સરદાર પટેલે સ્વયંસેવકો માટે જનતાને કરેલ અપીલ - એક એક છોકરો આપો | Vithalbhai Patel, Sardar Patel

સરદાર પટેલે સ્વયંસેવકો માટે જનતાને કરેલ અપીલ - એક એક છોકરો આપો

0

એક એક છોકરો આપો 

તા ૦૧-૧૨-૧૯૨૨થી ગુજરાતમાં પરદેશી કાપડની દુકાનોએ પિકેટિંગ કરવાનું નક્કી કરેલ તે પ્રસંગે સ્વંય સેવકો માટે કરેલ અપીલ

સામ્રાજ્યના સ્તંભરૂપ પંજાબના બહાદુર અકાલીઓએ અહિંસા અને આત્મભોગનો આદર્શ યજ્ઞ આરંભ્યો છે. જાતના જોખમે જુદા જુદા રણક્ષેત્રોમાં અણીને અનેક પ્રસંગે સામ્રાજ્યની સેવા કરતાં દુશ્મનની તલવારના ઘા ઝીલ્યાનાં ચિન્હ જેમના શરીર ઉપર મોજુદ છે અને જેમની છાતી ઉપર સેવાની કદર બદલ સામ્રાજ્ય તરફથી મળેલા ચાંદ લટકે છે એવા પંજાબના પહેલવાન અકાલીઓએ પોતાની કમરમાં કિરપાણ પડેલી હોવા છતાં એજ સરકારના અમલદારોના હુકમથી પોલીસના સિપાઈઓની લાઠીના પ્રહાર મુંગે મોઢે સહન કર્યા. શસ્ત્રબળનો ઉપયોગ કાયરો ઉપર જ ચાલી શકે એવુ ભાન થતાં મારપીટ કરવાનું છોડી દઈ સરકારે આખરે જેલખાનાં ઉપર જ આધાર રાખવાનું પસંદ કર્યુ. 

પંજાબની સરકારને નવાં જેલખાનાં વસાવવા પડ્યા છે. પાંચ હજાર ઉપરાંત અકાલીઓ જેલમાં જઈ ચુક્યા છે. એક બાજુ દરરોજ એક્સો અકાલીઓનો જથ્થો કેદ પકડાય છે અને બીજી તરફ જેલ જનાર સિપાઈઓની ભરતી ચાલે છે. અકાલી માત્ર ખાદી સિવાય બીજુ પહેરતા નથી. આ ધર્મયુધ્ધમાં અકાલી બહેનો અપુર્વ હિંમત અને ઉત્સાહ બતાવી રહેલી છે. પોલીસના મારથી ઘાયલ થયેલા સંખ્યાબંધ અકાલીઓની સારવાર માટે એક હોસ્પિટલ ખોલવામાં આવી છે. તેમની સારવારનું કામ અકાલી બહેનો કરે છે. ભરતીની છાવણીમાં પડેલા સેંકડો અકાલીઓને રસોઈ પકાવી જમાડવાનું અને માંદાઓની માવજત કરવાનું કામ અકાલી બહેનોએ ઉપાડી લીધુ છે. આ કામમાં પણ લશ્કરી તાલીમ અને વ્યવસ્થા જોવામાં આવે છે. અકાલી બહેનો પણ એક્લી ખાદી જ પહેરે છે. પંજાબમાં આકાશના દેવતાઓ દર્શન કરવા ઊતરી આવે એવો આ ધર્મયજ્ઞ ચાલી રહ્યો છે, તે વખતે હિંદુસ્તાનમાં અપુર્વ શાંતિ જામી ગયેલી છે. જે મહાયજ્ઞ કરવાનું ભાગ્ય બારડોલીને ન મળ્યું તે આજે મહાત્માજી જેલમાં છે તે વખતે અકાલીઓને પ્રાપ્ત થયું છે. અહિંસાની હાંસી કરનાર, અસહકાર મરી ગયાના પોકાર કરનારના મોં તેમણે બંધ કરી દીધાં છે. 

ગુજરાતને અહિંસાત્મક અસહકાર ઉપર અકાલીઓ કરતા ઓછી શ્રદ્ધા તો ન જ હોય. ગુજરાત એ સિદ્ધાંત જન્મ આપનાર છે. "અહિંસા પરમો ધર્મ:" એ જન ધર્મનો પાયો છે. ગુજરાત એ જૈન કોમનું મુખ્ય મથક છે. ત્યાં અહિંસા વિષે ભારે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે. પણ અકાલીઓની હિંમત અને બહાદુરી, તેમની સહન કરવાની અને ભોગ આપવાની શક્તિ, તેમનો સંપ અને તેમની તાલીમ ગુજરાતમાં છે? અકાલીઓને પોતાના ધર્મને માટે જે ધગશ લાગી છે તેવી ગુજરાતીઓને કે ગુજરાતના જૈનોને પોતાના ધર્મને માટે લાગેલી છે? આના જવાબમાં "ચૌરીચૌરા વચ્ચે ન આવ્યુ હોત તો બારડોલી બતાવી આપત" એમ કહેવાથી ગુજરાતની આબરૂ ક્યાં સુધી ઢંકાશે? પરદેશી કાપડનો વેપાર મોટે ભાગે અહિંસાની પુજારી જૈન કોમના હાથમાં જ છે એ વાત જગતથી ક્યા સુધી ઢાંકી રહેશે? પંજાબા ખાદીમય બની જાય તો પણ ગાંધીજીના ગુજરાતમાં પરદેશી કાપડનો મોહ ન છુટે એ વાતનો ઢાંક પિછોડો કર્યે ક્યા સુધી નભે? ઘરમાં છે એટલું પહેરી ફાડીશું, હવે નવુ નહી લાવીએ એમ કહેનાર ગુજરાતીઓના ઘરમાંથી આજ ગાંધીજીને જેલા ગયા આઠ માસ થઈ ગયા છ્તા વિદેશી કાપડ ખુટતું નથી અને ખાદીનો પ્રવેશ થતો નથી એનું કારણ શું? પરદેશી કાપડની એકે દુકાન ઊપડી ગયેલી જોવામાં આવતી નથી એનું કારણ શું?

"ગુજરાત ધારાસભાના બહિષ્કારમાં મક્કમ છે, એ વિષે ગુજરાતમાં બે મત નથી" એમ કહ્યે ગુજરતનું કાર્ય પુરુ થતુ નથી. ગાંધીજીને ઓળખનાર ગુજરાતીઓ ધારાસભામાં જવાની વાત ન જ કરે એમાં શી નવાઈ? પણ એટલેથી ગુજરાતની જવાબદારી પુરી થતી નથી.

ગાંધીજીની પાછળ ગાંડા થનાર, એમની હાજરીમાં એમની જય બોલાવનાર ગુજરાતીઓ તમે જાગ્રત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહી તો કાળ જશે અને કહેવત રહેશે કે જેને જગતે ઓળખ્યા એવા મહાત્મા ગાંધીજીને એક ગુજરાતે ન ઓળખ્યા. ગુજરાત અને કાઠિયાવાડના સાચી દેશદાઝવાળા નોજવાનોએ ગાંધીજી જેલમાંથી છુટે ત્યાં સુધી ફક્ત દેશસેવાનું જ કામ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ગુજરાતને મહાત્માજીના કાર્યક્રમમાં શ્રદ્ધા છે; ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, વિવેક છે; પણ ગુજરાતને કામદારોની એટલે સ્વંયસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરો દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ.

ગુજરાત પ્રાંતિક સમિતિએ હમણાં તો ગુજરાત પાસે ફક્ત 2500 સ્વયંસેવકો માગ્યા છે. તા. ૦૧-૧૨-૨૨થી ગુજરાતમાં પરદેશી કાપડની દુકાનો ઉપર પહેરો ભરવાનું કામ શરૂ કરવાનું છે આ કામ માટે જો ગુજરાતમાંથી 2500 સ્વયંસેવકો નહી મળે તો ગુજરાતને દેશદાઝ કેટલી છે એનું માપ આપોઆપ નીકળી રહેશે. 

આ કામ માટે ગુજરાત કાઠિયાવાડ અને કચ્છના કોઈ પણ ભાગમાંથી સ્વયંસેવક લેવામાં આવશે. બહારથી આવનાર સ્વયંસેવકો માતે અનુકુળ સ્થળે છાવણી નાખી તેમના ખોરાક વગેરેનો બંદોબસ્ત કરવામાં આવશે. જેને સ્વયંસેવક થવાની ઈચ્છા હોય, તેણે ગુજરાત પ્રાંતિક સમિતિ પાસેથી પ્રતિજ્ઞાપત્ર મંગાવી ભરી મોકલવું. 

નવજીવન ૧૯-૧૧-૧૯૨૨

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in