વિઠ્ઠલભાઈ પટેલ - Vithalbhai Patel | Vithalbhai Patel, Sardar Patel

વિઠ્ઠલભાઈ પટેલ - Vithalbhai Patel

0

વિઠ્ઠલભાઈ પટેલ 

જન્મદિવસ : 27-09-1873

ભારતની વડી ધારાસભાના સૌ પ્રથમ ચુંટાયેલ પ્રમુખ તરીકે ધારાસભાની કાર્યવાહી પર ન્યાયાધીશની હેસિયતથી બિરાજમાન થવું એ એક પ્રકારની ઐતિહાસિક ઘટના છે. કોઇને પણ સભાગૃહમાં નિવેદન કરવું હોય, કે કોઇ પણ પ્રવૃત્તિ કરવી હોય તે માટે સ્પીકરની મંજુરી આવશ્યક હોય છે. આથી જ પ્રમુખશ્રીની કૃપાદ્રષ્ટિ માટે સૌ કોઈ મથે. 

માનપાન વાળી લાગતી પ્રમુખ પદની ખુરશી એક બાણશય્યા જેવી છે જે પદ ધારણ કરે તેને કષ્ટો, કટોકટી અને સંકટો ભેટ સ્વરુપે મળે છે. સભ્યને અનુરુપ પ્રમુખ વ્યવસ્થા ગોઠવે તો બધા જ સભ્યો ખુશ ખુશાલ બાકી તો રોષવર્ષા સાથે જ કામ કરવા પડે. એવામાં વિઠ્ઠલભાઈ પટેલ જેવી ઉગ્ર રાષ્ટ્રવાદી અને તટસ્થ વ્યક્તિ પ્રમુખ પદે હોય તો સંખ્યાબંધ ગેરસમજો, અનર્થો, રોષ નો ભોગ બનવુ પડે.

તે સમયે રાષ્ટ્રવાદી પક્ષના ઉગ્ર અહમ ધરાવતા સભ્ય જીન્નાને બજેટની ચર્ચા સમયે એવું આવ્યું કે ૨૮મી કલમની ચર્ચા જ સૌ પ્રથમ હાથ ધરવી. એવામાં ધારાસભાકીય રીત મુજબ અનુક્રમે કલમની ચર્ચા બજેટમાં થાય પ્રંતુ સભાગૃહની સ્પષ્ટ સંમતિ મળે તો જ એ ક્રમમાં ફેરફાર થાય. જીન્નાને લાગ્યું કે પ્રમુખે તેમની વિનંતી તથા પોતાના વ્યક્તિત્વને ધ્યાનમાં લઈ મંજુરી આપવી, પરંતુ ઉત્તમ લોકશાહી પ્રણાલી પાડવા મથતા સ્પીકરે જીન્નાની વાતનો અસ્વીકાર કર્યો અને આથી પ્રમુખ સામે જીન્ના રોષે ભરાયા. 

આવો જ એક કિસ્સામાં પોતાના જ સ્વરાજ પક્ષના નેતા શ્રી મોતીલાલ નહેરુનો ખોફ પણ એમણે વહોરી લીધેલો, સ્પીકર તરીકે ચુંટાયા એટલે એમને કરવેરા જતાં માસિક રુ. ૩,૬૨૫નો પગાર મળતો થયો વિઠ્ઠલભાઈ પટેલ જે સાદા અને નિ:સંતાન વિધુરને આટલી મોટી પગારની રકમનું શુ કરવું એમ પ્રથમ નજરે લાગે આથી નેતા શ્રી મોતીલાલ નહેરુની ઈચ્છા હતી કે વિઠ્ઠલભાઈ પોતાના પગરનો અર્ધો હિસ્સો પક્ષના ફંડમાં આપે. વિઠ્ઠલભાઈ એ જે પળે પ્રમુખપદ સ્વીકાર્યું તે જ પળે, મન સાથે જ નિશ્ચય કરેલ કે પક્ષની વિચારસરણીને પોતે વરેલા ખરા, ભારતના સ્વાતંત્ર્યના સેનાની પણ પોતે અચૂક, પણ પક્ષ તરીકે કોઈ પક્ષ સાથે, કોઈ સંબંધ ચિન્હ ટકાવવા નહી. આથી જ તેઓએ પક્ષના સભ્યપદે થી મુક્ત થયા, આવી પરિસ્થિતિમાં તેઓ પોતે ફાળો કેવી રીતે આપી શકે તે સવાલ સ્વાભાવિક પેદા થયો. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ નું દિલ્હીનું ઘર એટલે સરોજીની નાયડુંથી માંડી મહાદેવભાઈ દેસાઈ જેવા કેટલાય રાષ્ટ્રીય કાર્યકરોનું વિરામ સ્થળ. બહોળી મહેમાન ગતિ અને વિશાળ નિવાસસ્થાન જે ૨૦, અકબર રોડ, દિલ્હીમાં આવેલ જ્યાં આજે લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાનું નિવાસસ્થાન છે. 

આ નિવાસસ્થાનમાં શરુઆતમાં વિઠ્ઠલભાઈને સારી એવી રકમ રાચરચીલામાં ખર્ચવી પડી હતી અને છ માસને અંતે એમને સમજાયુ કે માળી, નોકરોના મોટા કાફલા અને પોતાના મોભાને યોગ્ય સામાજિક ખાણી પીણીને નિભાવવા, માસિક બે હજાર જોઈએ. એટલે બાકીના માસિક રૂ. ૧૬૨૫ એમણે મહાત્મા ગાંધીને મોકલી આપ્યા. એમને ઈચ્છા થાય તે રીતે જનકલ્યાણની પ્રવૃત્તિમાં વાપરવા માટે અને આ વાત મોતીલાલ નહેરૂને પસંદ નહોતી અને આથી જ તેમણે આ રકમ પર પક્ષનો દાવો પોતાના રોષ સાથે કર્યો. અને આ તરફ મહાત્મા ગાંધીજી એ આ રકમ કેટલાય સમય સુધી વાપરી નહોતી આ કારણે પણ મોતીલાલ નહેરૂનો રોષ યથાવત રહ્યો. પરંતુ સમયાંતરે ગાંધીજીએ મોતીલાલ નહેરૂની સંમતિથી આ રકમ રાષ્ટ્રહિતમાં વાપરી અને પ્રતિમાસ વિઠ્ઠલભાઈ રૂ. ૧૬૨૫ ગાંધીજીને મોકલાવતા રહ્યા. 

પ્રમુખ તરીકે સ્વતંત્ર કામગીરી બજાવવામાં વિઠ્ઠલભાઈને નડતી સૌથી મોટી મર્યાદા એ હતી કે એમનો મંત્રી અને કર્મચારી વર્ગ સરકારી કાયદાખાતાના નોકરો હતા અને ખાતાના સીધા કાબૂ હેઠળ હતા પરિણામે સ્વતંત્ર સલાહ કે પ્રમુખની ઈચ્છા મુજબ કામ કારગત નિવડે નહી આવી લાચારીભરી સ્થિતિ તે સમયે પ્રવર્તતિ હતી. વિઠ્ઠલભાઈએ ધારાસભાના સ્વતંત્ર ખાતા કાયદાકીય વિભાગ માટે હિલચાલ શરૂ કરી, તેઓ સારી રીતે સમજતા હતા કે પોલાદી સનદી ચોકઠું એમ સીધી રીતે નમતુ નહી જોખે અને ધારાસભા પરનો પોતાનો કાબૂ ઢીલો કરવા સંમત નહી થાય. 

તેમ છતાં વિઠ્ઠલભાઈએ પ્રાંતીય ધારાસભાના પ્રમુખોની પરિષદમાં આવા આપનિર્ભર ખાતા માટે ઠરાવ કરાવી સરકારને મોકલી આપ્યો, પણ એ બહેરા કાનના બ્રિટિશ અમલદારો એમ સાંભળે તેમ નહોતા, આખું વર્ષ આમને આમ પસાર થયું પરિણામે વિઠ્ઠલભાઈએ સરકારને યાદ કરાવ્યુ ત્યારે જે જવાબ આવ્યો તે નોકરશાહીની રીત રસમ મુજબનો હતો, પરિણામે વિઠ્ઠલભાઈએ સમયની તક જોઈ ધારાસભામાં આ અંગે નિવેદન કરી જણાવ્યું કે પ્રમુખ તરીકે પોતે ધારાસભાની ઈચ્છાને માન આપવાની લાગણી ધરાવે છે, અને સભ્યોને શક્ય તેટલી સગવડ આપવા માંગે છે, છતા યોગ્ય વહીવટી જોગવાઈઓની ઉણપને કારણે સભ્યોને ભોગવવી પડતી હોય છે, અને આ અંગેની ધારાસભાની ઈચ્છા પ્રદર્શિત કરવા અનુરોધ કર્યો. 

આ બાબતે સંખ્યાબંધ સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા પણ ગૃહપ્રધાને આ અંગે નિવેદન કરવાની બાંહેધરી આપી એટલે વિઠ્ઠલભાઈએ ખામોશની વિનંતી કરી. ગૃહપ્રધાનના એ નિવેદન ધારાસભાના મંત્રીનો સભ્યપદનો અધિકાર રદ્દ કરવા સિવાય અન્ય કોઈ સૂચનનો સ્વીકાર થયો નહોતો. આવી અસમાધાનકારાક વલણના સ્ફટિક ઉપાય તરીકે વિઠ્ઠલભાઈએ સુચવ્યુ કે ગૃહપ્રધાને વિરોધપક્ષના નેતાઓ સાથે આ અંગે સલાહ કરવી સારી રહેશે. એમનું આ બુધ્ધી ભર્યુ સુચન નો સ્વીકાર થયો. એ સલાહ થકી એક સર્વમાન્ય તોડ નિકળ્યો કે નીતિવિધાયક નિવેદન સર્વાનુમતે ધારાસભાએ સ્વીકાર્યુ, એટલે વિઠ્ઠલભાઈના હાથ મજબૂત થયા. વિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં નોકરશાહીએ ફરી પાછી પોતાની પકડ મજબૂત કરવાના પ્રયત્નો કર્યા આથી વિઠ્ઠલભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં વાઈસરોયને પત્ર દ્વારા જણાવ્યુ કે પોતાની પાસે એક માત્ર, ઉત્તમ અને માનભર્યો માર્ગ રાજીનામું આપવા સિવાય કોઈ નથી અને આ થકી ધારાસભાને જણાવાવનું છે કે એ એમના પ્રત્યે અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરે. અને આ પત્ર એક શસ્ત્રને જેમ કારગત નિવડયુ અને આખરે નોકરશાહી એ નમતુ જોખવુ પડ્યુ અને અંતે વિઠ્ઠલભાઈનો વિજય  થયો.

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in