Nagpur Jhanda Satyagrah

નાગપુર ઝંડા સત્યાગ્રહનું સુકાન સરદાર સાહેબે સંભાળ્યુ હતું, માર્ચ ૧૯૨૩માં જબલપુર શહેરમાં જ્યારે કોંગ્રેસ કારોબારીની મીટીંગ મળેલ તે સમયે ત્યાંની મ્યુનિસિપાલિટીએ એવો ઠરાવ પસાર કર્યો કે મ્યુનિસિપલ હોલ ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવવો. પરંતુ જ્યારે આ ઠરાવની જિલ્લા મેજિસ્ટ્રેટને ખબર પડી ત્યારે તેમણે આ ઠરાવ રદ્દ કરાવ્યો અને ટાઉનહોલ આગળના મેદાનમાં સભા ન ભરાય અને મ્યુનિસિપાલિટી ઉપર રાષ્ટ્રધ્વજ ન ચડાવે તે માટે ત્યાં કલમ ૧૪૪ લાગુ કરી.

આ સામે ૧૮મી માર્ચ ૧૯૨૩ના રોજ પંડિત સુંદરલાલજીની આગેવાની હેઠળ રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. આ સમયે પંડિત સુંદરલાલજી સહિત બીજા દસ લોકોની ધરપકડ કરવામાં આવી અને રાષ્ટ્રધ્વજ ઝુંટવી લીધો. અને બીજા દિવસે બધાને છોડી મુક્યા. જ્યારે રાષ્ટ્રધ્વજ પાછો માગ્યો, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, એ તો જપ્ત કરવામાં આવ્યો છે. પંડિત સુંદરલાલજીએ આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે તેમ જણાવીને વાંધો ઉઠાવ્યો અને આની આગ સમગ્ર દેશમાં ભભુકી ઉઠશે તેમ જણાવ્યું. આના લીધે સુંદરલાલજીને ૬ માસની સજા કરવામાં આવી.

નાગપુરમાં ૧૩મી એપ્રિલ ૧૯૨૩ના રોજ રાષ્ટ્રધ્વજ સાથે મોટું સરઘસ કાઢવામાં આવ્યું. એ વખતે જાહેર કરવામાં આવ્યુ કે, આ સરઘસ “સિવિલ લાઈન્સ”માં થઈને સદર બજારમાં જશે અને ત્યાં સભા યોજાશે. આની જાણ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ સુપરિન્ટેન્ડેટને જાણ થતા તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસેના ચાર રસ્તા જ્યાંથી સિવિલ લાઈન્સ શરૂ થાય છે ત્યાં ફોજ સાથે સરઘસ રોકવા માટે હાજર થયા. અને સરઘસ રોક્યું પણ જ્યારે સ્વયંસેવકોએ આગળ વધવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો અને પોલીસ ફોજ તેમના ઉપર ટુટી પડી. ધ્વજના દંડા વડે જ સ્વયંસેવકોને ખુબજ માર્યા અને નીચે પાડી ઢસરડીને રસ્તાની બાજુમાં ગટરમાં નાખી દીધા.

આવો ગેરવર્તાવ જોઈને નાગપુર કોંગ્રેસ પ્રાંતિક સમિતિની કારોબારીએ ઠરાવ કર્યો કે, “કોઈપણ સરિયામ રસ્તા ઉપરથી શાંતિપૂર્વક રાષ્ટ્રધ્વજ લઈને જવાનો પ્રજાને અધિકાર છે અને સરકાર તેમાં અંતરાય નાખે છે. માટે ૧લી મે ૧૯૨૩થી આના માટે લડત આપવી. જબલપુર અને નાગપુર બે સ્થળને બદલે નાગપુર ઉપર જ શક્તિ કેંદ્રિત કરવી.” આ લડતની આગેવાની જમનાલાલ બજાજે લીધી. તેમની સૂચના મુજબ પ્રતિજ્ઞાવાળૅઅ દસ દસ સૈનિકોને રોજ લડતને મોરચે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. મુદ્દો બહુ સાફ હતો. રાષ્ટ્રધ્વજ લઈને શાંતિપૂર્વક, બીજા લોકોને હેરાનગતી ન થાય તે રીતે દરેકે રસ્તા ઉપરથી વ્યવસ્થિત સરઘસના રૂપમાં જવાનો નાગરિકોનો મૂળભૂત હક દરેક સુધરેલ ગણાતા દેશોમાં સ્વીકારાયેલ છે. આપણા દેશમાં પણ આવા સરઘસો બીજા બધાં શહેરોમાં વગર રોકટોક ફરતાં, ખુદ નાગપુરમાં પણ રાષ્ટ્રધ્વજ લઈને સરઘસ બીજે બધે ફરે તેની સરકારની કોઈ હેરાનગતી નહોતી. પરંતુ સિવિલ લાઈન્સમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાનો હક્ક સ્થાપિત કરવાની લડતનો જે ઠરાવ કોંગ્રેસ કમિટીએ કરેલ તે નાગપુરના ગોરા સિવિલયનોથી સહન થયુ નહી.

આ ગોરાઓમાં નાગપુરનો કમિશ્નર બહુ તુમાખીવાળો હતો. અને તે સિવિલ લાઈન્સમાં જ રહેતો તથા ગોરાઓનો તે આગેવાન હતો. તેણે તો લોકોને ત્યાં સુધી કહેલ કે જો મારા બંગલા આગળ સરઘસ આવશે તો હું ગોળીઓ ચલાવીશ. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે સરઘસબંધી અને સભાબંધીનો હુકમ તા. ૧લી મે ૧૯૨૩ના રોજ બહાર પડેલ હતો અને ત્યાર પછીતો જાણે ધરપકડોનો દોર શરુ થઈ ગયો. જમનાલાલ બજાજને સાથે સાથે બીજા કાર્યકરોને પણ પકડવામાં આવ્યા. ગુજરાત તથા અલગ અલગ પ્રાંતોમાંથી સ્વયંસેવકોની ટુકડીઓ નાગપુર આવવા માંડી. પરંતુ બધાને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

ગાંધીજીતો જેલમાંજ હતા. એટલે કોંગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈ પટેલને આ લડતનું સંચાલન સોંપ્યું. સરદાર પટેલ ૨૨મી જુલાઈ ૧૯૨૩ના રોજ નાગપુર પહોચ્યા. અને લોકોને એમ જ લાગતું કે સરદાર સાહેબને પણ સરકાર બીજાની જેમ પકડી લેશે પણ એવુ બન્યું નહી. સરકારે ભારે દમનનીતી વાપરી હતી જેથી કોઈ સત્યાગ્રહી તથા સ્થાનિક કાર્યકરોને જેલ ભેગા કરેલા એટલે સરદાર સાહેબને એક્લા હાથે કામ કરવું પડેલ. આથી સરદારે પોતાની રીતે પરિસ્થિતિ તપાસી લીધી અને કામ વ્યવસ્થિત ગોઠવી લીધેલ. આ સંદર્ભે તેમણે એક કાગળમાં લખ્યું હતું: “અહી આવીને દરેક પ્રાંત માટે સ્વયંસેવકો મોકલવાની સંખ્યા અને તારીખો ગોઠવી અને તે મુજબ દરેક પ્રાંતોને ખબર આપી દીધી છે. અને યોજના મુજબ સ્વયંસેવકો આવતા રહેશે, તો રોજ ઓછામાં ઓછા ૫૦ સૈનિકો સ્ટેશન પર પકડાશે.....”

સરકારે જેલમાં ભારે ત્રાસ કરેલ જેલમાં કેદીઓના વર્ગ બનાવી દીધેલ જેથી પહેલા વર્ગના કેદીઓને રોજ સવા મણ અનજ દળવાનું, બીજા વર્ગવાળાને પોણો મણ અનાજ દળવાનું અને ત્રીજા વર્ગવાળાને શણ કૂટવાનું. બીજું મુખ્ય કામ પથરા તોડવાનું. તેના પણ વર્ગ પ્રમાણે જુદાં જુદાં માપ નક્કી થયા. ખાવામાં એક વાર જુવારના રોટલા અને દાળ, તથા એક વાર જુવારના રોટલા અને ભાજી. દાળમાં દાળ શોધવી પડે અને દાળને બદલે ઈયળો મળે અને ભાજી તો ઘરડાં થઈ ગયેલાં કોઈ પણ પાંદડા, રોટલા કાચા અને કાંકરીઓનો પાર નહી.

મોટી તકલીફ તો પાયખાનાની (જાજરૂ જવાની) હતી. લાઈનબંધ બનાવેલ અને બારણાં એકેયમાં નહી. અને એમાં પણ નિયમ એવો કે ૫ મિનિટમાં પતાવી નાખવાનું, ૩ મિનિટ થાય એટલે વોર્ડન બુમો પાડે. આ તો ત્યાંના નિયમો પણ પજવણી તો સૌથી વધારે કેદીઓને હતી. માફી મંગાવવા વોર્ડર નિષ્ઠુર અત્યાચારો કરતા. અત્યાચારો કરવા માટે દરેક યુક્તિઓ વાપરતા. આ લડત કુલ ૧૧૦ દિવસ ચાલી અને ૧૭૫૦ જેટલા સત્યાગ્રહીઓની સંખ્યા થયેલી તેમાંથી લગભગ આશરે ૨૦૦ જેટલા કેદીઓ પાસે તો અત્યાચારથી માફી પણ મંગાવેલ.

નાગપુરમાં એક દિવસ છુટીને આવેલા કેટલાક કેદીઓની માનમાં સભા યોજાઈ જેમાં સરદાર સાહેબ પણ હાજર હતાં. સભા દરમ્યાન કેદીઓએ પોતાના જેલવાસના અનુભવોની રોષપુર્વક તીખા ભાષણો કર્યા. આ લડત વિનયપુર્વક ચાલે એ સંભાળવાનું કામ સરદાર સાહેબનું હતું. અને આ લડતના સિધ્ધાંતો સમજાવવાની તક સરદારે ઝડપી લીધી. “આજે જેલમાંથી સજા ભોગવી આવેલા ભાઈઓએ આપણને કેટલીક વાતો કહી. એમના દિલમાં રોષ ભરાયેલ છે. જેલમાં આપવામાં આવેલ કષ્ટો તેમણે સભ્યતા છોડીને આપણી આગળ કહ્યાં. અમાનુષી વર્તનનું વર્ણન આવેશમાં આવીને કર્યુ.

પણ આપણે આવું બોલીએ, તો સરકારી નોકરોને મુકાબલે આપણે કેટલા સારા? એ તો નોકરીમાં છે, આપણે સ્વતંત્ર છીએ. એ લોકોનો વિચાર કરવાને બદલે આપણે શું કર્યુ. તેનો વિચાર કરવો રહ્યો. આપણે તેમને ગાળો દઈએ, તેમના દોષ જોઈએ, તે પહેલાં આપણે આપણો પોતાનો વિચાર પણ કરવો જોઈએ. આપણે લાયકાત મેળવી કર્તવ્યપરાયણ થવું એ આપણો ધર્મ છે. જેલમાંથી છુટી આવેલા ભાઈઓને મારી સલાહ છે કે, તેમણે પ્રજાને પ્રેમ અને ધર્મના પાઠ સમજાવવા એ તમારૂ પરમ કર્તવ્ય છે. પરમાત્મા તમને આવા સત્ય અને ધર્મના યુધ્ધો લડવાનું બળ આપો.”

આખરે સરકારે નમતું જોખ્યું અને ૧૮મી ઓગસ્ટ ૧૯૨૩ના રોજ આ લડતનો અંત આવ્યો. રાતે જાહેર સભામાં સરદારશ્રીએ કહ્યું : “રાષ્ટ્રીય ધ્વજની પ્રતિષ્ઠા આખરે કબૂલ કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ ઉપરથી શાંતિપુર્વક અને વ્યવસ્થિત રીતે રાષ્ટ્ર ધ્વજ સાથે સરઘસ લઈ જવાનો આપણો હક્ક આપણને પાછો પ્રાપ્ત થયો છે. આને હુ સત્ય, અહિંસા તથા તપનો વિજય માનું છુ. એટલે ઈશ્વરક્રુપાથી હવે હું જાહેર કરી શકુ છુ કે નાગપુર સત્યાગ્રહનો આજના પુણ્ય દિવસે, મહાત્મા ગાંધીજીના ઉપદેશના અનુસાર વિજયી અંત થાય છે. અને આજના સંધ્યાકાળથી આપણો ધ્વજ-સત્યાગ્રહ રીતસર બંધ થયેલો હું જાહેર કરૂ છું. અને જે વીર ભાઈઓ બહેનોએ દેશની ખાતર, રાષ્ટ્રધ્વજ ખાતર અને રાષ્ટ્રની ખાતર દુ:ખો વેઠ્યાં અને આજે પણ જેલમાં દુ:ખ વેઠી રહ્યાં છે તે દરેકને અંતરના ઉંડાણથી ધન્યવાદ.

વિજય જાહેર થયા બાદ નાગપુર સહિત જુદી જુદી જેલોમાં આશરે ૨૦૦૦ જેટલા કેદીઓ હતાં તેમના છુટવાની રાહ આખો દેશ જોવા લાગ્યો પરંતુ સરકારી તંત્રે તેમા વિલંબ કરવા માંડ્યો, અને અંદર અંદર અકળામણ વધતી જતી હતી. છેવટે સરદારે મધ્ય પ્રાંતની સરકારને નોટિસ આપી કે, હવે ચોવીસ કલાકમાં કેદીઓ નહીં છુટે તો સરકાર સામે વિશ્વાસઘાતનો આરોપ મૂકીને તેમની સાથે થયેલો તમામ પત્રવ્યવહાર પોતે પ્રસિધ્ધ કરશે અને સત્યાગ્રહનું આંદોલન ફરી શરૂ કરવામાં આવશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે. સરદારનું આ અલ્ટિમેટમ સાંભળીને પ્રાંતના ગવર્નર અને ગ્રુહમંત્રીએ સેક્રેટરી ઓફ સ્ટેટને તાર કરીને જણાવ્યું કે જો કેદીઓને તાબડ્તોબ નહી છોડવામાં આવે તો બન્નેને રાજીનામું આપવાની ફરજ પડશે.

સરદાર સાહેબની નોટીસને પુરા થવાના ચોવીસ કલાકતો સવારે પુરા થતા હતા તે પહેલાં રાતે બે વાગ્યે સરદારને ખબર આપવામાં આવી કે સરકારે કેદીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે. અને પેલો તુમાખી ગોરો કમિશ્નર લાંબી રજા ઉપર ચાલ્યો ગયો અને કદી પાછો જ ન આવ્યો.

૩જી સપ્ટેમ્બર ૧૯૨૩ના રોજ જન્માષ્ટમીના દિવસે તમામ સત્યાગ્રહી કેદીઓને છોડી મુક્યા અને તેઓ બધા રાષ્ટ્ર ધ્વજ સાથે સિવિલ લાઈન્સના બધા વિસ્તારમાં સરઘસમાં ફર્યા. સાંજે નાગપુરમાં મોટી જાહેરસભામાં સરદારે જે પ્રવચન કર્યુ તે સાચે સમજવા જેવુ છે. તેમણે કહ્યુ :

હું તમને સાચેસાચુ કહું છુ કે આપણી જીત થઈ છે તેનું માન મને બિલકુલ નથી. બધું માન જેલમાં કષ્ટો અને યાતનાઓ સહન કરીને આવ્યા છો તેમને અને જેઓ આ લડતને અર્થે સહન કરવાને તૈયાર હતા તેમને છે. તેમ જ આખી લડત દરમિયાન અથાક શ્રમ લેનાર અને અદ્વુત વ્યવસ્થા બતાવનાર નાગપુરની કોંગ્રેસ સમિતિને છે. નિર્મળતા અને નિર્ભયતાના સાધનોથી સજ્જ આ ધર્મયુધ્ધનું પ્રજા ભવિષ્યમાં ગૌરવ સાથે સ્મરણ કરશે. અને આ ધર્મયુધ્ધ સત્ય, અહિંસા અને આપભોગના શસ્ત્રોની શ્રેષ્ઠતા વિશે પ્રજામાં વધારે શ્રધ્ધાનો સંચાર થશે.થશે. મહાત્માજીની સાથે ખેડા સત્યાગ્રહમાં કામ કરીને જે તાલીમ લીધી હતી એને કેવી અમલમાં મુકી હતી એના દર્શન થયા વિના રહે જ નહી.

0 Comments

close