાલ અને ભીખાભાઈએ મોતીભાઈ અમીનને ભારપૂર્વક કહ્યું કે ચરોતર એજ્યુકેશન સોસાયટી નું મુખ્ય મથક તો આણંદ જ હોવું જોઈએ, આખરે લાંબી ચર્ચા બાદ મોતીભાઈ અમીને પોતાની પસંદગીનો કળશ આણંદ પર ઢોળ્યો, અને કહ્યું કે ચાલીસ હજાર રૂપિયાનું વચન મળ્યું તો છે, આથી રકમ પૂરેપૂરી મલ્યા પછીજ બાંધકામ શરૂ કરીશું. આ સમયે ભીખાભાઈ સાહેબ ચરોતર એજ્યુકેશન સોસાયટીની ન્યુ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય હતા, આણંદની મદદની રકમ પૂરી થશે એ આશા એ શાળાના પાયા ખોદાઈ ગયા. પાયા ખોદાયા પરંતુ ખૂટતા પૈસા ન આવે ત્યાં સુધી મકાનો ના બંધાય, મોતીભાઈ અમીનના નિર્ણયથી સોસાયટીના મંત્રી અંબાલાલભાઈ ખુબજ હતાશ થયા પરંતુ ભીખાભાઈ પટેલે તેમણે ધરપત આપતા કહ્યું “મકાનો તો બંધાશે જ નિરાશ થયે ન ચાલે, વિદ્યાર્થીઓની સારું શિક્ષણ આપવા માટે, સારી વ્યવસ્થા હોવી જરૂરી છે. તમે આ કામ મારા પર છોડી દો, અને ચિંતા ના કરો” અને ભીખાભાઈ એ શાળાનું ચણતર શરૂ કરાવ્યું અને મોતીભાઈ અમીનને વડોદરા પત્ર લખી જણાવ્યું કે “આણંદ ગામની ખૂટતી રકમની જવાબદારી અમે સ્વયં સેવકોએ સ્વીકારી છે. ગામ એ પૈસા આપશે તેવી શ્રધ્ધા છે તેમ છતાંય સંજોગોવશાત એમ નહીં થાય તો અમે એ રકમની વ્યવસ્થા બીજેથી કરી લઈશું. અને મકાનો બાંધવાનું શરૂ કરી દીધું છે.” આમ મોતીભાઈ અમીનનું વડીલપણું ન ઘવાય તે રીતે વચલો રસ્તો કાઢી કુનેહથી અમલ કરાવ્યો. મોતીભાઈ સાહેબની પણ હા આવી અને ખુશી પણ વ્યક્ત કરી. આમ ચરોતર એજ્યુકેશન સોસાયટીની શાળાઓના બાંધકામ શરૂ કરાવ્યા.વલ્લભ વિદ્યાનગરના સ્થળ પસંદગી સમયે અને વલ્લભ વિદ્યાનગરની સ્થાપના સમયે કરમસદના લોકોને ભીખાભાઈ સાહેબે વાતવાતમાં કહ્યું કે કરમસદના લોકોને તક ઝડપતા આવડતું નથી, જ્યારે રાષ્ટ્ર ઘડતર માટે સરદાર પટેલના સ્વપ્નની શૈક્ષણિક નગરીની સ્થાપનાની વાત ચાલતી હોય ત્યાં તમે બધા કેમ ઊંઘો છો તે સમજાતું નથી. આટલી ટકોર ગામના કાર્યકરો માટે પૂરતી હતી. અને કરમસદના લોકોએ પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર પોતાની મહામૂલી જમીનો વલ્લભ વિદ્યાનગરની સ્થાપના માટે અર્પણ કરી. અને આ વાત જ્યારે સરદાર પટેલને ભાઈકાકા, ભીખાભાઈ પટેલે જણાવી ત્યારે સરદાર પટેલે કહ્યું “કરમસદ દેશનું કેન્દ્ર બનશે.” આ વાતની નોંધ ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાના ગ્રામ સ્વરાજ માં પણ કરી.
શ્રી ભીખભાઈ પટેલ લિખિત કવિતા સાથે તેમણે અંજલિ.
ધન્ય પ્રભુ! ધન્ય પ્રભુ! ધન્ય તને ધન્ય,
અનેક આશ પૂરી કરી! ધન્ય તને ધન્ય,
જુગાર રમાડી,
જાદુ કરી,
જીવન પલટયું
ધન્ય;
અભાવ
લક્ષ્મીકીર્તિનો કરી,
સેવા પ્રેરી
ધન્ય. ધન્ય..
અનેક સંકટો
નિવારી,
કાર્ય કર્યું, ધન્ય;
અજ્ઞાનથી જે
દૂ:ખ માણ્યું,
શ્રેય કર્યું ધન્ય! ધન્ય..
મમતા છોડાવી કાર્યમાં તે,
શાંતિ સ્થાપી ધન્ય;
માંગ્યુંય નહીં તે ખડું કર્યું,
કૃપાનિધાન ધન્ય! ધન્ય..
સુકાન સોંપ્યું હાથ તારે,
દૂ:ખભંજન ધન્ય;
નાવ ઉતરે તું પાર મારુ;
ધન્ય તને ધન્ય! ધન્ય..
વલ્લભ વિદ્યાનગરની સ્થાપના બાદ તેના સ્થાપક સભ્યોને એક એક જમીનના પ્લોટ ફળવાયા પરંતુ આ પ્લોટ લેવાનો ઇનકાર કરનાર એવા ભેખધારી એટલે શ્રી ભીખભાઈ સાહેબ.(ઉલ્લેખનીય કે આ પ્લોટની આશરે કિમત ૨-૩ કરોડ હશે)
શ્રી ભીખાભાઈ પટેલની વાતો તો ખૂબ જ છે તે સમયાંતરે કરતાં રહીશું.
રશેષ પટેલ – કરમસદ
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel