Sardar Patel and Jamnalal Bajaj

Sardar Patel and Jamnalal Bajaj

સરદારશ્રીના જીવનને લગતી એક ઘટના જે ૧૯૩૭માં ઘટેલ તેમાં મુખ્યત્વે શ્રી જમનાલાલ બજાજની ગેરસમજના કારણે બન્નેને થયેલ ભારે મનદુ:ખ એ એક મહત્વની ઘટનાઓમાંની એક છે. આ ગેરસમજ મુખ્યત્વે નરીમાન પ્રકરણમાંથી ઉપજેલ. સમયાંતરે સ્પષ્ટીકરણ થતાં બન્ને વચ્ચે તે મનદુ:ખ પણ ઊડી ગયેલ. નરીમાન તરફી પત્રોએ એવો પ્રચાર ચાલ્યો હતો કે તેના વંટોળમાં ભલભલા સપડાયા. સરદારશ્રીના પીઠબળ વગર નરીમાન મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન બની શકે તેમ નહોતું. અને આ કારણે જ તેમણે સરદારશ્રી પાસે મદદ માંગેલી. કેંદ્રીય ધારાસભાની ચુંટણી સમયે નરીમાન મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોવા છતાં મહાસભાના સત્તાવાર ઉમેદવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી અને તેથી જ મહાસભાને તે જગ્યા ગુમાવવી પડી હતી. અને એટલે સરદારશ્રીએ પોતાનો ટેકો નરીમાનને આપ્યો નહોતો. જે વિરોધીઓ કહેતા થાકતા નહોતા કે સરદારશ્રીએ કાવાદાવા કરીને નરીમાનને મુખ્યપ્રધાન બનવા ન દીધા તે વાતોને રદીયો બહાદુરજીના નિશંકપણે આપેલ ચુકાદાથી મળ્યો. ૧૯૩૭-૩૮માં નરીમાન પ્રકરણ જે રીતે ચાલેલું તે જોતાં તો બીજો કોઈ સામાન્ય માણસ સરદારશ્રીના સ્થાને હોત તો તે ઝુંબેશ સામે ટકી શક્યો ન હોત. તે સમયે તો સરદારશ્રીના જાહેરજીવનને પણ તોડી પાડવા અનેક કાવાદાવાઓ થયેલા અને સરદારશ્રીના કાગળો, તાર સુદ્ધા પણ મેળવવાના પ્રયત્નો કરવામાં આવેલા. હકીકતમાં તો બિનકોંગ્રેસી ઉમેદવાર કાવસજી જહાંગીરના કારણે કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ હતી.
Sardar Patel & Jamnalal Bajaj

કાવસજી જહાંગીર બાબતે એક નોંધપાત્ર વાત જાણવા જેવી ખરી કે તે વર્ષ ૧૯૪૬માં કેંદ્રીય ધારાસભાના પ્રમુખપદ માટે શ્રી માવળંકર સામે ઊભા થયા હતા અને તેમણે રાષ્ટ્રીય કટોકટી સમયે મુસ્લીમ લીગનો ટેકો મેળવ્યો હતો.

પોતાના ભાઈ જેવા જમનાલાલજીની ગેરસમજથી સરદારશ્રીને ઊંડો ઘા લાગ્યો હતો અને જમનાલાલજીનો રસ્તો ખુલ્લો કરી દેવા માટે એમણે ગાંધી સેવા સંઘમાંથી પણ મુક્ત થવાનું ઠરાવ્યું હતુ. તે દિવસો દરમ્યાન સરદારશ્રી અંગત રીતે એક કટોકટી ભરી સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. છાપાંઓમાં નરીમાન અને ખરે પ્રકરણને લઈને એમની સામે વંટોળ ઊભો થયો હતો. અને બાપુની ખાસ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા તેમાં ઘર ફુટ્યા જેવી સ્થિતિ ઊભી થયેલ હતી. તેમ છતાં તેમણે પોતાના મન ઉપર કાબુ રાખ્યો અને જમનાલાલજી પ્રત્યેની હમદર્દી જાળવી રાખી. સરદારશ્રીની મિત્રો પ્રત્યેની ગજબની વફાદારી અને મિત્રોની ગેરસમજોના કારણે દુ:ખ થાય તો પણ મૂંગે મૂંગે સહન કરી મિત્રો પ્રત્યે મમતા મનમાં રાખી હતી.
Azad, Jamnalal Bajaj, Sardar Patel, Bose

નરીમાન પ્રકરણથી શ્રી જયંતીલાલ અમીન અંગે એક નવો ફણગો ફુટ્યો હતો, સરદારશ્રીને ફસાવવા નરીમાનના હિમાયતીઓ કેટલી હદ સુધી પહોચી ગયા હતા તે જયંતીલાલના તા. ૨૫-૧૧-૧૯૩૮ના પત્ર પરથી સમજી શકાય અને સરદારશ્રીએ આ પત્ર જવાબ આપતો વળતો પત્ર તા. ૨૮-૧૧-૧૯૩૮ના રોજ લખેલ હતો તે જાણવા જેવો છે.


ફોટો સૌજન્ય : http://www.jamnalalbajajfoundation.org/

Padmashree Kantibhai Patel - Renown Sculpture Artist

Padmashree Kantibhai Patel - Renown Sculpture Artist


પદ્મશ્રી કાંતિભાઈ પટેલ – સોજીત્રા જેમને આપણે કાંતિભાઈ શિલ્પી તરીકે પણ ઓળખીએ છીએ, જેમણે સરદાર પટેલ, ગાંધીજી, રામકૃષ્ણ પરમહંસ, ભીખાકાકા, ભાઈકાકા વગેરે જેવા મહાનુભાવોની આબેહુબ પ્રતિમાઓ બનાવેલ છે. આ સાથે સાથે તેમના સ્કલ્પચર દેશ વિદેશોમાં પણ મુકાયેલા છે સાથે સાથે વલ્લભ વિદ્યાનગર, કરમસદ બસ સ્ટેંડ, કરમસદ મેમોરિયલ જેવા અનેક સ્થળોએ તેમની દ્વારા બનાવવામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાઓ મુકવામાં આવેલ છે. તેમણે પોતાની આશરે ૬૦ કરોડની મિલ્કત લલિત કળા અકાદમીને દાનમાં આપી દીધી, આવા કાંતિભાઈ શિલ્પી જેઓએ તા. ૦૮-૦૧-૨૦૧૯ના રોજ આ ફાની દુનિયાથી વિદાય લીધેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

Sardar Patel Statue 



Sabarmati Ashram's Library

Sabarmati Ashram's Library

સાબરમતી આશ્રમનું પુસ્તકાલય

તા. ૩૧ જુલાઈ ૧૯૩૩ ના રોજ સાબરમતી આશ્રમ વિખેરી નાખ્યો હતો અને તે વખતે આશ્રમમાં જે પુસ્તકાલય હતુ તે રખડી ન જાય તે માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીને સોંપેલું. જેનુ કારણ કે આશ્રમનું પુસ્તકાલય વિદ્યાપીઠના પુસ્તકાલયના એક ભાગ તરીકે ગણાતું એટલે વિદ્યાપીઠના પુસ્તકાલયને પણ મ્યુનિસિપાલિટીને સોંપવુ ઠીક રહેશે તેમ ગાંધીજીનો ખ્યાલ જોઈ કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપી દીધુ હતું. તે વખતે વિદ્યાપીઠના ઘણાખરા ટ્રસ્ટીઓ જેલમાં હતા. પરંતુ ગાંધીજીની સંમતિ હોવાથી તે અંગે ટ્રસ્ટીઓની વિધિસર સંમતિ લેવાની જરૂર કાકાસાહેબ કાલેલકરને જરૂર ન જણાઈ. જ્યારે આ દાનની વાત સરદારશ્રીને ખબર પડી ત્યારે તેમણે આ બાબતે અણગમો વ્યક્ત કર્યો, તેમની દ્રષ્ટિએ આવી રીતે ટ્રસ્ટની મિલ્કત બીજી સંસ્થાને સોંપી શકાય નહી. બીજું એવું દાન વિદ્યાપીઠના ધ્યેયો અને ઉદ્દેશો સાથે અસંગત ગણાય અને પુસ્તકાલયનું કામ સાવ રખડી પડે તેવો પણ તેમને ડર લાગ્યો. સરદારશ્રી સાથે બાપુએ આ બાબતે વાત કર્યા પછી બાપુને પણ ખ્યાલ આવ્યો કે આ કામ ધમાલમાં વગર તપાસે થયું હતું. એટલે એમણે સરદારશ્રીને લખ્યું કે “ વસ્તુતાએ જો એ પુસ્તકો પાછાં લેવાનો ધર્મ હોય તો એ પાછાં લઈ લેવાં.” બીજી બાજુ કાકાસાહેબે ગાંધીજીની સલાહને આધારે જ આ પગલું ભર્યુ હોવાથી આ પ્રકરણનો અંજામ આવો આવશે તે ખ્યાલ પણ નહોતો. આ જ કારણે ટ્રસ્ટો વિષેની આવી અટપટી જવાબદારીઓમાંથી નીકળી જવું જ સારુ એવો કાકાસાહેબે નિર્ણય કર્યો હતો. તેમાં વળી લોકો એવુ સમજ્યા કે કાકાસાહેબ પોતે કેટલાય સમયથી એવુ વિચારતા હતા તે મુજબ ગુજરાત બહાર કોઈ ક્ષેત્રમાં કામ કરવું છે એટલે કાકાસાહેબે આવો નિર્ણય કર્યો હોય!

Renunciation of Sardar Patel

Renunciation of Sardar Patel - સરદાર પટેલનો ત્યાગ

સન ૧૯૨૯ના પ્રવચનો દ્વારા જાણી શકાય કે સરદાર પટેલનો મુખ્ય મુદ્દો જમીન મહેસૂલનો અન્યાયી બોજ હતો, તેમનું માનવુ હતુ કે આ મુદ્દા ઉપર આખા હિંદુસ્તાને સરકાર સામે લડવા તૈયાર કરી શકાશે. સપ્ટેમ્બર ૧૯૨૯ના યંગ ઈંડિયામાં ગાંધીજીએ આ વિષય બાબતે વિસ્તારથી લખેલ છે અને જેમા બારડોલીનું મહત્વ અને સરદારની શક્તિઓની જાણકારી દેશ સમક્ષ મુકી હતી. જેમા તેમણે જણાવ્યુ કે “સરદારની આગેવાની શક્તિઓનો લાભ ઉઠાવી શકે તેવા કેટલા બારડોલી જેવા ગામો છે?” બારડોલીની લડાઈ માટે તૈયાર ખેડુતોએ તાલીમબધ્ધ સેવકોની મદદથી અહિંસાની આ લડતમાં વિજય મેળવ્યો હતો.

કોંગ્રેસના પ્રમુખપદ જેવા મહત્વના સવાલમાં મોતીલાલ નહેરુ પછી કોની વરણી કરવી તેમાં સરદાર પટેલ અને ગાંધીજી વ્યસ્ત બન્યા હતા. સુભાષચંદ્ર બોઝે લખેલ કે “કોંગ્રેસના સભ્યોમાં સરદાર પટેલ અને ગાંધીજી બન્નેમાંથી આ પદ કોને મળવું જોઈએ તે બાબતે અસમંજસ હતી. કેટલાક સભ્યો સરદાર પટેલને આ માન મળવું જોઈએ અને કેટલાક સભ્યો એમ માનતા હતા કે અંગ્રેજો સામેની લડત ગાંધીજીએ લડવાની હતી તેથી આ માન તેમને મળવું જોઈએ. ગાંધીજીને આ માન મળે તેમાં રાજાજી અને ઘણાખરા અંશે સરદાર પટેલ પોતે પણ આ મત ધરાવતા હતા.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વૈદારણ્ય પરિષદમાં સરદારે કહ્યુ હતુ કે “સહું કોઈ ગાંધીજીને પ્રમુખપદ સોંપવા આતુર છે.” દસ પ્રાંતિક સમિતિઓએ ગાંધીજીના નામની દરખાસ્ત મૂકી હતી અને નવા પ્રમુખ તરીકે ગાંધીજીના નામની જાહેરાત પણ કરી દેવામા આવી હતી. પણ ગાંધીજીએ આ હોદ્દો સ્વીકરવાની સાફ મનાઈ કરી. હવે પાંચ પ્રાંતિક સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલના નામની અને ત્રણ પ્રાંતિક સમિતિઓએ જવાહરલાલ નેહરુના નામની દરખાસ્ત કરેલ, હવે પસંદગી આ બન્ને વચ્ચે કરવાની હતી. લખનૌમાં મળેલ કોંગ્રેસ સમિતિની સભામાં ગાંધીજીને તેમના નિર્ણય બાબતે ફરી વિચારવા વિનંતી કરી પરંતુ ગાંધીજી પોતાની વાતને વળગી રહ્યા.
ઉત્તરપ્રદેશના નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણ શર્મા જવાહરલાલના યુવાન અને ઉત્સાહી ટેકેદારો હતા. અને તેઓએ વલ્લભભાઈ ઉપર દબાણ કરવાનું શરુ કર્યુ અને જાહેરમાં હવે સરદાર શુ કરશે? સરદાર શુ કહેશે? આ બાબતોને પ્રાધાન્ય આપી ચર્ચા કરવા માંડી. આ સમયે નરેંદ્ર દેવ અને બાલકૃષ્ણએ જે ભાગ ભજવેલ તેની યાદ તાજી કરતા સરદારે આશરે ૧૯ વર્ષ પછી એટલે કે આશરે ૧૯૪૮માં તેમને જવાહરલાલના “ડાઘિયા કુતરા” તરીકે ગણાવ્યા હતા. નરેંદ્ર દેવ ના લખાણ મુજબ ૧૯૨૯માં ઉમેદવારી પાછી ખેચી લેવા માટે સમજાવવા ગાંધીજી માટે કપરો સમય હતો, આ લખાણનો ઉલ્લેખ રાણીએ કરેલ તે સાવ ખોટી રીતે બોમ્બે ક્રોનિકલ ૨૮-૧૯૩૯માં વંચાયો છે. હકીકતમાં આ લખાણ વર્ષ ૧૯૩૬ બાબતે નરેંદ્ર દેવે લખેલ જે ખોટી રીતે વંચાયેલ હોવાતી ૧૯૨૯ માટે ગેર સમજ ઉભી કરે છે. હકીકતમાં તો વર્ષ ૧૯૨૯માં તો સરદાર પટેલે તરત ઉમેદવારી પાછી ખેચી લીધી હતી. અને જવાહરલાલ નેહરુ ૧૯૨૯માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

Narayan Dev
“ડાઘિયા” શબ્દપ્રયોગ ઉપરથી તો સમજી શકાય કે વલ્લભભાઈ પટેલના મનમાં કેટલી કડવાશ હશે. આ કડવાશ શા કારણે છે? તે સમજવા ઘણા કારણો છે. તેમના માટે સૌથી વેદનાકારી કારણ એ હતુ કે જેના માટે થઈને તેમણે ઘરબાર છોડ્યાં, અને દરેક બાબતે જેમનો અભિપ્રાય સર્વોપરી અને મૂલ્યવાન હતો, તે મહાત્મા ગાંધીજીએ તેમની શક્તિઓને ઊતરતી ગણાવી હતી. “ડાઘિયાઓ” જવાહરલાલને ટેકો આપે તે સમજી શકાય પરંતુ ગાંધીજી પોતે જવાહરલાલની વરણી કરે તે તેમના માટે અસહ્ય હતું. માઈકલ બ્રેચરના પુસ્તક નેહરુમાં આ બાબતે ઉલ્લેખ કરેલ છે. અને મોતીલાલ નેહરુ અને માતા સ્વરૂપરાણી ની ખુશીનો તો કોઈ પાર નહોતો. વર્ષને અંતે લાહોર કોંગ્રેસના પ્રમુખપદેથી જવાહરલાલ નહેરુએ કહ્યુ કે “હું ગણતંત્રવાદી છુ અને રાજાઓ અને રાજકુમારોની પરંપરામાં મને જરા પણ શ્રધ્ધા નથી.” સ્વાયત્તની શાસનની બાબતમાં વલ્લભભાઈ જવાહરલાલ કરતા ઓછા ઉગ્ર હતા. તેમ છતા ગણતંત્ર તેમના લોહીમાં વણાઈ ગયેલું. આ ગોળી ઘણી કડવી હતી પરંતુ વલ્લભભાઈએ કોઈપણ આનાકાની વગર ગળે ઉતારી લીધી.

Balkrishna Sharma

ગાંધીજીને અનુસરવાની પોતાની પ્રતિજ્ઞાને કારણે જ વલ્લભભાઈ બધા જ આઘાત અને અણગમાને પોતાના મનમાં ઉગતા પહેલા જ દાબી દીધા. પરંતુ એક વાતથી તો ગાંધીજી, જવાહરલાલ અને બીજા સભ્યો પણ પરિચિત હતા કે ગુજરાતમાં તો ફક્ત પટેલ કહેશે તે જ થશે ખુદ કોંગ્રેસ પ્રમુખ કે ગાંધીજી કહેશે તો પણ નહી ઉપજે. જેમ ૧૯૦૫માં વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈ માટે જે ભોગ આપ્યો (બેરિસ્ટર થવા માટે વિલાયત જવાનો) તેમા એક વણલખી શરત હતી તેમ ૧૯૨૯માં તેમણે જવાહરલાલ માટે આપેલ ભોગમાં પણ એક મૂક શરત હતી – ગુજરાતમાં વલ્લભભાઈ ધારશે તેમ જ થશે.

Sardar, Gandhi And Jawahar



ગાંધીજી અને સરદારશ્રીનો સંબંધ કેટલો નિકટનો હતો તે સમજવા અમુક પ્રસંગો વાગોળવાથી જણાશે. સરદારશ્રી ગાંધીજીના અંધભક્ત તરીકે ઓળખાતા. સરદાર પારદર્શી દૃષ્ટિના અને વ્યવહારકુશળ માનવી હતા કે તેઓ પોતાની બુધ્ધિ ગીરવે મુકે જ નહી! ગાંધીજી સરદારશ્રીના મનની વાત સમજતા તેવી જ રીતે સરદારશ્રી પણ ગાંધીજીના મનની વાત સમજતા અને એટલેજ ગાંધીજીએ તા. ૮ મે ૧૯૩૩ના રોજ પોતાના નિવેદનમાં જ કહેલ કે “
યરવાડા જેલવાસ દરમ્યાન સરદારે જે પ્રેમથી મને તરબોળ કર્યો છે. તેના કારણે જ મને મારા માતાની યાદ આવતી. મને જરાક કાંઈ થાય તો સરદાર પથારીમાંથી ઊઠ્યાજ સમજો. મારી સગવડની નાનામાં નાની વસ્તુઓની પણ કાળજી રાખતા. ક્યારેક તો ગાંધીજી બોલી ઉઠતા સરદાર તો મને મારા પુત્રની જેમ વહાલા છે.




વર્ષ ૧૯૪૭ના અંતમાં લોકતંત્રના વહીવટી કાર્યક્ષેત્રોમાં જ્યારે સરદાર અને જવાહરલાલ વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે બન્ને અવારનવાર ગાંધીજી સાથે રજુઆત કરતા. સરદારશ્રી સાથે ગાંધીજીએ વાત કરતા એક સમયે તો સરદારશ્રીને કહ્યું હતું કે 
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
આ પ્રસંગનીતો મણીબેને પણ નોંધ લીધેલ. ત્યારે સરદારે ગાંધીજીને જણાવ્યું કે 
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
કોંગ્રેસ સંગઠનમાં સૌથી કાર્યકુશળ અને પ્રભાવી વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી બનવું સરદાર માટે તો જરાય અઘરું નહોતુ. ગાંધી કહે તે પ્રમાણે વર્તવું એવો ધર્મ પોતાના અંગત જીવનમાં સદાય પાળ્યો હતો.



સરદારે જવાહરને ફક્ત નેતા તરીકે જ સ્વીકાર્યા નહોતા, બલ્કે અણીના વખતે તેઓ હરહંમેશ એમની પડખે ઉભા રહેતા. અપ્રિલ ૧૯૫૦માં જ્યારે નહેરુ-લિયાકત કરાર વખતે જે મદદ સરદારે કરી તે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બાબતે આપણે વિગતવાર ચર્ચા ફરી ક્યારેક કરીશું. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો હતા પરંતુ તે ક્યારેય રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત નહોતા થયા. સરદારે ગૃહમંત્રી પદે જેટલી મદદ નહેરુ ને કરી છે તે જ આ વાત સાબિત કરે છે કે નહેરુને સરદારની જરૂર હંમેશા રહી હતી.



ગાંધીજીના નિર્વાણ પછીનો સરદારનો તા. ૮-૨-૪૮ના પત્રમાં જ સરદારની ગાંધીભક્તિ આંખે ઉડીને વળગે
છે. આપણા માથેથી છત્ર ચાલી ગયુ, સૂનુ લાગે છે, પણ શું થાય! મહાત્માનું જીવન એટલે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ! આ ઉદ્ગારો રૂપે બાપુને ભવ્ય શ્રધ્ધાંજલી આપતા સરદારના મુખેથી રામલીલા મેદાન પર ભાષણ આપતા સરી પડ્યા.

જ્યારેબાપુની હત્યા થઈ ત્યારે કેટલાક સમાજવાદી નેતાઓએ તે જ સમયે બાપુની શહીદીનો ડાઘ સરદારના માથે ચોટાડવાનો સુવર્ણ અવસર માનવા લાગ્યા. દેશના કેટલાય અખબારોએ આ બાબતેસમાજવાદીઓ ઉપર ઉગ્ર ટીકાઓ પણ કરી. સરદારને ગૃહપ્રધાન પદ ઉપરથી ખસેડવાનો જેઅંદરખાને પ્રયાસ મૌલાના આઝાદે કર્યો હતો તેનો જ ભાગ હતો. સરદારે તો આ વાત મૌલાનાનેરોકડી પરખાવી હતી અને તેનો પ્રતિઉત્તર મૌલાના આપી શકે તેવી પરિસ્થિતિમાં જ નહોતા.


સરદારને તો સૌથી વધુ ખરાબ તો એ લાગ્યુ કે જ્યારે બાપુના મૃત્યુના શોકમાં ભારત આખું ડુબેલ છે ત્યારે આવું કર્મ સમાજવાદીઓએ કર્યુ. પ્રાર્થના સ્થળ ઉપર કોઈની પણ ઝડતી ન લેવાનો આદેશ સ્વંય બાપુનો જ હતો. સરદારે તો બાપુને ઘણું સમજાવ્યા પરંતુ બાપુ માન્યા નહોતા. તેમ છતાં બાપુના રક્ષણ માટે ૩૦ જેટલા પોલીસના માણસો સાદા વેશમાં પ્રાર્થનામાં બેસતા જેથી બાપુના રક્ષણ માટે જઈ શકાય. લોકસભા કોંગ્રેસના સભ્યો આગળ સરદારે તા. ૪-૨-૪૮ ના રોજ પોતાના ભાષણમાં જણાવ્યુ કે “બોમ્બનો બનાવ બનતા પહેલા બિરલા હાઉસને સંપૂર્ણ શસ્ત્રધારી દળોથી ઘેરી લેવામાં આવ્યું હતું. બોમ્બના બનાવ પછી તો દરેક ઓરડામાં એક એક સશ્સ્ત્ર પોલીસ અધિકારી રાખવામાં આવ્યો હતો. આગળ સરદારે કહ્યુ કે હું જાણતો હતો કે બાપુને આ પસંદ નહોતુ અને તે બાબતે બાપુએ અણગમો દર્શાવેલ હતો. પરંતુ આખરે તેઓ માની ગયા પણ સાફ સાફ કહ્યુ કે કોઈ પણ સંજોગોમાં પ્રાર્થનામાં ભાગ લેવા આવતા માણસોની તલાશી ન લેવાવી જોઈએ.


Tribute to Sardar Patel

Tribute to Sardar Patel - 15th December 2018

અતુલ્ય સરદાર

શુક્રવાર તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરદાર વલ્લભભાઈના દેહાંતના સમાચાર આખા દેશમાં પ્રસરી ગયા હતા. આ સમાચાર જાણી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સરદાર પટેલે ૧૯૧૬-૧૭માં ગાંધીજીના એક અનન્ય સાથી તરીકે રાષ્ટ્રની સેવામાં અને તેમની આઝાદીની લડાઈમાં શામેલ થયા., ત્યારથી વિદેશી હુકુમતોને દેશમાંથી હટાવવા માટે ગાંધીજીની સાથે રહીને તેમણે સત્યાગ્રહની એક એવી આંધી ચલાવી કે આ આંધીએ બ્રિટિશ સરકારના મુળિયા ઉખેડી નાખ્યા. સરદાર પટેલની આજે ૬૮મી પુણ્ય તિથીના દિવસે સરદાર પટેલે લીલાવતીબેન આસરને જે રીતે આશ્વાસન આપેલ તે સાચે જ દરેકે સમજવા લાયક છે. લીલાવતીબેને તા ૧૬-૫-૧૯૪૯ના રોજ સરદાર પટેલને પોતાનું દુ:ખ સરદાર સાહેબ સમક્ષ પત્ર દ્વારા રજુ કરેલ. લીલાવતીબેનને પત્રમાં જણાવેલ કે મારા ભાઈ જેઓ ઘણા લાંબા સમયથી માંદા રહેતા હતા તેઓ આખરે ગુજરી ગયા. મારી છેલ્લી એમ.બી.બી.એસની પરિક્ષાને આગલે દિવસે ગુજરી ગયા. આ અઘાતને સહન કરી પરીક્ષા આપેલ. મારી સફળતાનું જેમને કૌતુક હતુ તેવા ભાઈ સરખા મહાદેવભાઈ પણ ખોયા. મા-બાપ જેવા બા-બાપુને ખોયા. અને હવે બાકી હતુ તે ભાઈએ પુરુ કર્યુ. હવે બાકી શુ રહ્યુ છે? કોને માટે હવે કરુ? જન્મીને દુ:ખ સિવાય કદી કાંઈ જોયુ નથી. બાળપણમાં માતાપિતા ખોયા, બાળવયે વૈધવ્ય, ત્યાર બાદ પૂ. બાપુને ખોળે આવીને પડી. બધાનો પ્રેમ પામીને બધાને ખોયા. ઘર તરફ નજર વાળી તો જે ભાઈ જે મારા જ વિચારોના અને મને ચાહનાર હતા તેને ખોયા. હજી પણ પથ્થરની થઈ જીવું છું.


આ પત્ર બાદ સરદાર સાહેબે તા. ૧૯-૫-૧૯૪૯ના રોજ પત્ર લીલાવતીબેન આસરને પાઠવ્યો તે સાચે જ હિમ્મત આપનારો હતો. સરદાર લખે છે કે.


ચિ. લીલાવતી,


તારો તા. ૧૬મીનો પત્ર મળ્યો. કાગળ દુ:ખ અને વેદનાથી ભરેલો છે. એટલે તારા મનની સ્થિતિ હું સમજી શકુ છુ. બાપુની ખોટ તો સૌને થોડેઘણે અંશે લાગે જ અને તારા જેવીને તો વિશેષ લાગે! પૂ. બાપુએ આપણને શું શીખવ્યું તેનો ખ્યાલ રાખવો જોઈએ અને એમણે જ શીખ્વ્યું તે યાદ રાખીએ તો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાની સુઝ પડે. તારા ઉપર એક પછી એક મુસીબતો આવી પડી. પણ ઈશ્વર મુસીબતોથી જ કસોટી કરે છે ને સોનું જેમ તપે તેમ શુધ્ધ થતું જાય તેમ માણસના મન ઉપર જેમ દુ:ખ પડતુ જાય તેમ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે ને હિંમત હારે નહીં- તો જ બાપુનો માર્ગ પકડેલો ગણાય.


તારા ભાઈ તો ઘણા વર્ષોથી માંદા હતા અને છેવટના ભાગમાં તો અતિશય દુ:ખી થતા હતા. એટલે તે દુ:ખમાંથી છુટી ગયા. તેને માટે તારે શોક ન કરવો જોઈએ. નાનામોટા સૌને જવાનું તો છે જ અને આ જગતમાં

દુ:ખી થઈને રહેવુને પોતાનું ને પારકાનું ભલુ ન કરી શકાય તેવી સ્થિતિમા બીજાના ઉપર બોજારૂપ થઈને દુ:ખ્માં સડ્યા કરવુ તેના કરતા છુટી જવુ તે જ સારુ ગણાય. બાકી મરણ એ તો મુક્તિનું દ્વાર છે ને બાપુએ આપણને વારંવાર શીખવ્યું છે, તે ભુલવુ ન જોઈએ.


તું આ વખતે હિમ્મત હારી ગઈ તેથી મને દુ:ખ થયુ છે. હજી થોડો વખત વિચાર કરજે ને હવે છેલ્લા એક વરસ માટે ફરીથી હિમ્મત કરીને જો. તુ તારો અભ્યાસ પૂરો કરી શકે તો ઘણું સારુ ગણાય. તારી પ્રતિજ્ઞા પણ પૂરી થશે. (ઉલ્લેખનીય છે કે લીલાવતીબેનને બાપુની સેવા કરવાની ઘણી જ હોશ હતી અને આ જ કારણે તેમણે એમ.બી.બી.એસ. થવાની પ્રતિજ્ઞા લીધી હતી.), અને ભવિષ્યમાં પણ તારે જે કામ કરવાનું છે તેમાં તને સંતોષ રહે. તું આવતે વર્ષે જરૂર પાસ થઈ જઈશ ને પછી નિરાંતે તુ સેવાગ્રામમાં જઈને બાપુના સ્થાનમાં જે કામ કરવાનું છે તે પુરુ કરી શકીશ. તારી જિંદગી ત્યાં સફળ થશે.


તારી ભાભી બહુ ઉદાર દિલની છે. તેણે હિમ્મતથી તને ભણવા માટે રજા આપી તે માટે તેને ધન્યવાદ ઘટે છે. તારી મદદની તો તેને જરૂર પડવાની જ. પણ તેની બહાદુરીમાંથી તારે પણ શીખવાનું છે. હવે તુ તારુ કામ પુરૂ કરી લે ને સેવાગ્રામ જવાની ઉતાવળ ન કર.



તું જાણે છે કે મને પણ ઘણાં વર્ષથી આંતરડાનો રોગ લાગુ પડ્યો છે જે તારા ભાઈને પ્રાણઘાતક નીવડ્યો.
હું સંભાળી સંભાળીને ચલાવી રહ્યો છું અને એ ઉપર વળી હ્રદયનું દરદ પણ થયેલું છે. અહીયા આરામને માટે આવ્યો છું. થોડોઘણો આરામ અહીં મળી શકે છે. બાકી કામનો પાર નથી.


સુશીલાના કાગળો મારા પર આવે છે. તે આ વર્ષની આખર સુધી ત્યાં રહેવાનો વિચાર કરે છે.


તું. હિમ્મત હારતી નહી. અમતુસ્સલામ તેના કામમાં ઊંડી ઉતરી ગયેલી છે. ભારે બહાદુરી બતાવી રહી છે. ભઠ્ઠીમાં પડેલી છે.



તારા સમાચાર લખતી રહેજે.


લિ.
વલ્લભભાઈનાઆશિર્વાદ

સરદાર પટેલ તો મરતાને પણ જીવન જીવવાની હિમ્મત આપતા, આવા સરદાર જેઓ  કહે છે કે મરણ તો મુક્તિનું દ્વાર છે! 

સરદાર પટેલ અમર રહો.

Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue

Complaint to Sardar Patel on Sheikh Abdullah's Dictatorial Issue

૧૧ ડિસેમ્બર૧૯૪૭ના રોજ જમ્મુ કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની હિટલરશાહી પ્રવૃત્તિની ફરીયાદ કરતો પત્રમેહર ચંદે સરદાર સાહેબને લખ્યો.


પ્રિય સરદાર પટેલજી,



અહીનું શાસન હિટલરશાહી તરીકે ચાલી રહ્યુ છે જેનાથી બદનામી થઈ રહી છે. આજ કારણે હું આવા લોકોનો
સાથ જેટલો જલ્દી છોડું તે જ સારુ રહેશે, કારણકે હું કોઈ પણ રીતે આ લોકો સાથે મળીને કામ ન કરી શકું. અહીંયા કાનુન વ્યવસ્થા જેવું કાંઈજ રહ્યું નથી. હું અહીયાં થતી અસંખ્ય હિટલરશાહી પ્રવૃત્તિઓમાંથી ઉદાહરણ તરીકે આપને જણાવું છું.

  • ઉચ્ચ ન્યાયાલયને કામ કરવા નથી દેવામાં આવતું. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે ઉચ્ચ ન્યાયાલય જમ્મુમાં બનવું જોઈએ. આ આદેશને માનવામાં નથી આવતો. આશરે દોઢ મહીનાથી કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં નથી. એક ન્યાયાધીશ છે, જે અહીયા સમય પસાર કરી રહ્યા છે. શ્રીનગરમાં એક ન્યાયાલય છે અને બીજુ મુખ્ય ન્યાયાલય કલકત્તામાં છે. પ્રશાસનના અધ્યક્ષને ઉચ્ચ ન્યાયાલયના કાર્યોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી તેમ છતાં તે આ કરી રહ્યા છે.
  • જમ્મુના ગવર્નરનું સ્થાળાંતર કરવામાં આવ્યુ, પછી તેમને નિલંબિત કરવામાં આવ્યા ત્યારબાદ તેમનું કાર્યક્ષેત્ર સીમીત કરી દેવામાં આવ્યું. ખુબ મોટી સંખ્યામાં અધિકારીઓ જેલમાં છે. મે સલાહ આપી હતી કે તેમના ઉપર લાગેલ આરોપોની તપાસ થવી જોઈએ અને તે તપાસ માટે પંચ કે આયોગની નિમણુંક કરવી જોઈએ, પરંતુ તે બાબતે કોઈ પણ પગલાં ન લેવાયા. લોકો તથા ઉચ્ચ પદાધિકારીઓની ઉલટ તપાસ કર્યા વગર જેલમાં ન રાખવા જોઈએ.
  • ખુબ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જેલોમાં છે. તેમની કોઈ પુછપરછ કે તપાસ નથી કરવામાં આવી. આ કોઈ પણ એકહથ્થું સત્તાવાળા દેશ કરતા પણ વધારે દમનકારી શાસન વ્યવસ્થા છે.
  • મહામહિમે આદેશ કર્યો કે અમુક કાર્યાલયો જમ્મુમાં રહે. એક મહિનો વિતી ગયો તેમ છતાં આ બાબતે પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી.
  • શેખ અબ્દુલ્લાએ મહારાજને થોડા અધિકારીઓ બાબતે વાત કરી, જેમને મહારાજ દ્વારા પાકિસ્તાની હોવાના શક ઉપર જેલમાં રાખવામાં આવ્યા છે. પરંતુ તે અધિકારીઓને પાછા કાર્યાલયોમાં મોકલી દેવામાં આવ્યા અને એકને તો મહારાજની ઈચ્છા વિરુધ્ધ વિશેસ આદેશ મુજબ ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • અબ્દુલ્લા જાતેજ નિયમ અને કાનુન બનાવી રહ્યા છે. આ બધા કુશાસનના ઉદાહરણ છે. જે અનેક ગણુ વધી શકે છે. ઘણા ખરા લોકોને ધરપકડની ધમકીઓ આપવામાં આવી રહી છે, આવી ધમકીઓ મને પણ મળી છે. આવા પ્રકારનું શાસન કેવી રીતે ચાલશે.
સાદર નમન
મેહર ચંદ

મહાજન  


Sardar Patel, Jammu And Kashmir

Sardar Patel, Jammu And Kashmir

સરદારપટેલ ગૃહમંત્રી તથા સુચના અને પ્રસારણ મંત્રી હોવાના કારણે તથા રાજ્યો સંબંધીમામલાઓના મંત્રી હોવાના કારણે સરદાર પટેલ સ્વાભાવિક રીતે જમ્મુ અને કાશ્મીરનામામલા પણ સંભાળતા હતા. પરંતુ પાછળથી પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ જ આ મામલાઓસંભાળવા લાગ્યા. જમ્મુ કાશ્મીરની નેશનલ કોંફ્રંસના કદાવર નેતા શેખ અબ્દુલ્લા સાથે નહેરુને ભાવનાત્મક સંબંધ હતો. સરદાર પટેલે પોતે શ્રી એચ વી. કામતને કહેલું કે 
જો જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગર કાશ્મીર મુદ્દે દખલગીરી ન કરી હોત અને આ બાબતને ગૃહમંત્રાલયથી અલગ ન કરી હોત તો હું હૈદરાબાદની જેમ આ મુદ્દાને આરામથી દેશહિતમાં સુલઝાવી દેત.
Kashmir Pir Panjal mountain range, on the way to Srinagar from Jammu.
Kashmir Pir Panjal mountain range, on the way to Srinagar from Jammu.
જમ્મુ અને કાશ્મીર એક મહત્વનું રાજ્ય હોવાનું એક કારણ એ પણ હતુ કે તેની સીમાઓ કેટલાય દેશો સાથે જોડાતી હતી. અને સરદાર પટેલ જમ્મુ કાશ્મીરનો ભારતમાં વિલય કરવા માટે ખુબ ઉત્સુક હતા. પરંતુ ભારતના ગવર્નર જનરલ માઉંટબેટનના ચર્ચિલ અને ટોરી પક્ષ સાથે મિત્રતાના સંબધો હતા, તેઓ કાશ્મીર પાકિસ્તાનમાં ભળે તેના વિરુધ્ધ નહોતા. અને તેઓએ તો પાકિસ્તાનને એવુ આશ્વાસન પણ આપેલુ કે જો કાશ્મીર પાકિસ્તાનમાં ભળવા માટેની તૈયારી બતાવશે તો ભારત તેનો વિરોધ નહી કરે. સરદાર પટેલ આ આશ્વાસનના વિરુધ્ધ હતા, પરંતુ અમુક યોજનાઓના કારણે તેઓએ આ બાબતે મૌન ધારણ કરવાનું ઉચિત સમજ્યા.

To meet Pandit Jawaharlal Nehru, Prime Minister of India, Sheikh Mohd. Abdullah, Premier of Jammu & Kashmir, held a reception at the Kashmir Government Arts Emporium in New Delhi, on November 18, 1949. Sardar Patel is seen with Dr. Saif-ud-Din Kitchleu, former President of the Punjab Provincial Congress Committee, at the reception.

જમ્મુ કાશ્મીરના પ્રધાનમંત્રી પંડિત રામચંદ્ર કાકને ૩ જુલાઈ ૧૯૪૭ના રોજ એક પત્ર થકી રાજા હરીસિંહને એવો વિશ્વાસ અપાવ્યો કે તેમનું હિત ભારતમાં જમ્મુ કાશ્મીરનો વિલય કરીને થશે. આ પત્રમાં તેમણે લખ્યુ કે 
હું કાશ્મીરની કઠીણાઈઓને ખુબ સારી રીતે સમજુ છુ તેમ છતાં ઈતિહાસ અને પરંપરાથી ચાલતા રીતિ રિવાજોને દ્યાનમાં રાખીને મારા વિચારથી જમ્મુ અને કાશ્મીરનો વિલય ભારતમાં કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સાથે સાથે તેમણે જણાવ્યું કે પંડિત નહેરુ કાશ્મીરના છે. અને તેમને તે વાતનો ગર્વ છે, તેઓ ક્યારેય તમારા દુશ્મન ન હોઈ શકે.

તેમ છતાં મહારાજા હરિસિંહ રેડક્લિપ એવોર્ડના કારણે પણ અસમંજસમાં હતા જેનું મુખ્ય કારણ ગુરદાસપુર જિલ્લો હતો, જેની પુરી સીમાઓ કાશ્મીર રાજ્ય તથા ભાવી ભારતીય સંઘ સાથે મળતી હતી,અને પાકિસ્તાનમાં ભેળવી દેવાયું હતુ અને જો આનો સ્વીકાર થાય તો હિમાલયની ઉંચી પહાડીઓ સિવાય જમ્મુ કાશ્મીરની સીમાઓ ક્યાંય ન મળત. અને એક શંકા પણ હતી કે જવાહરલાલ નહેરુનો પરિવાર કેટલીય પેઢીઓ પહેલા કાશ્મીર છોડી દીધેલ તો પછી તેઓ પોતાને કાશ્મીરી માનતા હોવા છતા નેશનલ કોંફ્રંસના નેતા શેખ અબ્દુલ્લા સાથે સબંધોના કારણ પણ એક મોટી મુશ્કેલી હતી.

અખિલ ભારતીય રાજ્ય પ્રજા પરિષદના અધ્યક્ષના કારણે જવાહરલાલ નેહરુએ રાજ્યમાં એક જવાબદાર સરકારની માંગણી કરી અને શેખ અબ્દુલ્લાને બંદી બનાવવા બાબતે મહારાજા હરિસિંહ પર દોષારોપણ પણ કર્યુ. અને જવાહરલાલ નહેરુએ રાજ્ય પ્રજા પરિષદના આંદોલન માટે રાજયની મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી જેની મહારાજાએ મંજુરી ન આપી. મહારાજા હરિસિંહ સાથેના તણાવભર્યા સંબંધોના કારણે જવાહરલાલ નહેરુને મહારાજા સાથે વાતાઘાટો કરવા માટે સરદાર પટેલ ઉપર નિર્ભર રહેવુ પડતુ.

To meet Pandit Jawaharlal Nehru, Prime Minister of India, Sheikh Mohd. Abdullah, Premier of Jammu & Kashmir, held a reception at the Kashmir Government Arts Emporium in New Delhi, on November 18, 1949. Sardar Patel is seen with Bakshi Ghulam Mohd. at the reception.

સરદાર પટેલે ૨૨ ડિસેમ્બર ૧૯૪૭ના પોતાના પત્રમાં નાણાકીય મંત્રી આર. કે. ચેટ્ટીને જણાવ્યુ કે “જ્યા સુધી કાશ્મીરની મુશ્કેલીઓનો ઉકેલ ન નિકળે ત્યાં સુધી પાકિસ્તાનની કોઈ પણ પ્રકારની રકમની ચુકવણી ન કરવી. આ બાબતે જ્યારે ચુકવણી કરવાનો ઉચિત સમય આવશે ત્યારે હું તમને જાણ કરીશ.” સાથે સાથે સરદાર પટેલે ૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ બંગાળના લોકોને આશ્વાસન આપ્યુ કે એક ઈંચ કાશ્મીરની જમીન છોડીશું નહી. પાકિસ્તાનના અધિકારીઓને ત્યાં રહેવા મજબુર કરી રહ્યા છે. આ રીતે વર્તમાન પરિસ્થિતિ સંપુર્ણ રીતે કઠિન છે. આજે સવારે જ મે ઝફરઉલ્લા ખા નું એક લાંબુ ભાષણ જોયુ, જેમાં તેમણે જુનાગઢને પણ કાશ્મીર ની સાથે જોડ્યુ છે. પરંતુ કાશ્મીર અને જુનાગઢમાં કોઈ સમાનતા નથી. આ બાબતે તો અમે પણ માનીએ છીએ કે પાકિસ્તાન સાથે એકવાર યુધ્ધ થઈ જાય. આમ અવાસ્તવિક યુધ્ધ કરવાનો કોઈ મતલબ નથી કે કોઈ સચોટ પરિણામ નથી. પરંતુ જ્યારે આવા પ્રકારનું યુધ્ધ ચાલતુ હોય ત્યારે જનમત કેવી રીતે શક્ય છે? જો આપણે તલવારના જોરે જ કાશ્મીરની સુરક્ષા કરવાની હોય તો જનમતની જરૂર જ નથી રહેતી. આજ કારણે સયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપણા પ્રધાનમંત્રીએ વિનંતી કરી છે.


Photo Courtesy : Photo division of India

The song written about Sardar Patel : Hata Sardar

હતા સરદાર 


હતા સરદાર અહીંના તે હવા આજે કહી રહી છે, "બનો લોખંડી વિરલાઓ" અમર સંદેશ એનો છે.

મરદ માટી મહીથી આ, ખડા કીધા ઘણાએ, ગયા સરદાર પણ એની, ખુમારી તો રહી ગઈ છે.

તમારી યાદ તો આજે, કણેકણમાં ભરેલી છે, અરે। આ ઝાડવાં જુઓ, કરે વાતો તમારી છે.

અહીંસાની એ મુર્તિના, તો જમણી આંખ જેવા છે, કહો ચારૂ ચરોતરના,  એ એકલવીર બંકા છે.

નિઝામી રાજ્ય જેવાં તો પલકમાં તે પતાવ્યાં છે, હજારો રાજવીના રાજ પલટાઈ મુકાવ્યા છે.

વખત આવે તમે ખેડા ને બારડોલી જગાવ્યાં છે, બની સત્યાગ્રહી સાચા સુતેલાઓને જગાડ્યા છે.

જરા પાછા ફરી જુઓ, વિભુતિ સાદ પાડે છે, કરી પુકાર ધરતી આ ફરી સરદાર માગે છે.

તમે આઝાદીના રાહે, નવો આતશ જલાવ્યો છે, વળી સંજીવની છાંટી મરદનો પંથ ચીંધ્યો છે.

નમન સરદાર તમને, ધન્ય બની ધરા આ છે, કરમસદનું આ ગૌરવ છે, ને ભારતનું રત્ન પણ આ છે.

 

નોંધ : તા: ૩૧-૧૦-૧૯૫૮ના રોજ કરમસદ સરદાર વલ્લભભાઈ હાઈસ્કુલમાં સરદાર જયંતીની ઉજવણી નિમિત્તે એકત્રિત ગામની રાત્રી સભામાં ગાયેલ ગીત.

ગીત બનાવનાર પ્રો. દિનકર દેસાઈ વિશ્વ બંધુ જે સને ૧૯૫૮માં આ શાળામાં શિક્ષક હતા.,
© all rights reserved
SardarPatel.in