સરદાર પટેલે મોડાસામાં આપેલ ભાષણ ૨૯-૦૩-૧૯૨૧ | Vithalbhai Patel, Sardar Patel

સરદાર પટેલે મોડાસામાં આપેલ ભાષણ ૨૯-૦૩-૧૯૨૧

સરદાર પટેલે મોડાસામાં આપેલ ભાષણ ૨૯-૦૩-૧૯૨૧
0

આપણી અધમ દશા 

સરદાર પટેલે મોડાસામાં આપેલ ભાષણ ૨૯-૦૩-૧૯૨૧

આ દશા ક્યારે થઈ તે વિચારવું જોઈએ. પહેલાં હિંદુસ્તાનમાં એટલી બધી લક્ષ્મી હતી કે તેની ખ્યાતી સાંભળી દુરથી માણસો આવતા. જ્યારે આપણે આગળપડતા હતા, ત્યારે અત્યારના રાજ્ય કરનારા જંગલી હતા. તેઓ અહી વેપાર કરવા આવ્યા અને આપણામાં કુસંપનો લાભ લઈ રાજ્યકર્તા થઈ ગયા. તેમણે વારાફરતી બેમાંથી એકનો પક્ષ લીધો.

આપણે વિચારવું જોઈએ કે આપણી પર રાજ્ય કોણ કરે છે? કરોડો રૂપિયા આવકવેરા તથા મહેસુલમાં આપીએ છીએ, તે ક્યાં જાય છે? અને તેનો શો ઉપયોગ થાય છે? આપણે કોઈની પાસે સો રૂપિયા માગીએ, તો પચાસ ગાઉ ટાપુ ખાઈ દોડીએ. પણ કરોડો રૂપિયા પરદેશ જાય, તેનો વિચાર પણ કરતા નથી. એક વખત એવો હતો કે ક્ષત્રી લોકો ધર્મનું રક્ષણ કરતા. અત્યારે હિંદ વિધવા બાઈ જેવું છે. કોઈ લુંટફાટ કરવા હથિયાર રાખે છે, બાકી તમામ પ્રજા નિરાધાર છે. કરોડો રૂપિયા લુંટાઈ જાય છે, તેની સામે કોઈ થઈ શકતું નથી.

અત્યાર સુધીતો એમ મનાતું કે સરકાર આપણું રક્ષણ કરે છે. તે રામરાજ્ય છે, જેમાં વાઘ બકરી એક આરે પાણી પીએ છે. જ્યારથી પરદેશી રાજ્ય થયુ ત્યારથી સુખ મળ્યુ. જાણે કે તે પહેલાતો અહી બધી અંધાધુંધી જ હતી!

આજ સુધી અમારા મુસલમાન ભાઈઓના મનમાં એક વાત ઠસી ગઈ હતી કે, હિંદમાં વધારે સંખ્યા હિંદુઓની છે. માટે અંગ્રેજ સરકાર હોય તો આપણે આપણો હક સાચવી શકીએ. તે મુસલમાનને પહેલવહેલી ખાતરી થઈ કે હિંદુઓની દોસ્તી હોય તો અમારો ધર્મ સચવાય. આ લડતને પરિણામે જેટલા જેટલા પ્રપંચ હતા તે ખુલ્લા થયા. 

સરકાર હિંદમાં ચારે તરફથી માયા નાખી પડેલી છે. જો આપણે આપણી સ્ત્રીઓનું રક્ષણ કરવું હોય, જો દેશની ઈજ્જત સાચવવી હોય, તો આપણું રાજ્ય જોઈએ. આપણે કોઈ પારકા પર રાજ્ય કરવું નથી, પણ જેમ ફ્રેંચ લોકો ફ્રાંસમાં રાજ્ય કરે છે, જર્મન લોકો જર્મનીમાં, ઈટાલીના લોકો ઈટાલીમાં, તેમ હિંદના લોકો હિંદમાં રાજ્ય કરે, એટલુ જ આપણે જોઈએ છીએ. આજે તો હિંદનો કોઈ પણ માણસ-હિંદુ કે મુસલમાન આખા જગતમાં માન સાથે પગ મુકી શકે તેમ નથી. 

સૌજન્ય : સરદાર પટેલના ભાષણો

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in