Hinda na Sardar - ખરી પડેલો ચમકતો તારો - હિંદના લાડીલા "સરદાર"


"બે ટીપાં ગંગાજળ નાખવાથી ગટર પવિત્ર નહી બને...

પ્રજાની ઉન્નતીનો આધાર તેની હિંંમત, તેના ચારિત્ર, અને

તેની ભોગ આપવાની શક્તિ ઉપર રહેલ છે." - સરદાર પટેલ

"મારી ઈંતેજારી તો જ્યા મહાત્મા ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવ દેસાઈ ગયા છે ત્યાં જવાની છે. છતાં થોડાંક વર્ષ આ દુનિયામાં હજુ રહેવા ઈચ્છું છું. તેઓની ઈચ્છાથી જ તેઓનું કાર્ય પુરૂ કરવા હું અહી રહ્યો છું." - સરદાર પટેલ - ઓક્ટોબર ૩૧ મી ના ૭૫મી વર્ષગાંઠ્ની આગલી સાંજે સાબરમતી આશ્રમમાં આ ઉદ્ગગારો કાઢ્યા હતા. 

અને આજે તેઓએ સૌને અખંડ ભારતની ભેટ આપીને શુક્રવાર તા. ૧૫-૧૨-૧૯૫૦ના રોજ સવારે ૯ કલાક અને ૩૭ મિનીટે સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ મુંબઈમાં દેહ છોડી ચાલ્યા ગયા. અને પોતાની ઈચ્છા પુર્ણ કરી. અવસાનના આશરે દોઢ મહિના પહેલાં જ તેઓ ગુજરાત આવ્યા હતા. તે વખતે તેમની ૭૬મી વર્ષગાંઠ ઉજવાયેલ તે સમયે સરદાર સાહેબની તબિયત ઢીલી હોવા છતાં સરદાર સાહેબ દરેકને મળવાનો પ્રયત્ન કરતા હતા. અને આખું ગુજરાત જાણે એક મહોત્સવ ઉજવી રહ્યુંં હોય તેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતને તેમના દર્શન થયા અને જતા પહેલાં તેઓ પોતે પણ આંખ ભરીને તેઓ પોતાની કર્મભુમી અને ત્યાંંના તેમના જુના સાથીઓને જોઈ શક્યા.

ગુજરાતની ફુલપાંખડી સ્વીકારીને તેઓ અમદાવાદ થી દિલ્હી ગયા ત્યારે તેમને મનમાં એમ હતું ખરૂ કે હજી ગુજરાતના બીજા ભાગોમાં જવાનું બાકી છે તે ફરી જાન્યુઆરીમાં કરીશ. એમ બે હપ્તે ગુજરાતનાં સૌ ભાઈ બહેનો અને કાર્યકર્તાઓને મળવાનો ખ્યાલ હતો. પરંતુ દિલ્હી ગયા પછી તેમની તબિયત વધુ બગડી અને તેમને મુંબઈ લાવ્યા. અહી આવીને ૨-૩ દિવસ તો સારૂ લાગ્યું એટલે સૌને થયું કે, મુંબઈની હવા તેમની તબિયતમાં સુધારો લાવશે. પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે ઓલવાતા દીવાનો એ છેલ્લો ચમકારો હતો. ગુરૂવાર રાત પછી તેમની તબિયત કથળી અને શુક્રવારે સવારે તેમણે દેહત્યાગ કર્યો.

દેશ માટે આઘાત જનક સમાચાર અને કોઈને પણ આંચકો લાગે તેવા સમાચાર હતા. ૧૯૪૭થી દેશનું જે ઘડતર થઈ રહ્યુ હતું તેમાં સરદાર એક આધાર સ્તંભ હતા. અને ગુજરાતે તો પોતાનુ શિરછત્ર ગુમાવ્યું. ૧૯૧૫થી શરૂ થયેલા યુગનો અંત આવ્યો.

સ્વરાજ લાવવા માટે શુ કરવું? લડવું કેવી રીતે? પ્રજાને તે વિષે તાલીમ શી રીતે આપવી? આ સવાલ ફક્ત સરદાર સાહેબનો જ નહોતો પરંતુ ૧૯૧૫ પછી તો કોંગ્રેસ અને આખા દેશનો હતો. અને એટલે જ ગાંધીજી અને તેમની સાથે સરદાર એકદમ અખિલ હિંદની ભુમિકામાં પહોચી ગયા. સરદારે ગુજરાતનું કામ સંભાળી લઈ ગાંધીજીને દેશના વ્યાપક ક્ષેત્રને માટે નવરાશ કરી આપી. ગાંધીજીના ગુજરાતના બધાં જ કામો સંભાળવા એ સરદારનું સહજ કાર્ય બની ગયું. અને કેમ ન બને આખરે ગુજરાતનો દીકરો ગુજરાતનો આપ્તજન બને તે સ્વાભાવિક છે. તેમણે ગુજરાતની પ્રાંતિક સમીતીઓ દ્વારા નાના મોટા બધા સેવાકાર્યો આ સંસ્થાની પાંખ તળે રહી હુંફ મેળવતા થયા. અને ગુજરાતમાં એક સર્વ સમન્વિત ઢબે રચાનાત્મક કાર્યક્રમ કરવા માટે તંત્ર ઊભું થઈ શક્યું. વલ્લભભાઈની આ સંગઠન શક્તિ અને કુટુંબભાવ દ્વારા જ ગુજરાત પોતાના સેવાકાર્યો દ્વારા પ્રજાની તાકાત તથા પોતાનું હીર પ્રગત કરી શકાય એ ખાતરી આપી શક્યુ.

આ બધામાંં એક મોટી શરત હતી કે તેને જે ન સમજે તે સરદારને પણ ન સમજી શકે અને એ શરત હતી સ્વારાજની. સ્વરાજ મેળવવા માટે આત્મશુધ્ધિ કરીને પ્રજાને સ્વાવલંબીને બળવાન કરવાની હતી. જે કાર્ય કે તેને કરનાર વ્યક્તિ કે સંસ્થા ગાંધીજીના મૂળમંત્રને ન સમજે તેને સરદારની નજરમાં સ્થાન ન મળી શકે. સરકાર પોતાની ન હોવા છતાં પ્રજા પોતાના આપબળે કામ કરી શકે છે તે સરદારે સાબિત કરી બતાવ્યું. પ્રત્યક્ષ જે કાંઈ જરૂર હોય તેને મોજુદા સાધનો વડે પહોચી વળીને પણ પ્રજાની તાકાત વધારવી, જેથી સૌ સારા વાના થશે, તે તેમની બાળપણની સાદી સમજ છે. અને સામાન્ય ગુજરાતીની પણ વહેવાર માટે એજ સમજ હોય છે. તેથી જ સરદારને ગુજરાતના બધા વર્ગો પોતાના કહી શકતા હતા. અને આ સમજને તેમણે ગાંધીજીના આદર્શ ખાતે અર્પણ કરી.

મગનભાઈ દેસાઈએ તો તા. ૨૧-૧૨-૫૦ "હરીજન બંધુ"માં તો ત્યાંં સુધી કહ્યુ છે કે "એમના જેવા પુરૂષોની જ્યારે ખુબ જરૂર છે ત્યારે તે ગયા. પણ ટીળક મહારાજ પેઠે એમને ખાતરી હતી કે, હિંદમાતાની કુખેથી જોઈતા નરવીરો મળ્યા જ કરશે. એવા આપણે સૌ બનવા મથીને આ વીર દેશભક્તનું તર્પણ કરી શકીએ. તેઓતો અત્યારે એમના મહાદેવ અને બા બાપુની પાસે, જેમ જેલમાં જોડે હતા તેમ, અનંતતાની કેદમાં પહોચી ગયા હશે. અને ત્યાં રહ્યા એમેય કદાચ પુછતા હોય, કેદમાં તમે દુનિયા પર રહેલા છો કે અમે? એમનો જીવનપાઠ યાદ કરીએ તો સરદાર સદાય આપણી પાસે જ છે. એ પાઠ આપીને સરદાર અમર થયા છે.

સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે. જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછીથી જ ખરો અમલ ચલાવે છે. - સરદાર પટેલ

જુલ્મી રાજનીતીના અમલદારોની દેખરેખ નીચે જે શિક્ષણ અપાય છે તે લેવું તમારે બંધ કરવું જોઈએ. એમાંજ તમારૂ સ્વમાન જળવાયેલું રહેશે. એવા શિક્ષણથી તમારૂ કશું ભલું નથી થવાનું. તમારે સાહસિક થવાનું છે. બધાંં કરતા દેશના શ્રેયનો આધાર તમાર જ સાહસ પર રહેલો છે. દેશને સ્વતંત્ર બનાવવા તમે જ મદદ કરી શકશો. - સરદાર પટેલ

0 Comments

close