Speaker of Assembly - Vithalbhai Patel | Vithalbhai Patel, Sardar Patel

Speaker of Assembly - Vithalbhai Patel

Speaker of Assembly - Vithalbhai Patel ચરોતરના કુલીન ગણાતા કરમસદ ગામનાં પાટીદાર દંપતી ઝવેરભાઈ અને લાડબાઈ પટેલને ત્યાં વિઠ્ઠલભાઈનો જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ થયો. માતાની સહનશીલતા અને પિતાની નિશ્ચયવૃત્તિ તેમને વારસામાં પ્રાપ્ત થયેલા, અને એજ ગુણ તેમના નાના ભાઈ અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં પણ વણાયેલ. વિઠ્ઠલભાઈ કરમસદ ગામની ધૂળી નિશાળમાં પાંચ વર્ષની ઉમરે પ્રવેશ કર્યો, આ શાળા આધુનિક સાધનોથી સજ્જ કે આલીશાન નહોતી પરંતુ મહેતા સાહેબની નિષ્ઠા આ શાળામાં હતી અને તેજ છાપ વિઠ્ઠલભાઈના કુમળા મન પર પણ પ્રભાવ પાડી રહી હતી અને તેથી જ તેઓ પોતાના કામને કર્તવ્યનિષ્ઠ અને વફાદાર રહ્યા.
0


Speaker of Assembly - Vithalbhai Patel


વિઠ્ઠલભાઈ પટેલ 

ચરોતરના કુલીન ગણાતા કરમસદ ગામનાં પાટીદાર દંપતી ઝવેરભાઈ અને લાડબાઈ પટેલને ત્યાં વિઠ્ઠલભાઈનો જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ થયો. માતાની સહનશીલતા અને પિતાની નિશ્ચયવૃત્તિ તેમને વારસામાં પ્રાપ્ત થયેલા, અને એજ ગુણ તેમના નાના ભાઈ અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં પણ વણાયેલ. વિઠ્ઠલભાઈ કરમસદ ગામની ધૂળી નિશાળમાં પાંચ વર્ષની ઉમરે પ્રવેશ કર્યો, આ શાળા આધુનિક સાધનોથી સજ્જ કે આલીશાન નહોતી પરંતુ મહેતા સાહેબની નિષ્ઠા આ શાળામાં હતી અને તેજ છાપ વિઠ્ઠલભાઈના કુમળા મન પર પણ પ્રભાવ પાડી રહી હતી અને તેથી જ તેઓ પોતાના કામને કર્તવ્યનિષ્ઠ અને વફાદાર રહ્યા.

ડીસ્ટ્રીક પ્લીડરની પરીક્ષા પાસ કરી વિઠ્ઠલભાઈ પટેલે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરી. વિઠ્ઠલભાઈને શરૂઆતમાં ખુબજ કઠીણાઈનો સામનો કરવો પડ્યો પરંતુ પોતાની કુનેહથી અને કાયદાના ઝીણવટ ભર્યા અભ્યાસના કારણે સફળતા મળવા લાગી અને ફોજદારી વકીલ તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. જવાબદાર વકીલ હોવાની સાથે સાથે તેઓ નીડર પણ એટલા જ હતા.

વિઠઠલભાઈ એ જ્યારે બોરસદમાં પોતાની વકીલાત શરૂ કરી ત્યાં પણ તેમને સફળતા અને ખ્યાતી મળતા વાર ન લાગી. તેમની ગોધરાની કારકીર્દી અગાઉથી જ બોરસદમાં પ્રસરી ગયેલ આથી ફોજદારી કેસોનો જમાવડો વધવા લાગ્યો આથી તેમણે વલ્લભભાઈને પણ બોરસદ બોલાવી લીધા. તેમના અભ્યાસ અને આવડતના કારણે મુશ્કેલ જણાતા કેસો પણ પલકવારમાં જીતી જતા. આમ બન્ને ભાઈની જુગલજોડીએ સરકારી તંત્ર અને પોલીસખાતાને રાડ પડાવી દીધી. ક્યારેક તો બન્ને ભાઈઓ સામ સામે પક્ષકારોના વકીલ તરીકે ઊભા રહેતા અને તે સમયે તેઓની રજુઆત અને દલીલો સાંભળવા વકીલમંડળ ઉપરાંત જનસમૂહના કારણે કોર્ટનો રુમ ભરાઈ જતો.

એક સમયે તો સરકારને લાગ્યું કે તાલુકાનું પોલીસતંત્ર બન્ને ભાઈઓથી પરાસ્ત થયેલ છે, એમની શેહમાં દબાઈ ગયું, એટલે બોરસદની ફોજદારી કોર્ટ આણંદ ખસેડી, પણ આ સ્થળફેરની યોજના પણ કારગત ન નીવડી. બન્ને ભાઈઓ બોરસદથી આણંદ પહોચી કેસ લડી જીતી જતા. અને સરકારને પણ બોરસદથી આણંદનો ખર્ચો, ભાડા ભથ્થા, વધવા લાગ્યા એટલે વળી પાછા થાકીને આણંદથી કોર્ટ બોરસદ બદલી અને આ રીતે બન્ને ભાઈઓની વચ્ચે સરકાર પીસાતી જ રહી.

શ્રી શુક્લ નામના બોરસદના સબ-જજ જેઓ ભારે લાંચિયા અને માથાભારે હતા. તેમની ગેરરીતિઓનો તો કોઈ પાર નહી. એક રીતે બેલગામ સબ-જજ તરીકે જાણીતા હતા. એક સમયે વિઠ્ઠલભાઈના હાથમાં શ્રી શુક્લના કરતુતોના સબુત હાથ લાગ્યા અને પછી તો પુછવુ જ શું, તેમણે છડેચોક શુક્લ વિરુધ્ધ પ્રવૃત્તિ આરંભી અને મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી, રજુઆત એટલી સબળ હતી કે મુંબઈ કોર્ટે તે સ્વીકારવું જ પડ્યુ અને તપાસના આદેશો અપાયા. આશરે દસ મહીના સુધી કાર્યવાહી સુરત મુકામે ચાલી અને વિઠ્ઠલભાઈ દરેક સમયે હાજર રહી જરૂરી વિગતો અને પુરાવા રજુ કર્યા. પરિણામે શુક્લ સામે આરોપ પુરવાર થયો અને મુંબઈ કોર્ટે થોડી રહેમદીલી દાખવી ફક્ત એક વિકલ્પ શુક્લને આપ્યો કે જાતે રાજીનામું આપો નહીતો સરકાર તમને બરતરફ કરશે. આ પછીતો માથાભારે અમલદારોની અવળચંડાઈ પટેલ બેલડી રહી ત્યાં સુધી અટકી ગઈ અને તેઓ પ્રજાના માનીતા વકીલ બન્યા.

તેમની નિડરતાના તો અનેક પ્રસંગો છે. વિઠ્ઠલભાઈ પટેલ સ્પીકર પદે ચૂંટાયા પરંતુ તેમની કામગીરી ખુબ કઠણ હતી. એક તરફ સ્પીકરની સરખામણી હાઉસ ઓફ કોમન્સના સ્પીકર તરીકે થાય અને બીજી તરફ સરકાર ધારાસભાને જવાબદાર નહી. આથી ધારાસભાના સભ્યોનો મોટો ભાગ પ્રજાકીય દ્રષ્ટિબિંદુને સ્વતંત્ર રીતે રજુ કરી નહોતો શકતો. આવા સંજોગોમાં સ્પીકરપદનું ગૌરવ અને મોભો તથા તટસ્થતા જાળવવી અને સરકારથી પર રહી ઉત્તમ પાર્લામેંટરી પ્રણાલી જાણવી રાખવી તે હિંમતભર્યુ હતુ.

વિઠ્ઠલભાઈએ તો થોડા જ સમયમાં પોતાની શક્તિનો પરચો બતાવી દિધો. ધારાસભાની શરુઆત થાય એટલે સામાન્ય રીતે વાઈસરોય સભાગૃહને સંબોધન કરે અને આ સંબોધન શાહી ઠાઠ, અને દબદ્બાયુક્ત રહેતો, વાઈસરોય પોતે દરબારી પોશાકમાં પ્રવેશે અને ત્યારે પ્રમુખે પોતાની ખુરશી ખાલી કરવી પડતી અને નીચે આવી સૌ સભ્યો સાથે અલગ આસન ગ્રહણ કરવુ પડતુ. અને વાઈસરોય સ્પીકરની ખુરશી પર બિરાજમાન થઈ પોતાનું પ્રવચન આપતા. દબદબો તો એવું પુરવાર કરે કે વાઈસરોય ધારાસભાના કે ધારાસભા ગૃહના વડા હોય અને ધારાસભાના પ્રમુખે વાઈસરોયને પોતાના ઉપરી તરીકે સમજવા. સ્વતંત્ર મિજાજી, સ્વાભિમાની એવા વિઠ્ઠલભાઈથી આ સહન કરી શકાય તેમ નહોતું, અને તેમણે વાતવાતમાં વાઈસરોયને કહેવડાવી પણ દીધું કે જ્યારે વાઈસરોય પ્રવચન કરવા સભાખંડમાં પ્રવેશે ત્યારે સ્પીકર પોતાની ખુરશી નહી છોડે, અને વાઈસરોયે સ્પીકરની ચેમ્બરમાંથી જ ધારસભામાં પ્રવેશ કરવો પડશે. આ વાતે તો જાણે વિઠ્ઠલભાઈએ બોમ્બ વાઈસરોય ઉપર ફોડ્યો હોય તેમ સરકારી વર્તુળોમાં ફફડાટ પ્રવેશી ગયો. વાઈસરોયની સત્તા પરનો કાપ અને સ્પીકરનો ધારાસભા પર સંપુર્ણ સ્વીકાર, સરળતાથી ગળે ઉતરે તેમ નહોતો તેમ છતાં વિઠ્ઠલભાઈના સ્વભાવથી પરીચિત તેમને પડકારવા તૈયાર નહોતા. નોકરશાહીએ વિઠ્ઠલભાઈને મનાવવા ખેડા જિલ્લાના એક માજી કલેક્ટર અને તત્કાલીન સરકારના મધ્યસ્થી એવા એક ઉચ્ચ અધિકારીને વિઠ્ઠલભાઈ પાસે મોકલ્યા અને તેમણે વિનંતી કરી કે વિઠ્ઠલભાઈ આટલો વખત આ આગ્રહ છોડી દો અને હંમેશ માફક લશ્કરી દબદબા સાથે વાઈસરોયની સવારીનો કાર્યક્રમ હેમખેમ પતાવી દેવો. અને આ કાર્યક્રમ પછી વાઈસરોય પોતે આ પધ્ધતિમાં વિઠ્ઠલભાઈની મરજી મુજબ વ્યાજબી ફેરફાર કરશે તથા વિઠ્ઠલભાઈને ફરીયાદ રહેશે નહી. પરંતુ વિઠ્ઠલભાઈ આવી નોકરશાહી ટાળટપ્પા નિતિથી પરિચિત હતા અને તેઓ પોતે આવી તક જવા દેવા રાજી નહોતા. માજી કલેક્ટરે ખુબ વિનંતિ કરી પરંતુ વિઠ્ઠલભાઈ એક્ના બે ન થયા અને પરિણામે વાઈસરોયે સ્પીકરની ચેમ્બરમાં થઈ ધારાસભામાં પ્રવેશ કોઈ પણ ઠાઠ, દબદ્બા વગર કરવો પડ્યો. વિઠ્ઠલભાઈએ પોતાના પદની ગરિમા અને સ્પીકરના પદને શોભાવે તેવુ કાર્ય નિડરતાથી કર્યુ.

આવા વિઠ્ઠલભાઈનો આજે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ જન્મદિવસ છે. ગર્વ છે આવા નિડર ભારતીય ઉપર.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in