સરદાર પટેલે રોલેટ સત્યાગ્રહ વખતે આપેલ ભાષણ

Rowlatt Satyagraha - રોલેટ સત્યાગ્રહ

સરદાર પટેલે રોલેટ સત્યાગ્રહ વખતે આપેલ ભાષણ


તા ૨૩/૦૨/૧૯૧૯ના રોજ રોલેટ બિલ સામે વાંધો દર્શાવવા મળેલી અમદાવાદના વેપારીઓની જાહેરસભા સમક્ષ આપેલ ભાષણ સાચે દરેક વેપારીઓએ જાણવા અને સમજવા જેવુ છે. 

અમદાવાદમાં વેપારીઓની આવી મીટિંગ પહેલવહેલી જ છે. અને ગુજરાતના વાણિયાઓને પણ મીટિંગ ભરવાનો વખત આવ્યો છે તે વખત બદલાયાનું ચિન્હ છે. જ્યારે યુદ્ધ ચાલતુ હતુ ત્યારે આપણને સરકાર તરફથી એમ કહેવામાં આવ્યું હતુ કે તમે મદદ કરો અને તમને સ્વતંત્રતાના માર્ગે ચડાવીશું. હિંદી પ્રધાન અહી આવ્ય ત્યારે આપણે ગુજરાત તરફથી એક અરજી પણ મોકલી હતી. પછી હિંદી પ્રધાને સુધારાની યોજના ઘડી અને તે યોજનામાં સુધારા થવા માટે મીટિંગો પણ થઈ. હવે લડાઈ પુરી થઈ, છતાં તે યોજના હજુ લટકે છે. સુધારાને બદલે હિંદને સેવાને બદલે રોલેટ કમિટીના બિલો મળ્યા. આવા કાયદા કોઈ પણ રાજ્યમાં નથી. આપણા આગેવાનોમાં મતભેદ હતા છતાં તેમણે પણ એકે અવાજે કાઉંસિલમાં જણાવી દીધું કે બિલ મુલતવી રાખો. સરકાર તો કહે છે કે અમે બહુ જ વિચારીને બિલ ઘડ્યાં છે અને તેની જવાબદારી અમારે શિર છે. એક સરકરી સભાસદે કાઉંસિલમાં એમ જણાવ્યું હતુ કે ચળવળ તો પ્રજાના આગેવાનો જેવી કરવા ધારશે તેવી થશે. વાત ખરી છે અને થશે પણ એમ જ. મામલો એવો જ છે. ગુજરાતમાં અમદાવાદના વણિકો આવી હિલચાલ કરે તે તેનું પહેલુ જ ચિન્હ છે. કોઈ પુછશે કે આ બિલથી વેપારીઓને નુક્સાન શું? પહલા તો આ બિલથી કોઈ જાતની રાજકીય હિલચાલ થશે નહી. પછી સુધારાઓ અપાય કે ન અપાય તે બન્ને નકામું છે.  સરકાર જેને રાજદ્રોહી ગણે એવુ લખાણ આપણી પાસે ગમે તે રીતે આવ્યું હોય તો પણ પોલીસ આપણને પકડી લઈ જઈ શકે. તે લખાણ બીજા કોઇ રાજદ્રોહના કાર્ય માટે વાપરવાનું નહોતુ તેવું આપણે સાબિત કરીએ તો પણ આપણને સજા થાય અને તે ઉપર અપીલ કરી શકાય નહી. એક સભાસદે એમ કહ્યુ કે અપીલ તો ઈંગ્લેંડમાં પણ નથી. પરંતુ ત્યા બે જુરી છે. પહેલા બાર જણની જુરી આગળ ગુનો સાબિત થાય તો પછી નવ જણની જુરી આગળ કામ ચાલે અને તેમાં બધા એકમતે ગુનેગાર ઠરાવે તોજ સજા થાય. હિંદમાં તો નથી જુરી કે નથી એસેસરો. 

આ કાયદાની વિરુધ્ધમાં પ્રજાના બધા સભાસદો છે છતાં સરકાર તે પાસ કરવા કહે છે અને તેમને તે પ્રજાના પ્રતિનિધિ ગણતી નથી. પરંતુ જ્યરે લડાઈ માટે ૬૭.૫ કરોડ રૂપિયાની રકમ લેવાની વાત હતી ત્યારે એજ સભાસદોને પ્રજાના આગેવાનો ગણીને રૂપિયા વિષે ઠરાવ કરવાનું તેમને માથે નાખ્યું હતું. કાયદાનો ખરડો સિલેક્ટ કમિટીમાં પડ્યો છે અને તેમા થોડો ફેરફાર થશે પરંતુ ખરડાનો મુખ્ય હેતુ તો કાયમ જ રહેશે. માટે આપણે આ સભા વાજબી જ બોલાવી છે અને સરકારી સભાસદે કહ્યુ છે તેમ આગેવાનોએ ચળવળ કરવાની જરૂર છે.

પ્રજ્ઞાબંધુ ૦૨-૦૩-૧૯૧૯

0 Comments

close