શું તમે જાણો છો?
સરદાર સાહેબનો જુનાગઢનો ઐતિહાસિક પ્રવાસ
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
પુરાણોમાં તો સૃષ્ટિના સર્જન સમય થી જ શિવલિંગ પૂજા પ્રચલિત છે અને ભગવાન સોમનાથ બિરાજે છે. અને આ વાતને પ્રભાસખંડ ના છઠ્ઠા અધ્યાયમાં સમર્થન આપવામાં આવેલ છે. ભારત અને ગુજરાતનું સ્વાભિમાન સમું ભગવાન સોમનાથનું જયોર્તિલિંગની સ્થાપના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રભાસ પાસે આવેલ છે જે આજે સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને જાજરમાન સોમનાથ મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરી હતી અને આ પ્રસિધ્ધિથી અંજાઈને કાબુલ નો મહમુદ ગઝની પોતાની ધનલાલસા સંતોષવા અને ગાઝીનું બિરુદ મેળવવા સોમનાથ ધ્વંસના ઈરાદે ઇ. સ. ૧૦૨૫-૨૬માં ભારત આવ્યો અને એ સમયે તેનો સામનો કરી શકે એવા કોઈ હિન્દુ રાજા નહોતા અને આથી મહમૂદ ગઝની માટે આ ખૂબ સરળ રહ્યુ. મહમુદ ગઝની ની સેનામાં આશરે ૩૦ હજાર ઘોડેસવાર અને ૫૪ હજાર જેટલા સેવકો અને તેમના સાધનો અને યુદ્ધ સામગ્રી સ્થાળાંતર માટે ૫૦ હજાર ઊંટો હતા. આશરે બધા મળીને એક લાખ જેટલા માણસો હતા. ગઝની એ ૫૪ હજાર સેવકોને વચન આપેલ કે સરાહના કાનૂન મુજબ સોમનાથની લૂંટનો ભાગ આપવામાં આવશે. સોમનાથમાં પોતાની સામે લડી શકે તેવો કોઈ વ્યક્તિ ના હોવાનું જાણી ગઝનીનું અભિમાન સમાતુ નહોતું, ગુરુવારની સાંજે સોમનાથમાં કોઈ સૈન્ય હતું નહીં અને મંદિરના રક્ષકો જ હતા અને આથી ગઝની ની સેના બેફિકર હતી, પરંતુ આ રક્ષકો અને પ્રજાજનોએ ભેગા મળી સેનાનો પ્રતિકાર કર્યો ત્યાં વસતા દરેક પોતાના ઇષ્ટદેવના રક્ષણાર્થે મૃત્યુના મુખમાં હોમાવા તૈયાર હતા. અચાનક પ્રબળ અણધાર્યો પ્રતિકાર ગઝની માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હતો.
સોમનાથ મંદિર વિષે ઘણું લખી શકાય તેમ છે પરંતુ આજે આટલી વાતે વિરામ આપી મુખ્ય વાત એ છે કે આજે ૧૩ નવેમ્બર ૨૦૨૨, સરદાર પટેલે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ લીધો હતો અને તે સંકલ્પ પૂર્ણ પણ થયો, આજે સોમનાથ દાદા સોમનાથ મંદિરમાં ગુજરાત અને સમગ્ર ભારતની આન, બાન, અને શાન સાથે બિરાજમાન છે. સરદાર સાહેબે જે દિવસે સંકલ્પ લીધો હતો તે તારીખ ૧૩ નવેમ્બર ૧૯૪૭ અને આજે તે વાતને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. તો આજે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર નો સંકલ્પ કેવી રીતે થયો તે વિષે થોડી વાત.
સરદાર સાહેબનો જુનાગઢનો પ્રવાસ એટલા માટે ઐતિહાસિક હતો કારણકે તે આવનાર ભવિષ્યમાં એક એવી ધરોહર અર્પણ કરવાના હતાં કે જે એક યાદગાર સ્થળ અને ઈતિહાસમાં જેને વારંવાર લૂંટવામાં આવ્યું તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઐતિહાસિક મંદિર એટલે સોમનાથ મહાદેવનું મંદિર. સરદાર સાહેબ જામ સાહેબના પ્લેનમાં જામસાહેબ, હિંમતસિંહજી, દરબાર સાહેબ વગેરે સાથે કેશોદ માટે રવાના થયા. કેશોદ સ્ટેશનથી રેસિડેંટ સલૂનમાં (ટ્રેનનો ખાસ ડબ્બો) જુનાગઢ ગયા. જુનાગઢ સ્ટેશન પર તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા. જુનાગઢમાં એક જાહેરસભામાં જુનાગઢના લોકો વથી શામળદાસ ગાંધીએ સરદાર સાહેબનું સન્માન કર્યું. અને સરદાર સાહેબે તેનો યોગ્ય જવાબ પણ આપ્યો. એજ સલૂનમાં વેરાવળ અને ત્યાંથી કાર દ્વારા સોમનાથ પહોચ્યા. ત્યાંના રમણીય દરિયા કિનારે પાણીમાં પગ રાખી એક શાંતિની અનુભુતી કરી. સોમનાથમાં ખંડેર હાલતમાં મંદિર જોઈ અને પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા ભગવાન શિવના દર્શન કરી મંદિર પરિસરની સભામાં સરદાર સાહેબે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારની પ્રતિજ્ઞા લીધી.
તા. ૧૨ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સરદાર પટેલ (ભારતના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તથા ગુજરાતનાં પનોતા પુત્ર) તેમના સાથીઓ કાકા સાહેબ ગાડગીલ સાથે જુનાગઢ આવ્યા. અને બીજા દિવસે એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ તેઓ સોમનાથ મંદિરના દર્શને ગયા અને ત્યાં સમુદ્રતટે તેમણે જળ હાથમાં લઈ સાથે આવેલા મહારાજ જામસાહેબ દિગ્વિજયસિંહજીની ઉપસ્થિતિમાં જાહેર કર્યું કે “ભારત સરકાર સોમનાથ મંદિરનું નવનિર્માણ કરશે અને જ્યોતિર્લિંગની સ્થાપના કરવાનો ઠરાવ કરે છે.” આ ઘોષણા ત્યાં હાજર રહેલ જનસમુદાયે સહર્ષ વધાવી અને દરેક સ્ત્રી પુરુષોની આંખોમાં હર્ષના આસું પણ ઉભરાયા. સરદાર સાહેબે ગંભીર અને મક્કમ સવારે જાહેર કર્યું કે “આજના નવા વર્ષના શુભ દિવસે અમે એવો નિર્ણય કર્યો છે કે ભગવાન સોમનાથના મંદિરને ફરી બાંધવું; સૌરાષ્ટ્રની પ્રજાએ તે માટે બનતું કરવું જોઈએ, કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાનો યથાશક્તિ ફાળો આપવો જોઈએ.”
મહારાજા જામસાહેબે એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી. આરઝી હકુમતના શામળદાસ ગાંધીએ આરઝી હકૂમત વતી ૫૧ લાખ રૂપિયાની જાહેરાત કરી. વેરાવળમાં મિલીટરી થાણું પણ મૂકવામાં આવ્યું. મહારાજા જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને મંદિરના જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો. રાજા કુમારપાળ દ્વારા બંધાયેલ અને અનેક વખત ખંડિત થયેલ, તેમ છતાં અડીખમ ઊભેલા ભગવાન સોમનાથના મંદિરને પાડી તે સ્થળે નવા મંદિરને બાંધવાનો નિર્ણય ટ્રસ્ટે લીધો. પ્રભાસના લોકોએ, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે જેવી સંસ્થાઓએ સખત વાંધાઓ નોંધાવ્યા, પરંતુ સોમનાથ ટ્રસ્ટે આ બધા વાંધાઓને અમાન્ય રાખી પુરાતત્ત્વની એક દુર્લભ ઇમારત જેવા આ મંદિરને પાયેથી પાડી નાંખવાનો નિર્ણય લીધો.
૧૯ એપ્રિલ ૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્રના પંત પ્રધાન શ્રી ઉછંગરાય ઢેબરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ૮ મે ૧૯૫૦ ના રોજ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીના વરદ હસ્તે શિલારોપણ વિધિ થઈ, અને ૧૧ મે ૧૯૫૧ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ (રાજેન બાબુ)ના વરદ હસ્તે સવારે ૯ વાગ્યે અને ૪૭ મિનિટે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા થઈ.
આજે પણ આ મંદિર ગુજરાત અને ભારતની અસ્મિતાને અમર રાખી, અચળ ધર્મના વિજયના પ્રતિકનો સંદેશો આપી રહ્યું છે.