March 2019 | Vithalbhai Patel, Sardar Patel

Bardoli Satyagrah - Schools and Farmers

Bardoli Satyagraha - Schools and Farmers

નિશાળો અને ખેડુતો

સરકારની મહેરબાનીથી મળતું શિક્ષણ એ શિક્ષણ નથી, પણ અશિક્ષણ છે.

બારડોલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ખાતેદારોનાં બાળકો લોકલફંડ ભર્યાનું સર્ટિફીકેટ રજૂ કરે તો તેમની પાસે માસિક એક આનો સીધો આવે છે અને બિનખાતેદારો પાસેથી છ આના લેવામાં આવે છે. ચાલુ સાલે જમીનમહેસુલની તકરારને લીધે મહેસુલ અને લોકલફંડ બાકીમાં રહેલાં છે. તે તકરારનો નિકાલ થયે ભરવાનાં તો છે જ, છતાં આડકતરી રીતે દબાણ કરી મહેસુલ ભરાવવાના જે અનેક કિસ્સા બનેલા છે તેમાં હમણાં નંબર એકસો એકથી ઓળખાતા મોતાના પ્રખ્યાત તલાટી ઉમાશંકરે પોતાની બાહોશીથી એક નવો કિસ્સો શોધી કાઢી સરકારની આબરૂમાં ઉમેરો કર્યો છે.

મોતાના કુંવરજી મોરારના દીકરા ગોવિંદને શાળામાં દાખલ કરતી વખતે આ તલાટીએ પ્રમાણપત્ર આપવા ના પાડી, કારણકે તેમણે ચાલુ સાલનું મહેસુલ ભર્યુ નથી, એટલે ભાઇ કુંવરજીએ કાંતો બિન ખાતેદાર તરીકે વધારે ફી ભરવી જોઇએ, અગર તો આવા શિક્ષણનો મોહ છોડી દેવો જોઇએ.

મોતા જેવા દાખલા બીજે પણ બનવા માંડયા છે. એટલે આ સવાલનો નિર્ણય આપણે કરવો જોઇએ. મારી સલાહ એવી છે કે જે ખાતેદારો પાસે પ્રમાણપત્રને અભાવે વિશેષ ફી માગવામાં આવે તે ખાતેદારો અને બિનખાતેદારોએ બધાએ પોતાનાં બાળકોને હાલ આ લડત ચાલે ત્યાં સુધી આવી શાળાઓમાં મોકલવાં નહિ, અને શાળાઓના ત્યાગ કરવા. જ્યાં જ્યાં સરકાર તરફથી આપણું માનભંગ કરવાની તજવીજ થાય, ત્યાંથી આપણે દૂર રહી આપણી ઈજ્જત સાચવી લેવી. થોડા વખત આ શાળાઓમાં બાળકો નહિ ભણે તેથી આપણે કંઈ જ ખોવાના નથી. ઉલટા બાળકોને તો લડાઈની યાદગીરી રહી જશે.

જો આજ સુધી જે ફી લેવાય છે તે લઇ ચાલતી આવેલી વ્યવસ્થામાં ફેરફાર ન કરે તો આપણે પણ કંઈ ફેરફાર ન કરવો. સરકારની મહેરબાની ઉપર કોઇ જાતને આધાર રાખવો નહિ.

વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલ

સંદર્ભ : બારડોલી સત્યાગ્રહ ખબરપત્ર 155

A dream of Sardar Patel's ideal village

Sardar Patel's Dream about Ideal Village

સરદાર પટેલને ગુજરાતના ગામડાઓની સ્થિતિ પણ સુધારવી હતી અને તેથી જ તેમણે એક આદર્શ ગામનું સ્વપ્ન જોયેલ જે તેમણે વલ્લભ વિદ્યાનગરમાં આપેલ ભાષણ દરમ્યાન ગ્રામ સુધારણાના વિચારો વ્યક્ત કરેલા.

સરદાર પટેલનાં સ્વપ્નનું આદર્શ ગામ.

ગામડા નવેસરથી કેવી રીતે વસાવવા અને આદર્શ ગામડું કેવું હોય, તે બતાવવાનો અહીં પ્રયત્ન થશે. અહીં ૨૦૦૦ પ્લોટમાં પ્લાન પ્રમાણે મકાનો બંધાશે. આજના ગામડાં, વાંકાચૂકા, ઉબડખાબડ, અને ગબડગંદા હોય છે. કોઈ ઘરનો ખૂણો વાંકો તો કોઈના ઘરનો ખૂણો કાતરીયું થઈ બહાર નીકળેલ હોય છે. ગામડાંમાં ધુળ ન હોવી જોઈએ, રહેવાની સાફ જગ્યા હોવી જોઈએ. બધાને સ્વચ્છ હવા મળે તે આપણે પહેલા જોવુ જોઈએ. ખેડુતોને ઢોર કેવી રીતે રાખવા અને ઢોરની સાથે રહી ઢોર જેવા ન થવું જોઈએ. ઢોર અને જાનવરો એવા હોવા જોઈએ કે તેમને જોઈને આપણી આંખમાં ખુશી થવી જોઈએ.
Bhaikaka
Bhailalbhai Patel (Bhaikaka)
ગામની અંદર ઠેકઠેકાણે શૌચક્રિયા કે પેશાબ ન થાય તેની કાળજી રાખવી, બાળકો પણ ગંદકી ન કરે એ માબાપે જોવુ જોઈએ. મેલું ક્યા જાય છે એની તો ખબર પણ પડવી ન જોઈએ. ખરી રીતે તો પાયખાના અને દીવાનખાના વચ્ચે ફરક ન હોવો જોઈએ. ગામ સુંદર, સ્વચ્છ અને બગીચા જેવું હોય. બધા ભાઈ-ભાઈ તરીકે રહેતા હોવા જોઈએ. પક્ષાપક્ષી કે અંટસ જવા જોઈએ. તેમાં કોર્ટ કચેરી ન હોય અને પંચાયતનું રાજ્ય હોય. આવુ આદર્શ ગામ વસાવવાની કલ્પના અહીં નક્શા ઉપર છે. ભાઈલાલભાઈની આ કલ્પના જો સફળ નીવડે તો એ હિંદુસ્તાન પાસે પદાર્થપાઠ મૂકવા જેવી છે.
સન ૧૯૪૨ ફેબ્રુઆરી માસમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સભા બારડોલીમાં હતી તે વખતે સરદાર પટેલે ભાઈલાલભાઈ પટેલને ત્યા બોલાવ્યા અને શાંતિથી વાતો કરવા સવારના સાડા ચાર વાગ્યે ખાસ બોલાવ્યા, લગભગ બે કલાક સુધી નિરાંતે વાતો કરી. તે વાતો દરમ્યાન તેમની ગામડાં માટે શું શું ઈચ્છા હતી, તેની રુપરેખા આપેલી.

Bhikhakaka
Bhikhabhai Patel (Bhikhakaka)

ઑગષ્ટ – ૧૯૪૨માં સરદાર જેલમાં ગયા અને ભાઈલાલભાઈ પણ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામુ આપી સપ્ટેમ્બરમાં છુટા થયા. ૧૯૪૩માં આખા વર્ષ દરમ્યાન યોજનાઓ કેવી રીતે ગોઠવવી અને સરદારની ગેરહાજરીમાં નાણાકીય મુશ્કેલીઓ કેવી રીતે હલ કરવી વગેરે બાબતોમાં વર્ષ પુરુ થયુ. ૧૯૪૩ની આખરે ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં ભીખાભાઈ સાથે ભાઈલાલભાઈ સંપર્કમાં આવ્યા અને આ યોજનામાં ભીખાભાઈએ જોડાવા સંમતિ આપી. વર્ષ ૧૯૪૫ દરમ્યાન તો કરમસદની જમીનો આપવાની દરખાસ્તો આવી. અંતે કરમસદ, બાકરોલ અને મોગરી વચ્ચે આવેલી આશરે ૯૦૦ વીઘા જમીન લેવાનું નક્કી થયું એમાં પણ સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કરવા કરમસદ ગામના લોકોએ તો પોતાની બધી જ જમીનો દાનમાં આપી અને ગામના વડીલોના શબ્દોમાં કહીએ તો ગામના લોકોએ ભીખાભાઈ જેઓ પોતે પણ કરમસદના વતની છે તેમને તો કરમસદની સીમનો નક્શો જ આપી દીધો અને કહ્યું કે તમે જે યોગ્ય લાગે તે જમીનો કહો તે બધી અમે આપવા તૈયાર અને આ રીતે કરમસદ ગામના લોકોએ રાષ્ટ્રભાવના અને સરદારના સ્વપ્નને સાકાર કરવા જમીનો દાનમાં અર્પણ કરી.જુલાઈ ૧૯૪૫માં સરદાર જેલમાંથી છુટ્યા અને કામ ક્યાં સુધી વધ્યું તે તપાસવા ભાઈલાલભાઈને પત્ર દ્વારા યોજનાઓ વિશે જાણવા દિલ્હી બોલાવ્યા અને ત્રણેક દિવસ સુધી તેમણે ચર્ચાઓ કરી, યોજનાઓને દરેક રીતે તપાસી અને મંજુર કરી, પછી કહ્યું 
તમે કરમસદનું કામ કરતા નથી, ચરોતરનું કામ કરતા નથી, ગુજરાતનું કામ કરતા નથી. પણ જો તમારી યોજના ફતેહમંદ થાય, તો વહેલો મોડો એક દિવસ એવો આવશે કે જ્યારે કરમસદ હિંદુસ્તાનનું કેંદ્ર થશે.
બાપુને આ યોજનાની વાત કરી અને માર્ચ ૧૯૪૬માં ભાઈકાકા અને ભીખાકાકાની બેલડીએ સરદારના સ્વપ્નના ગામને આકાર આપવાની શરૂઆત કરી. આ દરમ્યાન અનેક પ્રાકરની ખોટી વાતો થતી અને સરદારને ત્યાં પણ અનેક પ્રકારના કાગળો જતા. આખરે ૪ એપ્રિલ ૧૯૪૭ના રોજ સરદાર કરમસદ આવ્યા અને તેમના ભાષણમાં તેમણે કહ્યુ કે : 
ઘણા વખતથી અહીં આગળ જે પ્રયોગ થઈ રહ્યો છે તે નજરે જોવા ખાતર હું આવવા માગતો હતો. અહીં ભાઈલાલભાઈ જે અડ્ડો નાખીને પડ્યા છે તેમાં મારી જવાબદારી છે. ત્રણ કામોનું ઋણ મારે માથે હતું તે ચુકવવા હું વખત કાઢીને નીકળ્યો છું. આ ઋણ અદા ન કરુ તો મારી સદ્ગતિ ન થાય. એ ત્રણે કામોમાં મુખ્ય  કામ ભાઈલાલભાઈનું વિદ્યાનગર જોવાનું હતું, કારણ મે તેમને આ આડા માર્ગે બેસાડ્યા છે. એમનો અખતરો સ્વતંત્ર હિંદમાં આદર્શ ગામ કેવું હોય, તેમાં ગ્રામોદ્યોગ કેવી રેતે કરવો વગેરે કાર્યો હવે કરવાના છે. ભાઈલાલભાઈએ આ કામ માથે લીધું છે. અને તેમને સાથ આપવા અહી આવ્યો છું. એમણે જે નગર ઊભું કરવા માંડ્યું છે તેની સાથે મારુ નામ જોડી દીધું છે. એટલે નગર જો ભુંડુ થશે તો મારૂ નામ પણ ભુંડુ થશે અને જો તે સારૂ થશે તો મારૂ નામ પણ સારૂ થશે. મારે આવ્યે જ છુટકો હતો.

Sardar Patel's Ideal Village

Sardar Patel, Shaheed Bhagatsingh, Sukhdev, and Rajguru

Sardar Patel, Shaheed Bhagat singh, Sukhdev, and Rajguru

કરાંચીની કોંગ્રેસની સભા ખુબ જ તંગ વાતાવરણમાં થઈ હતી, સરકાર સાથે કરવામાં આવેલ સમાધાનથી નવજુવાનિયાઓમાં ભારોભાર અસંતોષ હતો. સમાધાનની શરતો મુજબ જે લોકો જેલમાંથી છુટવા જોઈતા હતા તેવા બધા કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજી છુટ્યા નહોતા. તથા બંગાળ તથા બીજા કેટલાય પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓની અટકાયત કરવામાં આવેલી અને અમુક લોકોને નજરકેદમાં રાખેલ હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલ નહોતા પરંતુ રાજદ્વારી કેદીઓ તો હતા જ. અને સમાધાનમાં તેમને છોડાવવાની કોઈ જોગવાઈ થઈ શકી નહોતી, તથા નારજગીનું સૌથી મોટું કારણ તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેઓને પંજાબના એક અમલદારના ખૂન કરવા બદલ ૧૯૨૮ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થી હતી અને તેઓને ફાંસી ન આપવામાં આવે તેવી સૌ નવજુવાનિયાઓની માંગણી હતી. વાઈસરોય સાથેની ચર્ચામાં ગાંધીજીએ એમને ફાંસી ન આપવામાં આવે તે માટે વાઈસરોયને સમજાવવામાં કાંઈ બાકી નહોતુ રાખ્યુ, પરંતુ વાઈસરોય ફાંસી અટકાવવા તૈયાર જ નહોતા અને વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની હોવાથી ગાંધીજી સંધિની શરતોમાં એ મુકી શકતા નહોતા, વળી ભગતસિંહ પોતે એવો બહાદુર યુવાન હતો કે તેણે વાઈસરોયને દયાની અરજી કરવાની સાફ ના પાડી હતી અને કહ્યુ કે મે તો દેશની સ્વતંત્રતાની લડતમાટે એક શત્રુનું ખૂન કર્યુ છે, માટે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળી મારી દે, કે મને ફાંસીએ લટકાવે. ભગતસિંહે તો આવા બહાદુરી તથા હિમતવાળા વર્તનથી નવજુવાનિયાઓના હ્રદય જીતી લીધા હતા અને વાઈસરોયે ગાંધીજીને એટલુ જ કહ્યુ કે તમે ચાહતા હો તો કરાંચીની કોંગ્રેસ સભા પુરી થઈ જાય પછી ફાંસીની સજા દેવાય તેવી વ્યવ્સ્થા કરી શકું, પરંતુ ગાંધીજીએ વાઈસરોયને વિનંતિ કરી કે તમે નવજુવાનોના હ્રદય પર સારી અસર કરવાની એક તક ગુમાવી રહ્યા છો. પરંતુ તમારે એ કરવુ નથી આથી જો તમારે ફાંસી દેવાની જ હોય તો કરાંચીની સભા પહેલા જ આપો જેથી મારે અને સરદાર પટેલને નવજુવાનોનો રોષ વહોરવાનો હોય તે અમે વહોરીએ.


છેવટે કરાંચી અધિવેશન ના થોડા દિવસ પહેલા જ એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી અપાઈ, નવજુવાનો ખુબ જ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર પટેલ કરાંચી પહોચ્યા તે વખતે નવજુવાનોએ તેમની આગળ કાળા વાવટા અને કાળા ફુલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઈચ્છતા હતા. ગાંધીજી અને સરદાર પટેલે તેઓને રોક્યા નહી બલ્કે તેઓને સૌથી પહેલા બોલાવી તેમના રોષનો આદર કર્યો અને જણાવ્યુ કે તેઓને રોષ કરવાનો હક્ક છે. અને નવજુવાનોના દિલમાં રોષ ની સાથે સાથે સરદાર પટેલ તથા ગાંધીજી પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીઓનો ઉભરો તેમની આગળ ઠાલવવો હતો. અને જ્યારે ગાંધીજી તથા સરદાર પટેલે તેઓને રોષ પ્રગટ કરવાની પુરેપુરી તક આદર સાથે આપી ત્યારે નવજુવાનિયાઓ શરમાયા.

સરદાર પટેલનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટુંકુ હતુ, પોતાને કોંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા તે પોતાની નહી પરંતુ ગુજરાતની કદર કરવા માટે છે. સાથે સાથે તેમણે જે કહ્યુ તે દરેકે સમજવા જેવું છે.

“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સેવાની કદર કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યા તેની કદર કરવાને અર્થે છે, તે હુ સારી રીતે સમજુ છુ, ગુજરત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે બાકી સાચી વાતતો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષ્માં કોઈ પ્રાંતને બલિદાન આપવમાં કોઇ કચાશ રાખી નથી. દયાળુ પ્રભુ નો પાડ છે કે એ જાગૃતિ સાચી આત્મ શુધ્ધિની હતી.”
ભગતસિંહની ફાંસી વિષે બોલતા કહ્યુ : “નવજુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપધ્ધતિની સાથે મારે નિસ્બત નથી, બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવુ તેના કરતા દેશને માટે કરવુ એ ઓછું નિંદનીય છે તેમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિમ્મત અને બલિદાન આગળ મારૂ શિર ઝુકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતા સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનુ રાજતંત્ર કેટલુ હ્રદયશુન્ય છે એ પ્રગટ કરે છે.”

સંદર્ભ : સરદાર પટેલના ભાષણો - ભાગ ૨  


Bhagat singh, Sukhdev, Rajguru



Sardar Patel, Gandhiji and Aruna Asafali

Sardar Patel, Gandhiji and Aruna Asaf ali

સરદાર પટેલના વિરોધીઓ દ્વારા ફેલાવેલી ગેરસમજ બાબતે સરદાર પટેલે ગાંધીજીને તા. ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લખેલ એક મહત્વપુર્ણ પત્ર

અરુણા અસફઅલીએ એક એવી આગ લગાવી છે કે જેના કારણે ખુબ મોટો ભડકો થઈ ગયો છે. લગભગ બસો પચાસ લોકોને ગોળીઓ મારી મારી નંખાયા. એક હજારથી પણ વધારે લોકોને પકડી લેવામાં આવ્યા છે. પોલિસ પોતાને નિ:સહાય અનુભવી રહી છે અને એટલે જ તેમની જગ્યાએ સૈનિકોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. અચ્યુત પટવર્ધન અને તેમના સાથીઓએ અરુણા અસફઅલીને આગળ રાખ્યા છે. અરુણા અસફઅલીએ જવાહરલાલને તાર મોકલેલ છે અને સમાચાર પત્રો થકી પણ આ તાર જાહેર કરી દીધો છે અને એવો આડકતરો સંદેશો ફેલાવવાની કોશિષ કરવામાં આવેલ છે કે આ પરિસ્થિતિઓમાં ફક્ત જવાહરલાલ એક એવા નેતા છે કે જેઓ તેમની આગેવાની લઈ શકે છે. આવુ અરુણા અસફઅલીને મારા તરફથી સમર્થન ન મળ્યુ તેથી આમ તેઓએ કર્યુ છે.


Aruna Asaf Ali
Aruna Asaf Ali - अरुणा असफ अली - અરુણા અસફ અલી
જવાહરે મને તાર મોકલાવી મને પુછ્યું છે કે શું તેમની ઉપસ્થિતિ જરૂરી હશે અને આવી સ્થિતિમાં બીજા કામ પડતા મુકીને આવી જશે. મેં તેમને ન આવવાની સલાહ આપી છે. તેમ છતાં તેઓ અહીયાં આવી રહ્યા છે. તેમના જવાબી તારમાં મને જણાવ્યુ છે કે તેઓ બહુ બેચેની અનુભવી રહ્યા છે અને તેઓ કાલે બપોર પછી ૩ વાગે પહોચી જશે. એ આવે તે સારુ જ છે પરંતુ તેઓ અરુણા અસફઅલીના તારને કારણે આવે છે જેથી અરુણા અસફઅલી આગને ઔર હવા આપશે અને તેમના અવિવેકી અને ઉતાવળનો વિરોધ નહી કરીએ તો સ્થિતિ બદથી બદતર થઈ જશે. શહેરમાં દુકાનોની સાથે સાથે રાહદારીઓને પણ લુંટવામાં આવ્યા છે. સાર્વજનિક ઈમારતો, થોડા રેલ્વે ક્વાટર્સ અને એક રેલગાડીને આગ લગડવામાં આવી છે. અને આવી પરિસ્થિતિમાં સેનાને બોલાવવી પડે તો તેના માટે દોષ આપવો નિરર્થક છે.


આજે વાતાવરણ શાંત છે અને કાલથી શાંતિ બહાલ કરી શકાય તેમ છે. પરંતુ સેનાને જલ્દી પરત બોલાવી લેવાશે તેની સંભાવના બહુ ઓછી છે. આવા ઝેરી વાતાવરણમાં અંગ્રેજ અને અંગ્રેજી વેશભૂષાને નાપસંદ કરવાની સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓનો ભરપુર ઉપયોગ કર્યો જે ત્રાસદી સમાન છે. જલસેના અને વાયુસેનામાં હડતાલ થવાના કારણે આવા બનાવ બન્યા છે. તેઓ હવે એ સહન નથી કરી શકતા કે તેમના અંગ્રેજ સહકર્મીઓની તુલનામાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યુ છે. અને હવે તેઓ પોતાના અંગ્રેજ અધિકારીઓના હાથે અપમાનિત થવાનુ સહન કરી શક્તા નથી.

આપણું કામ કઠિન છે. તેઓ કોંગ્રેસના સમાજવાદીઓની સલાહ પર ધ્યાન નથી આપી રહ્યા. તેઓ તમારુ સન્માન ફક્ત એક સંતના રૂપે કરે છે. પરંતુ તેઓ વાસ્તવમાં તમને એક કંટાળાજનક નેતાના સ્વરુપે જોઈ રહ્યા છે. તેઓ સાર્વજનિક રુપમાં આપણી નિંદા કરતા કહે છે કે તેમનો રસ્તો નિષ્ફળ અને અવ્યવહારિક સાબિત થયો છે. આ વાત વિચાર કરવા જેવી છે કે આપણે આ સ્થિતિનો સામનો કેવી રીતે કરીશુ.



1 Aurangzeb Road - Delhi

1 Aurangzeb Road - Delhi (સરદાર પટેલ અને બનવારી લાલ)

કેન્દ્રિય ગૃહમંત્રી બન્યા તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પોતાની માલિકીનું કહી શકાય તેવું કોઈ ઘર ન તો દિલ્હીમાં હતું કે ન તો ગુજરાતમાં અમદાવાદ, બારડોલી અને કરમસદમાં હતું. દિલ્હીમાં તેઓ હંમેશા ઘનશ્યામદાસ બિરલાના મહેમાન તરીકે બિરલા હાઉસમાં જ રહેતા. સરદાર અમદાવાદમાં ક્યારેક પોતાના સ્વજન અને મિત્ર એવા ડો. કાનુગા તથા ક્યારેક દાદાસહેબ માવળંકરના બંગલે રહેવાનું પસંદ કરતા. અને કોઈ વાર સાબરમતી આશ્રમ કે પછી ગુજરાત વિદ્યાપીઠના ઓરડામાં પણ સરદાર મણીબેન સાથે પોતાના બે જોડી કપડાની સાથે પતરાની પેટી અને રેંટિયો મુકતા.

સરકાર સામે લડત સમયે બિરલા હાઉસમાં રહેવું અને સરકારને ખસેડી કાર્યભાર સંભાળી બિરલા હાઉસમાં રહેવું તે સાવ જુદી વાત હતી. સરકારી રાહે તત્કાલ કોઈ ઉચિત રહેઠાણ ફાળવી દેવાય એવી કોઈ ગોઠવણો હજી સુધી થઈ નહોતી. જેથી સરદાર ઊંડે ઊંડે મનમાં ગડમથલતો રહેતી. એવામાં બનવારીલાલ કે જેઓ મૂળ દિલ્હીના ઉદ્યોગપતિ, અને રાજકારણમાં પણ સક્રિય રસ લેતા હોવાથી કોંગ્રેસ સાથે એક અનેરો નાતો બંધાયો હતો. જેમાં મુખ્યત્વે સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સાથે ખુબજ મૈત્રીપુર્ણ વ્યવહાર બંધાયો હતો. વિઠ્ઠલભાઈ ધારાસભામાં સ્પીકર તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયથી વિઠ્ઠલભાઈ સાથે સાથે સરદારના સંપર્કમાં બનવારીલાલ આવ્યા. બનવારીલાલ વિઠ્ઠલભાઈ પ્રત્યે જેટલો સદ્ભાવ અને સન્માન ધરાવતા તેવીજ લાગણી તેમને સરદાર પટેલ માટે હતી. વિઠ્ઠલભાઈ જ્યારે પોતાની તબીબી સારવાર કરાવવા માટે જીનિવા ગયા ત્યારે પોતાનો અંગત સામાન, દસ્તાવેજો અને પુસ્તકો બનવારીલાલને જ સોંપતા ગયા.

સરદારની મુંઝવણ બનવારીલાલ સમજી ગયા હતા. અને તેમણે સરદારને તેમની મુંઝવણનો ઉકેલ એવી રીતે સુચવ્યો કે સરદાર લાગણી સભર થઈ ના ન કહી શક્યા.

બનવારીલાલે સરદારને કહ્યું કે : સરદાર ! બિરલા હાઉસમાંથી સરકારી તંત્રનો વહીવટ સંભાળવો એ બે નાવમાં એક સવારી કરવા જેવુ થશે.. આપને જો વાંધો ન હોય તો... “ આટલુ કહી બનવારીલાલ અટકી ગયા અને સરદારના પ્રતિભાવની રાહ જોતા રહ્યા..
સરદારે પુછ્યુ : તો શું બનવારીલાલ ? પેટછુટી વાત કરો..
બનવારીલાલે કહ્યુ કે : ઔરંગઝેબ રોડ ઉપર મારો બંગલો આપને બધી જ રીતે અનુકૂળ રહે તેવો છે અને બીજી વધુ સારી વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી આપ આ બંગલામાં રહો.”
અને આ રીતે ૧ ઔરંગઝેબ તરીકે ઓળખાતો આ બંગલો સરદારનું નવું નિવાસસ્થાન બન્યો. જ્યારે સરદાર સાહેબના પુત્રી શ્રી મણીબેન પટેલ રહેઠાણ બદલતા પહેલાં થોડા અંગત સામાન સાથે બંગલો જોવા આવ્યા ત્યારે બંગલાના ચોકીદારો જ્યારે સફેદ સાળી પહેરેલ, પતરાની બે પેટી, બે ત્રણ ડબ્બા અને થોડીઘણી ચીજવસ્તુઓ સાથે મણીબેન મોટરમાંથી ઉતર્યા ત્યારે તેમને જોતા જ રહી ગયા. સરદાર જેવ મહાપુરુષનો સરસામાન આ રીતે લાવે અને દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાનનો આવો અને આટલો જ સામાનની તો તેમને કલ્પના જ નહોતી.

બીજા દિવસે સરદાર જ્યારે અહી રહેવા આવ્યા ત્યારે બંગલાની વિશાળતા જોઈ સરદારે મણીબેનને કહ્યુ કે: મણીબેન ! આટલા બધા ઓરડાઓની જો તમે સારસંભાળ લેવા જશો તો મારુ કામ ક્યારે કરશો? આ સાંભળી મણીબેન હસ્યા અને કહ્યુ: બાપુ મારે તમારુ કામ કરવા માટે ઓરડા જોઈએ છે. ઓરડા સંભાળવા માટે આપણે અહીયા નથી આવ્યા.. એમ કહી તેઓ સરદાર સાહેબના કાર્યક્રમ વિશે જાણકારી આપવા લાગ્યા.

© all rights reserved
SardarPatel.in