Tribute to Sardar Patel | Vithalbhai Patel, Sardar Patel

Tribute to Sardar Patel

Tribute to Sardar Patel - 15th December 2018
0

Tribute to Sardar Patel - 15th December 2018

અતુલ્ય સરદાર

શુક્રવાર તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરદાર વલ્લભભાઈના દેહાંતના સમાચાર આખા દેશમાં પ્રસરી ગયા હતા. આ સમાચાર જાણી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સરદાર પટેલે ૧૯૧૬-૧૭માં ગાંધીજીના એક અનન્ય સાથી તરીકે રાષ્ટ્રની સેવામાં અને તેમની આઝાદીની લડાઈમાં શામેલ થયા., ત્યારથી વિદેશી હુકુમતોને દેશમાંથી હટાવવા માટે ગાંધીજીની સાથે રહીને તેમણે સત્યાગ્રહની એક એવી આંધી ચલાવી કે આ આંધીએ બ્રિટિશ સરકારના મુળિયા ઉખેડી નાખ્યા. સરદાર પટેલની આજે ૬૮મી પુણ્ય તિથીના દિવસે સરદાર પટેલે લીલાવતીબેન આસરને જે રીતે આશ્વાસન આપેલ તે સાચે જ દરેકે સમજવા લાયક છે. લીલાવતીબેને તા ૧૬-૫-૧૯૪૯ના રોજ સરદાર પટેલને પોતાનું દુ:ખ સરદાર સાહેબ સમક્ષ પત્ર દ્વારા રજુ કરેલ. લીલાવતીબેનને પત્રમાં જણાવેલ કે મારા ભાઈ જેઓ ઘણા લાંબા સમયથી માંદા રહેતા હતા તેઓ આખરે ગુજરી ગયા. મારી છેલ્લી એમ.બી.બી.એસની પરિક્ષાને આગલે દિવસે ગુજરી ગયા. આ અઘાતને સહન કરી પરીક્ષા આપેલ. મારી સફળતાનું જેમને કૌતુક હતુ તેવા ભાઈ સરખા મહાદેવભાઈ પણ ખોયા. મા-બાપ જેવા બા-બાપુને ખોયા. અને હવે બાકી હતુ તે ભાઈએ પુરુ કર્યુ. હવે બાકી શુ રહ્યુ છે? કોને માટે હવે કરુ? જન્મીને દુ:ખ સિવાય કદી કાંઈ જોયુ નથી. બાળપણમાં માતાપિતા ખોયા, બાળવયે વૈધવ્ય, ત્યાર બાદ પૂ. બાપુને ખોળે આવીને પડી. બધાનો પ્રેમ પામીને બધાને ખોયા. ઘર તરફ નજર વાળી તો જે ભાઈ જે મારા જ વિચારોના અને મને ચાહનાર હતા તેને ખોયા. હજી પણ પથ્થરની થઈ જીવું છું.


આ પત્ર બાદ સરદાર સાહેબે તા. ૧૯-૫-૧૯૪૯ના રોજ પત્ર લીલાવતીબેન આસરને પાઠવ્યો તે સાચે જ હિમ્મત આપનારો હતો. સરદાર લખે છે કે.


ચિ. લીલાવતી,


તારો તા. ૧૬મીનો પત્ર મળ્યો. કાગળ દુ:ખ અને વેદનાથી ભરેલો છે. એટલે તારા મનની સ્થિતિ હું સમજી શકુ છુ. બાપુની ખોટ તો સૌને થોડેઘણે અંશે લાગે જ અને તારા જેવીને તો વિશેષ લાગે! પૂ. બાપુએ આપણને શું શીખવ્યું તેનો ખ્યાલ રાખવો જોઈએ અને એમણે જ શીખ્વ્યું તે યાદ રાખીએ તો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાની સુઝ પડે. તારા ઉપર એક પછી એક મુસીબતો આવી પડી. પણ ઈશ્વર મુસીબતોથી જ કસોટી કરે છે ને સોનું જેમ તપે તેમ શુધ્ધ થતું જાય તેમ માણસના મન ઉપર જેમ દુ:ખ પડતુ જાય તેમ ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કરે ને હિંમત હારે નહીં- તો જ બાપુનો માર્ગ પકડેલો ગણાય.


તારા ભાઈ તો ઘણા વર્ષોથી માંદા હતા અને છેવટના ભાગમાં તો અતિશય દુ:ખી થતા હતા. એટલે તે દુ:ખમાંથી છુટી ગયા. તેને માટે તારે શોક ન કરવો જોઈએ. નાનામોટા સૌને જવાનું તો છે જ અને આ જગતમાં

દુ:ખી થઈને રહેવુને પોતાનું ને પારકાનું ભલુ ન કરી શકાય તેવી સ્થિતિમા બીજાના ઉપર બોજારૂપ થઈને દુ:ખ્માં સડ્યા કરવુ તેના કરતા છુટી જવુ તે જ સારુ ગણાય. બાકી મરણ એ તો મુક્તિનું દ્વાર છે ને બાપુએ આપણને વારંવાર શીખવ્યું છે, તે ભુલવુ ન જોઈએ.


તું આ વખતે હિમ્મત હારી ગઈ તેથી મને દુ:ખ થયુ છે. હજી થોડો વખત વિચાર કરજે ને હવે છેલ્લા એક વરસ માટે ફરીથી હિમ્મત કરીને જો. તુ તારો અભ્યાસ પૂરો કરી શકે તો ઘણું સારુ ગણાય. તારી પ્રતિજ્ઞા પણ પૂરી થશે. (ઉલ્લેખનીય છે કે લીલાવતીબેનને બાપુની સેવા કરવાની ઘણી જ હોશ હતી અને આ જ કારણે તેમણે એમ.બી.બી.એસ. થવાની પ્રતિજ્ઞા લીધી હતી.), અને ભવિષ્યમાં પણ તારે જે કામ કરવાનું છે તેમાં તને સંતોષ રહે. તું આવતે વર્ષે જરૂર પાસ થઈ જઈશ ને પછી નિરાંતે તુ સેવાગ્રામમાં જઈને બાપુના સ્થાનમાં જે કામ કરવાનું છે તે પુરુ કરી શકીશ. તારી જિંદગી ત્યાં સફળ થશે.


તારી ભાભી બહુ ઉદાર દિલની છે. તેણે હિમ્મતથી તને ભણવા માટે રજા આપી તે માટે તેને ધન્યવાદ ઘટે છે. તારી મદદની તો તેને જરૂર પડવાની જ. પણ તેની બહાદુરીમાંથી તારે પણ શીખવાનું છે. હવે તુ તારુ કામ પુરૂ કરી લે ને સેવાગ્રામ જવાની ઉતાવળ ન કર.



તું જાણે છે કે મને પણ ઘણાં વર્ષથી આંતરડાનો રોગ લાગુ પડ્યો છે જે તારા ભાઈને પ્રાણઘાતક નીવડ્યો.
હું સંભાળી સંભાળીને ચલાવી રહ્યો છું અને એ ઉપર વળી હ્રદયનું દરદ પણ થયેલું છે. અહીયા આરામને માટે આવ્યો છું. થોડોઘણો આરામ અહીં મળી શકે છે. બાકી કામનો પાર નથી.


સુશીલાના કાગળો મારા પર આવે છે. તે આ વર્ષની આખર સુધી ત્યાં રહેવાનો વિચાર કરે છે.


તું. હિમ્મત હારતી નહી. અમતુસ્સલામ તેના કામમાં ઊંડી ઉતરી ગયેલી છે. ભારે બહાદુરી બતાવી રહી છે. ભઠ્ઠીમાં પડેલી છે.



તારા સમાચાર લખતી રહેજે.


લિ.
વલ્લભભાઈનાઆશિર્વાદ

સરદાર પટેલ તો મરતાને પણ જીવન જીવવાની હિમ્મત આપતા, આવા સરદાર જેઓ  કહે છે કે મરણ તો મુક્તિનું દ્વાર છે! 

સરદાર પટેલ અમર રહો.


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in