ગોપાળદાસભાઈ વિષે સરદાર સાહેબે કરેલ ભાષણ

Darbar Gopaldas - ગોપાળદાસભાઈ

શ્રી દરબાર સાહેબનો તાલુકો સરકારે જપ્ત કર્યો તે પ્રસંગે તા. ૩૦/૦૭/૧૯૨૨ના નવજીવનમાં લખેલ લેખ

ચરોતરના પાટીદારો પોતાના પ્રાણ કરતા વતનને વહાલું ગણે છે. "વતન જાય ત્યારે જાતનું શુ જતન?"એ આ કોમમાં સામાન્ય કહેવત છે. ટુકડા જમીન માટે કેટલાય પાટીદારોએ પોતાના પ્રાણ આપ્યા છે, ફાંસીને લાકડે લટ્ક્યા છે. સરકારની કોરટ કચેરીઓનો મુખ્ય ખોરાક વતનના કજિયા જ છે. આમ વતન પાછળ ખુવાર થવા જનાર પાટીદાર કોમના શિરોમણિભાઈ ગોપાળદાસે આજે પોતાના ત્રીસ હજાર ઉપરાંતની વાર્ષિક આવકના ગરાસને ધર્મને ખાતર ઠોકર મારી છે. 

ગોપાળદાસભાઈ કાઠિયાવાડમાં આવેલા ઢસા ગામના દરબાર અને રાઈ સાંકળીના તાલુકદાર છે. રાજકુમાર કોલેજમાં તેમને શિક્ષણ લેવાનું ભાગ્ય પ્રાપ્ત થયેલું. પોલિટિકલ એજંટની મુલાકાત, ગવર્નર સાહેબનો દરબાર અને એવા બીજા પ્રસંગોએ કેવો પોષાક પહેરવો, કેમ બોલવું ચાલવું, એ ઉપરાંત શિકાર ખેલવાનું, પરદેશીઓની ખાવાપીવાની રૂઢિનું અનુકરણ કરવાનું, ખુશામત કરવાનું વગેરે ચાલુ જમાનાના દરબારને શોભે એવુ શિક્ષણ લેવાની તેમને અનેક તકો મળેલી. પરંતુ પુર્વજ્ન્મ ના સંસ્કારના સુયોગને પ્રતાપે આ શિક્ષણનો પાશ તેમને લેશ માત્ર પણ લાગ્યો નહી. 

મુંબઈના ગવર્નર સાહેબે કાઠિયાવાડની છેલ્લી મુલાકાત લીધી તે વખતે ગોપાળદાસભાઈ સ્વરાજ્યની લડતમાં ખેડા જિલ્લામાં પુજ્ય અબ્બાસ સાહેબની સરદારી નીચે એક સૈનિક તરીકે જોડાયા હતા. ત્યા ગવર્નર સાહેબની પધરામણી વખતે તેમનો સત્કાર કરવા કાઠિયાવાડ આવવાનો કાઠિયાવાડના પોલિટિકલ એજંટનો હુકમ તેમને મળ્યો. તેમણે પોતાના સેનાપતિનો હુકમ માન્ય રાખી એજંટ સાહેબના હુકમનો માનપુર્વક અનાદર કર્યો. આથી તેમની દીવાની તેમજ ફોજદારી સત્તા છીનવી લેવામાં આવી અને મુંબઈ સરકારે તેમના વિરૂધ્ધનો છેવટનો હુકમ કરતા પહેલા તેમને અસહકારની ચળવળમાંથી છુટા થવાની અને ગવર્નર સાહેબની પધરામણી વખતે ગેરહાજર રહેવાથી તેમનું જે અપમાન થયુ હતું તે બદલ ગવર્નર સાહેબની માફી માંગવાની તક આપી. ગોપાળદાસભાઈએ અત્યંત સભ્યતાથી પણ હિંમતથી માફી માગવાની ના પડી અને અસહકારની લડતમાં પોતાનાથી બને તેટલો હિસ્સો આપવાની દરેક હિંદીની ધાર્મિક ફરજ છે, એમ જણાવ્યું. આના પરિણામે ઢસા અને રાઈસાંકળીમાં તા. ૧૭-૦૭-૨૨ના રોજ સરકારની જપ્તી શરૂ થઈ. અને બીજી બાજુ તે જ વખતે તે જ ચોગાનમાં ગામની કન્યાઓ રાસડા ગાવા લાગી. થાણેદારે ગામમાં ઠેક ઠેકાણે જાહેરખબર ચોડી જપ્તી વહીવટ શરૂ થવાની જાહેરાત આપી અને દરેકને કહેવા લાગ્યો કે હવેથી હુ તમારો દરબાર છું.

ગોપાળદાસભાઈની રૈયત તેમને દેવની પેઠે પુજે છે. તેમણે પોતાની રૈયતને પ્રેમથી જીતી લીધેલી છે. થાણદારના વર્તનથી રૈયત ઉશ્કેરાઈ. સુભાગ્યે દરબાર ત્યાં જ હાજર હતા. તેમણે લોકોને શાંત કર્યા. તે ગામની શાળાઓ એજંસીના વહીવટમાં હોવાથી તમામ શાળાઓનો બાળકોએ ત્યાગ કર્યો છે. ખાનગી શાળાઓ ખોલવાનો પ્રબંધ થાય છે. જપ્તી બેઠા પછી ત્યાના લોકોએ અસ્પ્રુશ્યતાનો ત્યાગ કરવાનો અને શુદ્ધ સ્વદેશી વ્રત પાળવાનો નિશ્ચય કર્યો છે.

સરકારે તાલુકો જપ્ત કર્યો, પણ ગોપાળદાસભાઈએ રૈયતના દિલ જપ્ત કરેલાં છે તેના ઉપર સરકારની જપ્તી બેસી શકે તેમ નથી. પણ આ પ્રકરણ આટલેથી જ પુરૂ થવાનું નથી. આ પ્રેમાળ પ્રજા ઉપર જપ્તી વહીવટમાં દુ:ખના ઝાડ ઊગવાનો સંભવ છે. અને હવે જ તેમના પ્રેમની કસોટી થવાનો વખત આવવાનો છે. 

ગોપાળદાસભાઈ રાજપાટ છોડી ગુજરાતનાં ગામડાંમાં સુકો રોટલો ખાઈ પગપાળે ફરી પ્રજાની સેવા કરે છે. આ કળિકાળમાં ઘણા એવા મળશે કે જે એમજ કહેવાના કે એમણે મુર્ખાઈ કરી. ધર્મને બાજુ પર રાખી અનેક પ્રકારની અનીતિથી દ્રવ્ય સંપાદન કરવાના જમાનામાં, હકથી મળેલી મિલ્કત ધર્મને ખાતર ખોઈ બેસનારને મુર્ખ કહેનાર મળે એમા શી નવાઈ? પરંતુ હવે દેહરખો અને દ્રવ્યરખો ધર્મ પાળવાનો યુગ પુરો થવા આવ્યો છે. મને ખાતરી છે કે ભાઈ ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. હજારો યુવકોના જીવ પર તેમના ત્યાગની છાપ પડશે. આ ધર્મયુદ્ધમાં એમના જેવા સાથી મળવાનું ભાગ્ય પ્રાપ્ત થવાથી હુ મગરુર થાઉ છુ.

0 Comments

close