ચારૂતર ગ્રામોદ્ધાર મંડળ
તારીખ : ૦૪-૦૪-૧૯૪૭ના રોજ ચારૂતર ગ્રામોદ્ધાર મંડળ તરફથી સ્થાપાયેલ વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયની ઉદઘાટનવિધિ વખતે આપેલ ભાષણના અંશો.
આઝાદી મળવાના અણસારના દેશની જનતાને આવી ગયેલ અને એક અજબ પ્રકારની ખુશીનો માહોલ જામેલ હતો અને ભારત જાણે અજીબ દૈવિક શક્તિ નો એહસાસ કરી રહી હતી. તે દરમ્યાન કરમસદ પાસે આવેલ નવરચિત વલ્લભ વિદ્યાનગરની વિઠ્ઠલ મહાવિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે સરદાર પટેલે જે ભાષણ કરેલ તે સમજીએ તો સરદાર સાહેબની ઉદારતા અને સાદગીના દર્શન તેઓના ભાષણમા છલકાઈ આવે છે. સામાન્ય સેવકના મહાન કાર્યોને કેવી રીતે બિરદાવવા તે આપણે સરદાર સાહેબ જેવી મહાન વિભુતિ દ્વારા સાચે જ શિખવું જોઈએ. તેઓ પોતાના દેશની ખબર તો રાખતા જ હતા સાથે સાથે દુનિયામાં શુ ઘટનાઓ થાય છે તેનો પણ ખ્યાલ રાખીને દેશના લોકોને સવચેતી રાખવી અને સાથે સાથે દુનિયામાં પગ પેસારો કરવા માટે શીખવાડતા આવા હતા આપણા સરદાર.
આ જે પ્રયોગ અહી થઈ રહ્યો છે તે નજરે જોવા ઘણા વખતથી હુ પ્રયત્ના કરી રહ્યો હતો. બે-ત્રણ વખત વિચાર કર્યો, પણ એક યા બીજા કારણે નિશ્ચય પૂરો ન કરી શક્યો. થોડા વખત પર અમદાવાદ આવ્યો ત્યારે માંદો પડ્યો અને પાછું જવુ પડ્યું. મુખ્યત્વે શ્રી ભાઈલાલભાઈના કામ માટે આવ્યો છું. પરમ દિવસે ડો. મગનભાઈનું ખેતીવાડી કોલેજનું કામ છે. રાસમાં એક ખેડુત આશાભાઈનું કામ જોવા જવાનું છે.
તમે જાણો છો કે ભાઈલાલભાઈ એક કુશળ અને બાહોશ એંજિનિયર છે. સારી જિંદગી સિંધમાં નોકરી કરી. અમદાવાદની મ્યુનિસિપાલિટીએ મારી પાસે એંજિનિયરની માગણી કરી. આપબળ સિવાય કંઈ કામ નથી આવતુ, ભલે આપણી સરકાર હોય. હું આપબળમાં માનનાર છું, એ પણ આપબળમાં માનનાર છે. મે એમને કહ્યુ કે ઘણાં વર્ષ બહાર નોકરી કરી હવે થોડી પ્રાંતની સેવા કરો અને એ અમદાવાદ આવ્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટી ઉપર એમણે કેવી છાપ પાડી એ સૌ જાણે છે.
૧૯૪૨ની લડત આવી અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના મોટા મોટા ઓફિસરો ભાગ્યા; ઘણા જેલમાં ગયા, રાજીનામાં આપ્યા, એમણે પણ આપ્યુ, હુ જેલમાથે અવ્યો અને એમણે મને પોતાની કલ્પના સમજાવી. હુ કહેતો કે શહેરમાં ઘણા એંજિનિયર મળશે, ગામડામાં જનાર જોઈએ. ડો. મગનભાઈને પણ ખેતીવાડી કોલેજમાં જિંદગી ગાળવા લાવ્યો છું. મારી ઈચ્છા તો એ છે કે આપણા જિલ્લામાં તમે કાંઈ પણ કામ કરીને નમૂનો મુકો. વોશિંગ્ટને અમેરીકામાં જે કર્યુ એવુ આ ભાઈલાલભાઈનું સ્વપ્ન છે.
પહેલા તો મે કહ્યુ કે ગાંધીજીને સમજાવો. એમણે ગાંધીજીને કંઈક થક્વ્યા પણ ખરા. પણ ગાંધીજીને વખત નહોતો એટલે કુમારપ્પાને મળવા કહ્યુ. એમણે કુમારપ્પાને સીસામાં ઉતાર્યા છે.
તમે આઠસો નવસો એકર જમીન આપે એ માટે તમને મુબારકબાદી આપું છુ. મને યાદ છે કે નાનપણમાં આ માર્ગે જતા લુટારાથી સાવધ રહેવા આમ તેમ જોવુ પડતુ. હવે આ મર્ગે કોઈ આડે ન આવે શકે એવુ એમણે કર્યુ છે.
તમે દાન પણ કર્યુ, વેપાર પણ કર્યો અને ફાયદો પણ કર્યો. પણ ભાઈલાલભાઈએ ધુળમાંથી કંચન કર્યુ છે. જંગલમાં મંગળ કર્યુ છે. ચૌદ મહિનાથી ભાઈલાલભાઈ અહી આવીને બેઠા છે. ઝાડ નીચે ખાટલામાં પડાવ નાખ્યો છે. તેર મહિનામાં જે કર્યુ છે તે ઉપરથી ત્રણ વર્ષ પછી કેટલું થશે એની, કલ્પના કરવાની છે. નવી ઢબનું આદર્શ ગામડું કેવુ હોય અને નવેસરથી ગામડુ કેવી રીતે વસાવવુ એ કલ્પના છે.
ખેડુતો આજે ગામડામાં મકાનો બાંધે છે. એમાં એકનો ખૂણો આમ હોય, બીજાનો આમ હોય. રસ્તાઓની પણ કશી સરખી રચના નથી હોતી. આપણે આપણી રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ, સ્વચ્છ હવા બગાડવી ન જોઈએ, ગામમાં ધૂળ ન હોય, ધુમાડો ન હોય, ગંદકી ન હોય. ઢોરની સાથે આપણે ઢોર નહી થવુ જોઈએ. નહી તો ઠોકરો ખાતા આવ્યા છો. તેમ ખાયા કરશો. શિવજીનો જેવો પોઠિયો હોય છે તેવા આપણા ગાય-ઢોર જોઈને આંખ ઠરે, દિલ ખુશ થાય એમ રાખવા જોઈએ. આંગણામાં છાણ પડ્યું હોયને ત્યા માખી, મચ્છર, જુવા થાય એ તો નરકવાસ છે. અહી ગામડામાં ઠેકાણે ઠેકાણે શૌચ માટે બેસવુ ન જોઈએ, છોકરાઓએ આંગણામાં નહી બેસવું જોઈએ. પાયખાનામાં અને દીવાનખાનામાં ફરક ન રહે એવું સ્વચ્છ હોવું જોઈએ.
ખેડા જિલ્લાના આ ભાગમાં જેટલી હાઈસ્કૂલો, કોલેજો છે એટલી ક્યાય નહી હોય. પણ એમાં થોડું મિથ્યાભિમાન અને હુંસાતુંસી હોય છે એ ટાળવી જોઈએ. અહી સાયન્સ કોલેજ થાય એટલે એક પેટલાદમાં પણ થવી જોઈએ, એક નડિયાદમાં પણ થવી જોઈએ, એનો અર્થ એ થાય કે એક્કે સંસ્થા સારી અથવા પુરી ન થાય. એક સંસ્થામાં પુરતા પ્રમાણમાં સારા શિક્ષકો હોવાને બદલે બધે થોડા થોડા વહેચાઈ જાય.
આપણે અંગ્રેજો પાસેથી કેટલુંક શીખી લેવુ જોઈએ. એ હોસ્પિટલ કરશે તો બધા એમા જ દાન આપશે અને એને ઉત્તમ બનાવશે.
આપણને કોલેજો ચલાવવા માણસો મેળવવા મુશ્કેલ છે. મહારાષ્ટ્રમાં એવા માણસો મળે છે. ત્યા કેળવણીનો શોખ છે. ગુજરાતમાં વેપારી વ્રુત્તિ પ્રધાન છે.
હુ તમને એક વાત કહેવા ઈચ્છુ છુ. આ ભાગમાં જમીન ઉપર તેની ગુંજાશ કરતા વસ્તી વધારે થઈ ગઈ છે. તસુ તસુ જમીન માટે લડી મરીએ છીએ, ખૂન થાય છે, એ સારૂ નથી. આપણને પ્રભુએ બુધ્ધિ આપી છે. દક્ષિણ આફ્રિકાનાંને પૂર્વ આફ્રિકાના બારા આપણે માટે બંધ થઈ ગયા હોય તો બીજા રસ્તા શોધવા જોઈએ. બાપનો કુવો ઊંડો હોય તો એમા ડુબી ન મરાય. અંગ્રેજો એક નાના સરખા ટાપુમાં મુઠ્ઠીભર છે પણ તેઓ આખી દુનિયામાં ફેલાયા છે.
કુટુંબના ગામમાં થોડા થોડા ટુકડા માટે લડી ન મરવુ જોઈએ. અહીના ખેડુતોમાંથી એક વર્ગે સારી પેઠે બુધ્ધિકુશળતાથી જમીનને શોભાવી પણ બીજો વર્ગ છે એણે જમીનને શોભાવી નથી. એના હાડકા કંઈક ચોર થયા છે. એ ધારાળા વર્ગ છે. એને ધારાળા કહીએ તો ગુસ્સો ચઢે છે. એ પોતાને રજપૂત કહે છે. એમં કેટલાક જુવાનિયા પેઠા છે એ એમાં ઝેર ફેલાવે છે. ઓછી મિલ્કતવાળા સાથે એમને લડાવવાનું કરે છે. મોટા મોટા કારખાનાવાળા સાથે અથવા જમીનદારો સાથે લડાવતા ત્યા સુધી તો હું સમજતો. પણ અહી મોટા જમીનદારો જ નથી, માટે અહી રહીને વેરઝેર ઊભાં કરવા તેના કરતા જ્યા જમીન મળે ત્યાં જવુ. બ્રાઝીલ, મોરિશિયસ જઈ શકાય. આજે તો દુનિયા નાની થઈ ગઈ છે.
આ સંસ્થા ખેડૂતની બુધ્ધિશક્તિ ખીલવવા માટે, સાહસિક વ્રુત્તિ કેળવવા માટે છે. આ સંસ્થામાં સ્વતંત્ર નાગરિક પેદા કરવાની કલ્પના છે. એ કલ્પના ભાઈલાલભાઈની છે. મેં એમા એમને પહેલેથી સાથ આપ્યો છે. તમને સૌને વિનંતિ કરુ છુ કે આ સંસ્થાને હ્રદયથી સાથ આપજો. ભાઈલાલભાઈએ તો આ સંસ્થા પાછળ જ જિંદગી પૂરી કરવાનો સંકલ્પ કરેલો છે.
માણસ પૈસા કમાઈ જાણે છે, પણ કમાણીનો સદુપયોગ કેવી રીતે કરવો એની ખબર બધાને નથી પડતી.
હિંદુસ્તાનમાં કોઈને દાન કરવુ હોય તો તે ગાંધીજીને આંખો મીંચી આપી જાય છે. કારણ એને ખબર છે કે એમને આપેલુ ધન સારી રીતે ખર્ચાશે.
વ્યક્તિઓના સારા જીવનથી જ સામાજિક જીવન ઊંચુ થાય છે. જેની પાસે ઓછી શક્તિ હોય એને શક્તિવાળાઓએ ઊંચા લેવા જોઈએ. સમાજમાંથી ઊંચનીચના ભેદ કાઢી નાખવા જોઈએ. ગાંધીજી આવ્યા ત્યારના કહે છે કે અસ્પુશ્યતા જવી જોઈએ. આ નગરમાં એટલે જિલ્લામાં કોઈ અસ્પ્રુશ્ય નહી રહેવો જોઈએ. કોઇ ધનિક હોય તેની ઈર્ષા નહી કરવી જોઈએ. ગરીબ હોય તેને તિરસ્કાર નહી કરવો જોઈએ. એબો કાઢ્યા વિના સ્વતંત્ર હિંદુસ્તાન શોભાવી નહી શકો.
આ સંસ્થાને શોભાવવી હોય તો દિલને હ્રદયનો સાથ આપજો મને તો ઉમ્મીદ છે કે આપણે હિંદુસ્તાનને આદર્શ આપી શકીશુ, બતાવી શકીશુ કે ગામડાં કેવા હોવાં જોઈએ. એના ફળ, ફુલ, ઝાડ કેવા હોવા જોઈએ, એનુ ખાતર કેવુ હોવુ જોઈએ.
અંગ્રેજો તો જવાના છે. આપણે માથે જવાબદારીનો બોજો આવ્યો છે તો આપણે પહેલ કરવી જોઈએ. આપણા ગામડા આપણે સંભાળવાના છે. શહેરોમાં કોમ્યુનિસ્ટોનો તથા કોમવાદીઓનો રોગચાળો પેઠો છે તે ત્યાથી કાઢવો જોઈએ અને ગામડામાં પેસવા ન પામે એ જોવુ જોઈએ.
આ સંસ્થામાં દરેક પોતાનું જીવન આબરૂભેરને સ્વમાનથી ગાળી શકે એ પ્રયત્ન છે. એની સાથે આદર્શ ગામડું રચવાની પણ કલ્પના છે.
હું કેવુ વિદ્યાલય ખુલ્લુ મુકુ છુ એ તો ભાઈલાલભાઈ કહી શકે. સંસ્થા ત્યારે જ શોભે કે જ્યારે એની પાછળ જે ભાવના હોય, તેને આપણે અમલમાં મુકી બતાવીએ.
તમે બધા મારી પાસે પ્રાર્થનામાં જોડાઓ કે ભાઈલાલભાઈના મનોરથ પુરા થાય અને આ સંસ્થા આખા હિંદુસ્તાનમાં જોવા જેવી થાય.
જેમણે દાન આપ્યુ છે એમને મુબારકબાદી આપું છુ, જોકે સ્થનિક દાતાઓને તો એ દાનનો લાભ પણ મળવાનો છે. એમના જ છોકરાઓને અહી ઉત્તમ ભણતર ભણવાનું મળશે.
0 Comments