सरदार पटेल | સરદાર પટેલ | Sardar Patel - 31 October 2019 | Vithalbhai Patel, Sardar Patel

सरदार पटेल | સરદાર પટેલ | Sardar Patel - 31 October 2019

सरदार पटेल - સરદાર પટેલ - Sardar Patel - 31 October 2019
0

सरदार पटेल - સરદાર પટેલ - Sardar Patel - 31 October 2019

सरदार पटेल, સરદાર પટેલ,Sardar Patel

૩૧ ઓક્ટોબર ૧૮૭૫ના રોજ સરદાર પટેલનો જન્મદિવસ, હિંદુ કેલેંડર મુજબ ૩૦ ઓક્ટોબર ૧૮૭૫ અને ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ એમ બે દિવસ ભાઈબીજ નો દિવસ અને આજ દિવસે ઇસ્લામિક કેલેંડર મુજબ રમજાન ઈદ અલ-ફિત્રની તિથી આવે છે. આ લખવા પાછળનો હેતુ એજ કે સરદાર પટેલને મુસ્લિમોના વિરોધી અને હિંદુઓ તરફી નેતા તરીકે વિરોધીઓએ બદનામ કરવાની કોશિષ ઈતિહાસમાં કરેલ જેમા મૌલાના અબુલ કલામ આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ પણ કાંઈ બાકી નહોતુ રાખ્યુ પરંતુ પાછળથી સરદારને સમજવામાં કરેલ ભુલનો એકરાર પણ તેઓએ કરેલ.

સરદાર પટેલ મુસ્લિમોના વિરોધી ક્યારેય નથી રહ્યા તેઓ એવા કટ્ટરપંથીઓના વિરોધી રહ્યા છે કે જેમના કારણે દેશની શાંતિ કે દેશહિત જોખમાતુ હોય, પછી એ હિંદુ હોય, મુસલમાન હોય, શીખ હોય, કે ઈસાઈ હોય તેમને તેનાથી કોઈ ફર્ક નહોતો પડતો. હકીકતમાં તો, સરદારના હ્રદયમાં કોઈપણ જ્ઞાતિ કે સંપ્રદાય પ્રત્યે એવી સંકુચિતતા કે પક્ષપાતને કોઈ સ્થાન નહોતુ, સ્વયં ગાંધીજીના શબ્દોમાં કહીએ તો :

સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.

સરદારે આજીવન ભારતની અખંડિતતા અને એકતાને બચાવી રાખવા જે શક્ય હોય તે કર્યુ, દેશના ભાગલા સમયે તેમણે કહ્યુ કે : 
સમુદ્ર કે નદીઓના તો કાંઈ ભાગ પાડી ન શકાય. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તેમના મૂળિયા એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.

મને સાંભરે છે કે કઈ રીતે વર્ષોની યાતના ભોગવીને લાંબી લડત આપ્યા પછી ભારતે વિદેશી શાસનના પાયા હલાવી દઈ સ્વાતંત્રતા મેળવી છે. અમે સહુ જેમણે સંગ્રામમાં હિસ્સો લીધો તેમણે એવા વિચાર સાથે ભાગ લીધો હતો કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, ભારતમાં એક સારી સરકાર સત્તા સ્થાને આવશે. જ્યારે અમે ભાગલાનો સ્વીકાર કર્યો, ત્યારે એવી સંનિષ્ઠ ઈચ્છાથી કરેલો કે કદાચ તેમ કરવાથી પ્રગતિને અશક્ય બનાવી દેનાર બાબતોથી અવરોધ પામ્યા વિના બન્ને દેશ પોતપોતાની રીતે મુક્તપણે વિકાસ સાધી શકશે. તેની સાથોસાથ, પાકિસ્તાનને અમે શુભેચ્છાઓ પાઠવી હતી અને અમે આશા સેવતા હતા કે પરિસ્થિતિ થાળે પડતાં, જ્યારે તેઓને ખ્યાલ આવે કે આપણે ખરેખર ભાઈઓ છીએ અને ભિન્ન ધાર્મિક વિચારો અને આદર્શોમાં વહેચાયેલા બે અલગ રાષ્ટ્રો નથી, ત્યારે તેઓ આપણી પાસે પાછા ફરશે.

ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે વલ્લભભાઈ ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું, અને આનું કારણ એ હતુ કે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવેલ હતું. સરદાર પટેલે છેવટ સુધી આનો વિરોધ કર્યો. એક. ગોપાલે પોતાની નોંધમાં પણ લખેલ છે કે :

સરદાર પટેલને સામાન્ય રીતે હિંદુત્વવાદના પ્રખર ટેકેદાર તરીકે ચીતરવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેમની ખરી નિસ્બત રાષ્ટ્રીય એકતા વિશે જ છે.

સરદાર પટેલના જાહેરજીવનના શરુઆતના વર્ષોમાં જ્યારે ખિલાફત ભંગ માટે ગાંધીજીએ અલીભાઈઓ – મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમદ અલી સાથે મળીને કાર્યરત થવાનું જણાવ્યુ. બ્રિટિશરાજ વતી ત્યારના વડાપ્રધાન લોઈડ જ્યોર્જ ભારતના મુસ્લિમોને વચન આપ્યુ કે પ્રથમ વિશ્વયુધ્ધ (૧૯૧૪-૧૮)માં તુર્કીની હાર થવા છતાં મુસ્લિમોના સૌથી પવિત્ર ગણાતા ધર્મસ્થળો મક્કા અને મદીના, કાબા સહિત તેમના ધર્મવડા ઓટોમેન ખલીફા પાસેથી છીનવી નહી લેવામાં આવે, પરંતુ આ વચન ભંગ થયો અને મુસ્લિમોને સતત ડર સતાવતો રહ્યો કે અંગ્રેજો દ્વારા કાબાને અપવિત્ર કરી નાંખવામાં આવશે. દક્ષિણ અને મધ્ય એશિયામાં આ કારણે મુસ્લિમોમા ક્રોધનો ચરુ ઉકળી રહ્યો હતો. ભારતમાં આના વિરોધ કરવા માટે આગેવાની અલી ભાઈઓએ લીધી. ગાંધીજીને લાગ્યુ કે મુસ્લિમોની સાથે તેમના સંકટ સમયે હિંદુઓએ સાથે રહેવુ જોઈએ, જ્યારે મોટાભાગના કોંગ્રેસી નેતાઓ ગાંધીજી સાથે સહમત ન થયા. આ બાબતે કોંગ્રેસમાં અનિર્ણાયકતા પેદા થઈ, પરંતુ મહાત્મા પોતાની વાતને વળગી રહ્યા આ કારણે મુસ્લિમોએ તેમને પોતાના હ્રદયમાં સ્થાન આપ્યુ અને તેમની આગેવાની પણ સ્વીકારી.

૧ ઓગષ્ટ ૧૯૨૦ના રોજ મુંબઈ સ્થિત ખિલાફત હાઉસમાં અસહકાર ચળવળની શરૂઆત થઈ અને તેમને પ્રચંડ પ્રતિસાદ મળ્યો આજ દિવસે તિલકજી અવસાન પામ્યા. અસહકાર ચળવળના પ્રચંડ પ્રતિસાદના કારણે બ્રિટિશ સરકાર હચમચી ગઈ. ગાંધીજીની હાકલથી લોકોએ બ્રિટિશ ખિતાબો, વિલાયતી ચીજોનો ત્યાગ કર્યો, ટાગોરજીએ પોતાના નાઈટહૂડના ખિતાબનો પણ ત્યાગ કર્યો. સરદાર પટેલ પ્રેરણા પુર્વક ગાંધીજીને અનુસર્યા અને હકીકતમાં તેઓ જ આ ચળવળના પ્રણેતા બન્યા. આ ચળવળ ધાર્મિક બાબતની હોવા છતાં તેમણે ક્યારેય અન્ય નેતાઓ માફક વિરોધ ન કર્યો. પોતાના વક્ત્વ્યમાં સરદાર પટેલે કહ્યુ કે :

બ્રિટનના વચન છતાં તુર્કી સામ્રાજ્યનું વિભાજન કરવામાં આવ્યુ. સુલતાનને કોંસ્ટેંટીનોપોલ્માં કેદી બનાવવામાં આવ્યા, સિરીયા ઉપર ફ્રાંસે કબ્જો જમાવ્યો, જ્યારે મેસોપોટેમીયા અને પેલેસ્ટાઈન બ્રિટનને તાબે થઈ ગયા. અરેબિયામાં પણ એક શાસક મુકવામાં આવશે જે બ્રિટિશ સરકારને ટેકો આપે. ખુદ વાઈસરોયે પણ સ્વીકાર્યુ કે શાંતિની અમુક શરતો મુસ્લિમ કોમને નારજ કરનારી છે. હકીકતમાં ભારતના મુસ્લિમો માટે ખૂબ દિલ દુભાવનારો બનાવ છે, અને જ્યારે હિંદુઓ પોતાના જ દેશવાસીઓને આ રીતે દુ:ખી જુઈને બેઅસર કેવી રીતે રહી શકે?

સરદાર પટેલ લોકપ્રતિસાદ જગાવવા માટે ગુજરાતભરમાં ઠેરઠેર ફર્યા. તેમણે પોતાના પ્રવચનોમાં  ખિલાફત ચળવળ કે પંજાબ ચળવળ ના ટીકાકારો પર આકરા પ્રહારો કર્યા અને ગાંધીજીએ જલિયાવાલા હત્યાકાંડને પણ ખિલાફતના મુદ્દા સાથે જોડી દીધો. તેમણે નવજીવનમાં નોધ્યુ છે કે :

આપણે ઘણીવાર એવુ માનવા પ્રેરાઈએ છીએ કે હિંમત અને નિર્ભયતા એ ઉધ્ધતાઈ અને ઉશ્કેરણીજનક ભાષાના પાયા છે. વલ્લભભાઈ પટેલે સાબિત કરી બતાવ્યુ છે કે અવિનયી થયા વિના પણ અડગ રહી શકાય છે.

હિંદુઓમાં સરદાર એક એવા હતા કે જેમના પર ગાંધીજી ખુદ તેઓને મુસ્લિમોની નજીક લાવવા માટે મદાર રાખતા હતા. અન્ય કોંગ્રેસીનેતાઓ અચકાતા પરંતુ સરદાર પટેલ પોતાના માર્ગદર્શકની પડખે અડગ ઊભા રહેતા.

સંદર્ભ : સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો – ડો. રફીક ઝકરીયા.

આવા તો અનેક પ્રસંગો છે. સરદારને મુસ્લિમ વિરોધી માનવા હું તો તૈયાર નથી. સરદાર પટેલના જન્મ દિવસની દરેક રાષ્ટ્રપ્રેમી નાગરિકોને શુભકામનાઓ 

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in