સરદાર પટેલે રોલેટ સત્યાગ્રહ વખતે આપેલ ભાષણ

Rowlatt Satyagraha - રોલેટ સત્યાગ્રહ

સરદાર પટેલે રોલેટ સત્યાગ્રહ વખતે આપેલ ભાષણ


તા ૨૩/૦૨/૧૯૧૯ના રોજ રોલેટ બિલ સામે વાંધો દર્શાવવા મળેલી અમદાવાદના વેપારીઓની જાહેરસભા સમક્ષ આપેલ ભાષણ સાચે દરેક વેપારીઓએ જાણવા અને સમજવા જેવુ છે. 

અમદાવાદમાં વેપારીઓની આવી મીટિંગ પહેલવહેલી જ છે. અને ગુજરાતના વાણિયાઓને પણ મીટિંગ ભરવાનો વખત આવ્યો છે તે વખત બદલાયાનું ચિન્હ છે. જ્યારે યુદ્ધ ચાલતુ હતુ ત્યારે આપણને સરકાર તરફથી એમ કહેવામાં આવ્યું હતુ કે તમે મદદ કરો અને તમને સ્વતંત્રતાના માર્ગે ચડાવીશું. હિંદી પ્રધાન અહી આવ્ય ત્યારે આપણે ગુજરાત તરફથી એક અરજી પણ મોકલી હતી. પછી હિંદી પ્રધાને સુધારાની યોજના ઘડી અને તે યોજનામાં સુધારા થવા માટે મીટિંગો પણ થઈ. હવે લડાઈ પુરી થઈ, છતાં તે યોજના હજુ લટકે છે. સુધારાને બદલે હિંદને સેવાને બદલે રોલેટ કમિટીના બિલો મળ્યા. આવા કાયદા કોઈ પણ રાજ્યમાં નથી. આપણા આગેવાનોમાં મતભેદ હતા છતાં તેમણે પણ એકે અવાજે કાઉંસિલમાં જણાવી દીધું કે બિલ મુલતવી રાખો. સરકાર તો કહે છે કે અમે બહુ જ વિચારીને બિલ ઘડ્યાં છે અને તેની જવાબદારી અમારે શિર છે. એક સરકરી સભાસદે કાઉંસિલમાં એમ જણાવ્યું હતુ કે ચળવળ તો પ્રજાના આગેવાનો જેવી કરવા ધારશે તેવી થશે. વાત ખરી છે અને થશે પણ એમ જ. મામલો એવો જ છે. ગુજરાતમાં અમદાવાદના વણિકો આવી હિલચાલ કરે તે તેનું પહેલુ જ ચિન્હ છે. કોઈ પુછશે કે આ બિલથી વેપારીઓને નુક્સાન શું? પહલા તો આ બિલથી કોઈ જાતની રાજકીય હિલચાલ થશે નહી. પછી સુધારાઓ અપાય કે ન અપાય તે બન્ને નકામું છે.  સરકાર જેને રાજદ્રોહી ગણે એવુ લખાણ આપણી પાસે ગમે તે રીતે આવ્યું હોય તો પણ પોલીસ આપણને પકડી લઈ જઈ શકે. તે લખાણ બીજા કોઇ રાજદ્રોહના કાર્ય માટે વાપરવાનું નહોતુ તેવું આપણે સાબિત કરીએ તો પણ આપણને સજા થાય અને તે ઉપર અપીલ કરી શકાય નહી. એક સભાસદે એમ કહ્યુ કે અપીલ તો ઈંગ્લેંડમાં પણ નથી. પરંતુ ત્યા બે જુરી છે. પહેલા બાર જણની જુરી આગળ ગુનો સાબિત થાય તો પછી નવ જણની જુરી આગળ કામ ચાલે અને તેમાં બધા એકમતે ગુનેગાર ઠરાવે તોજ સજા થાય. હિંદમાં તો નથી જુરી કે નથી એસેસરો. 

આ કાયદાની વિરુધ્ધમાં પ્રજાના બધા સભાસદો છે છતાં સરકાર તે પાસ કરવા કહે છે અને તેમને તે પ્રજાના પ્રતિનિધિ ગણતી નથી. પરંતુ જ્યરે લડાઈ માટે ૬૭.૫ કરોડ રૂપિયાની રકમ લેવાની વાત હતી ત્યારે એજ સભાસદોને પ્રજાના આગેવાનો ગણીને રૂપિયા વિષે ઠરાવ કરવાનું તેમને માથે નાખ્યું હતું. કાયદાનો ખરડો સિલેક્ટ કમિટીમાં પડ્યો છે અને તેમા થોડો ફેરફાર થશે પરંતુ ખરડાનો મુખ્ય હેતુ તો કાયમ જ રહેશે. માટે આપણે આ સભા વાજબી જ બોલાવી છે અને સરકારી સભાસદે કહ્યુ છે તેમ આગેવાનોએ ચળવળ કરવાની જરૂર છે.

પ્રજ્ઞાબંધુ ૦૨-૦૩-૧૯૧૯

સરદાર પટેલે કરમસદમાં તા. ૬ઠી એપ્રિલ ૧૯૪૭ના રોજ આપેલ ભાષણ

કરમસદમાં માનપત્ર

(તા. ૬ઠી એપ્રિલ ૧૯૪૭ સવારે સાડા આઠે મંદ મંદ શીતળ પવન લહેરાય અને એક તરફ બ્રિટીશ સરકારથી ભારતને મળવાની આઝાદીને ખુશી વાતાવરણને ખુબજ ઉત્સાહિત બનાવી દીધેલ. કરમસદ ગામમાં આવેલી કન્યાશાળાનું ઉદ્દ્ઘાટન સમયે વાતાવરણ પ્રફુલ્લિત અને લાગણી સભર હતું, કન્યાના ભણતર માટે એક શાળા અને તેનુ ઉદ્દ્ઘાટન કરમસદના પનોતા પુત્ર સરદાર સાહેબના હસ્તે થાય ત્યારે સમજી શકાય કે ગામના લોકોની લાગણી. અને એટલેજ સરદાર સાહેબે કહ્યુ હતું કે કરમસદ ગામનો પ્રેમ મેળવવો કઠણ છે અને જેણે આ પ્રેમ મેળવ્યો તે ભાગ્યશાળી છે.) 

મારે માથે ત્રણ કામ હતાં એ પુરા કરવા હું દિલ્હીથી ગુજરાતમાં આવ્યો છું. મારે માથે એક પ્રકારનું ઋણ હતું ને એ દેવું પુરું નહી કરુ તો મારી સદ્દ્ગતિ નહી થાય એમ મને લાગતું હતું.

એમાં મુખ્ય તો ભાઈલાલભાઈને સવા વરસથી જંગલમાં બેસાડ્યા હતા, એને કંઈ પ્રોત્સાહન ન આપી શકું, એ જોઈ પણ ન શકું એથી વારંવાર મને ઊંઘ પણ આવતી નહોતી. બીજુ દેવું આણંદમાં ખેતીવાડીની સંસ્થા છે તેનું છે. જેલમાં જતા પહેલા એ સંસ્થા કાઢી હતી. એના ખર્ચ માટેના પૈસા સરકાર પાસે અપાવ્યા હતા. ત્યાં ડોક્ટર મગનભાઈને બેસાડ્યા છે. ભાઈલાલભાઈ અને મગનભાઈનું કામ જુદી જાતનું છે. ચાલતી આવેલી રૂઢિમાં થોડો ફેર કરવાનું છે. ત્રીજું કામ મારો એક સ્વયંસેવક આશાભાઈ રાસમાં બેઠો છે તેનું હતુ. એણે ખુબ સહન કર્યુ છે. એમાં હું ફાળો તો ન આપી શક્યો, પણ રાસે જે સ્મારક કર્યુ છે તે રાજી થવા જેવું છે. 

તમારા ગામમાં એક ભાઈ શહીદ થયા. એવા તો ઘણા ભાઈ શહીદ થયા. એનું ફળ તો હવે આવ્યું છે. અંગ્રેજ જવાના છે. સ્વતંત્ર તો થવાના છીએ પણ પછી ગુલામીને યાદ ન કરીએ એ જોવાનું છે. સ્વતંત્ર હિંદુસ્તાન વધારે સુખી થાય, દુનિયાને શાંતિનો સંદેશો આપે તો સ્વતંત્ર થયેલું સાર્થક છે. મને ખેડુતોમાં રખડવાનું મન તો ખુબ છે પણ શરીર ચાલતું નથી. અમદાવાદ આવ્યો અને જીવાભાઈ મળ્યા. એ મારા બાળસ્નેહી. એમને કેમ કરી ના પડી શકું? એમણે ગામના પ્રેમની વાત કહી. દુનિયાનો પ્રેમ સંપાદન કરી શકાય પણ ગામના લોકોનો, તેમાં વળી કરમસદ ગામના લોકોનો પ્રેમ સંપાદન કરવો કઠણ છે. સંપાદન કરી શકે એ ભાગ્યશાળી છે. બાકી મેં તો ગામનું કાંઈ કર્યુ નથી.

ગાંધીજી આવ્યા ત્યારથી એમના સહવાસથી મે મારું જીવન બદલી નાખ્યું છે. ગાંધીજી સાથે અહીં આવી ગયો છું. તમારી બહાદુરીની તારીફ બીજાતો કરે. હું તો ગામનો એટલે સાંભળીને ફુલાઉં એમ નથી. 

આપણી આસપાસ ગુલામીના જે મેલ ચઢ્યા છે એ કાઢવાના છે. સ્વતંત્ર થયા પછી પણ ગુલામીની દુર્ગંધ આવે તો સ્વતંત્રતાની સુવાસ નહીં ફેલાય. હું અહી ભણતો હતો ત્યારે ઓટલા પર પંડ્યા સોટી લઈ ભણાવતા. પણ હવે તો જમાનો જુદો આવ્યો છે.

આજે જે માણસ જાતમહેનત પર આધાર નહીં રાખે તે ભાંગી પડવાના છે. અંગ્રેજોએ આજ સુધી પોતાના સ્વાર્થ ખાતર કેટલાક લોકોના કાયમ હક સાચવી રાખ્યા હતા. જવાબદાર રાજાઓ, મોટા મોટા કારખાનાવાળા, એમને અંગ્રેજના રાજ્યની ઓથ હતી એ ચાલી ગઈ. અંગ્રેજોએ પોતાના સ્વાર્થ ખાતર આપણી એબને પાળીપોષી કાયમ રાખી. નાતમાં અનેક જાતના વાડા થયા. એક બ્રાહ્મણની કોમને ચોર્યાશી જાત. કુવાના દેડકાને કુવાનું અભિમાન, એને મહાસાગરની ગમ નથી. એ કંઈ હિંદુ ધર્મની સંસ્ક્રુતિ નથી. કાલે જ બોચાસણથી આવ્યો. ત્યાના મહારાજ મારી પાસે આવ્યા અને કહે છે કે મંદિરમાં આવો. તમારા કુટુંબનો તો મંદિર સાથે જુનો સંબંધ છે. પણ સાથે સાથે કહે કે એમાં હરિજનને દાખલ કરવાની અમારી હિંમત નથી ચાલતી. 

બીજાઓ આપણી એબ ખોતરી ખોતરીને જુએ છે અને બહાર દેખાડે છે. આપણે અહી હિંદુમુસલમાન જાનવરથી પણ ભુંડી રીતે રહેતા હોઈએ, સ્ત્રીઓની મર્યાદા પણ ન રાખતા હોઈએ, લડી મરતા હોઈએ, એ આપણી શરમ છે. એને લીધે બહાર આપણી નાલેશી થાય છે. પણ તમારે સમજવું જોઈએ, કે એ તો જુના રાજ્યનો વારસો મળ્યો છે. એને સાફ કરી સુધારવાનું છે. એટલે તુરતાતુરત ફાયદો ન દેખાય અંગ્રેજો ગયા તે માટે આપણે શુ કર્યુ છે? જુવારના ખેતરમાં જઈ ખેડુત તાળી પાડે તેમ આપણે વાટાઘાટ કરી તેમને ભગાડ્યા છે. સ્વતંત્ર દેશોએ સ્વતંત્રતા મેળવવા માટે જે ભારે ભોગો આપ્યા છે તેના પ્રમાણમાં આપણે ઓછા ભોગ આપ્યા છે અને ઓછા દુ:ખ સહન કર્યા છે.

ગાંધીજીએ તો પહેલેથી રચનાત્મક કાર્યની વાત કરી હતી. (રચનાત્મક કાર્યની ચાર દિવાલો - અસ્પ્રુશ્યતાનિવારણ, હિંદુમુસલમાન એકતા, ખાદી અને રાષ્ટ્રીયા કેળવણી)

લાલ વાવટાવાળા અહીં બારૈયા લોકોમાં પેઠા છે. એમની સાથે એમનો રોટલો ખાય છે અને એમને ઉશ્કેરે છે. હું કહું છું કે અહીં કોઈ મિલો નથી ચાલતી કે હડતાળ પડાવશો તો એ અટકી પડશે. પણ તમારે આમાથી ચેતવા જેવુ છે. પડોશીને ભુખ્યો ન રખાય. અને જમીનના પ્રમાણમાં વસ્તી વધી ગઈ છે તેનો એલાજ તો એ છે કે કેટલાકે બહાર નીકળવાનું સાહસ કરવું જોઈએ. તમારે સમજવું જોઈએ કે જે સાહસી હશે એજ જીવી શકશે. અને બહાર પણ ઈજ્જ્ત સાથે રહેવું જોઈએ. 

ગાંધીજી આફ્રિકા ગયા ત્યારે જોયું કે ફુટપાથ પર હિંદીને ચાલવા નથી દેતા, ટ્રેનમાં સાથે બેસવા નથી દેતા. લગ્નવિધિ પણ આપણો કબુલ નહોતા રાખતા. ગાંધીજી ત્યા લડ્યા અને એમને લાગ્યું કે પ્રથમ હિંદુસ્તાન સ્વતંત્ર કરવું જોઈએ.

હવે હિંદ સ્વતંત્ર થવાનું છે. તેની આબરૂ અત્યારથી વધી છે. સૌ પોતાના દેશનો એલચી આપણે ત્યા મોકલવા માગે છે. તેવે વખતે આપણે અંદરની પોલ કાઢી નાખવી જોઈએ.

આ કન્યાશાળાનું મકાન તમે મારી પાસે ખોલાવ્યું એમા સૌ બાળાને સાચી કેળવણી મળવી જોઈએ. આજની કેળવણી એવી છે કે કેળવણી લીધેલાને કામ કરતા શરમ આવે છે. એ સાચી કેળવણી નથી. આપણી કન્યાઓને સાચી કેળવણી આપીશું તો આપણા સમાજમાંથી કેટલાક કુરિવાજો, જે આપણને આગળ વધવા દેતા નથી તે કાઢી નાખવાનું સહેલું પડશે.

અમે મોટા ગામના છીએ એવુ મિથ્યાભિમાન, અમે ઊંચા કુળના છીએ એવુ મિથ્યાભિમાન, આપણે છોડવુ જોઈએ. ગુલામોને વળી કુળ કેવં? જેમણે સરકારની ખુશામત કરેલી, પોતાના સમાજનું નુકસાન કરીને સરકારને (અંગ્રેજોને) મદદ કરેલી એમને દેસાઈગીરીઓ મળેલી. એનુ અભિમાન શું? ખરાં કુળ તો હવે રચવાનાં છે. આપણી સ્ત્રીઓ પ્રત્યેનો આપણો વ્યવહાર પણ બદલવો જોઈશે. આપણી સ્ત્રીઓ આપણી સાથે ચાલી શકે એવી થવી જોઈએ. જુવાનિયાઓ હજી પણ આશા રાખે કે સ્ત્રી દાગીના લઈને આવે, ખાવાનું લઈને આવે, તો એ બધું ભુલી જાઓ. જે સેવા કરે અને જે ચરિત્રવાન હોય એજ સાચા કુળવાન છે.

તમારા પ્રેમ માટે આભાર માનું છુ.

Vande Mataram

Vande Mataram

જનતાના સરદાર

જનતાના સરદાર

સરદાર વલ્લભભાઈ પટેલની અંત્યેષ્ટીક્રિયા દ્રઢતાપુર્વક મુંબઈમાં જ "જનતાની સ્મશાનભુમિ" સોનાપુર ખાતે કરી શ્રી ડાહ્યાભાઈ અને શ્રી મણીબેન પટેલે તેમના મ્રુત્યુને પણ ઉજાળ્યુ છે.

વર્ધા
૨૧-૧૨-૧૯૫૦
કિશોરલાલ મશરુવાલા
ગાંધીજીના અંતેવાસી

સૌજન્ય 
શ્રી ઉદયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ
નવાં ધરાં, વસો - ૩૮૭૩૮૦




સરદાર : વડાપ્રધાન હોત તો?

સરદાર : વડાપ્રધાન હોત તો?

સ્વરાજના આરંભે અમે ભુલ ન કરી હોત તો ભારતનો ઈતિહાસ તદ્દન જુદો જ હોત. જવાહરલાલ નહેરૂ વિદેશ પ્રધાન અને વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન બનાવ્યા હોત તો ભારતની પ્રતિભા અને પ્રભા સહેજ પણ ઝંખવાઈ ન હોત.

"સ્વરાજ"
૨૭ નવેમ્બર ૧૯૭૧
ચક્રવતી રાજગોપાલાચારી ૧૯૪૭
પ્રથમ ગવર્નર જનરલ

સૌજન્ય
શ્રી અનિલભાઈ શેઠ
બી-૧, સ્ટેટસ એપાર્ટ્મેંટ,
સરદાર સમાજ સેવા હોલ પાસે,
નવરંગ પુરા - અમદાવાદ - ૩૮૦૦૦૯

યોગેશ્વર અને ધનુર્ધર

યોગેશ્વર અને ધનુર્ધર

બાપુ અને સરદાર એટલે આધુનિક ભારતમાં જન્મેલી શ્રી ક્રુષ્ણ અને અર્જુનની જોડી. ભારતની સ્વતંત્રતાનો યશ તેમને ઘટે છે. બન્નેએ જનસેવામાં જ ઈશ્વરનાં દર્શન માન્યાં અને કર્યા, અથાગ કષ્ટ વેઠ્યા, ત્યાગ કર્યો અને તપશ્ચર્યાથી લોકહ્રદયમાં તેમનું સ્થાન કાયમ થયુ.

૧૩-૦૧-૧૯૫૧
ગણેશ વાસુદેવ માવલંકર
પ્રમુખ, વડી ધારાસભા (૧૯૪૬)
સૌજન્ય
શ્રી પિનાકીન શનાભાઈ પટેલ
સરદારશ્રીના જન્મસ્થાન સ્મારકના પ્રથમ વિદ્યાર્થી
૧૯૬૫ - ૬૬ થી ૧૯૬૯-૭૦
ઉતરસંડા : હાલ અમેરીકા

નીડર સેનાની - સફળ સુકાની

નીડર સેનાની - સફળ સુકાની

સરદાર, કોંગ્રેસમાં એક એવા પુરૂષ હતા જેમણે સત્યાગ્રહની લડતો સફળપણે ચલાવી વિજય મેળવવાનું શ્રેય મળ્યુ છે. તેમાં સૌથી મહત્વનો આગળ તરી આવતો બારડોલી સત્યાગ્રહ હતો. તેમની સફળતાનાં કારણોમાં સંગઠનશક્તિ, સાથીઓમાં સંપૂર્ણ વિશ્વાસ, અત્યંત નિ:સ્વાર્થતા અને નિર્ભયતા અને સૌથી મહત્વનું અતિ વિરૂધ્ધ અને કઠિન સંજોગોમાંય ન ડગે તેવાં તેમનાં હિંમત અને નિશ્ચયબળ વગેરે ગુણો હતા. 

૧૫-૧-૧૯૫૧
- રાજેંદ્રપ્રસાદ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ

સૌજન્ય
શ્રી જયંતિભાઈ આશાભાઈ અમીન
એ. એસ. મોટર્સ, વિનોબા ભાવે માર્ગ,
વડોદરા - ૩૯૦૦૦૧

सरदार पटेलकी ६५वी पुन्य तीथी

सरदार पटेलकी ६५वी पुन्य तीथी


उस दिन सारा देश रोया था।
आज पुरे दिल से देश के सपूत का शतं शतं नमन

જ્યારે સરદાર સાહેબે "સર" નો ખિતાબ લેવાનો ઈનકાર કર્યો

"જ્યારે સરદાર સાહેબે "સર" નો ખિતાબ લેવાનો ઈનકાર કર્યો"

શ્રી દેવેંદ્રભાઈ પટેલ - જાણીતા કટાર લેખક્નો એક સરસ વાંચવા જેવો આર્ટિકલ #sardardham 













© all rights reserved
SardarPatel.in