SARDAR PATEL PUBLIC MEETING – SHIROHI - RAJASTHAN – 26-June-1936

SARDAR PATEL PUBLIC MEETING – SHIROHI - RAJASTHAN – 26-June-1936


સરદાર વલ્લભભાઈએ રાજસ્થાની કાર્યકરોને સંભળાવેલી કેટલીક સાફ વાતો.


આપણી કાયરતાની દાંડી પીટી નકામો ફજેતો કાં કરો?


નામર્દીના રોદણા રડ્યે શુ વળવાનું છે?


કોઈ પ્રજા કે રાજ્ય એમ મહાત થતાં નથી. – શીહોરી રાજ્ય પ્રજામંડળના વાર્ષિક ઉત્સવમાં સરદારની સલાહ


આપણી કાયરતાની દાંડી પીટવાથી રાજસ્થાની પ્રજાનું તલભાર પણ કામ થવાનું નથી. નામર્દીના રોદણા રડવાથી આપણું કશુ નથી વળવાનું, ઉલટી આપણી જ લાજ જશે. આજની સભાનું પ્રમુખ સ્થાન સ્વીકરવાની મે ના પાડી કારણકે મારા વિચારો ઘણાને ગમતા નથી, ન ગમતી વાત વારંવાર કહેવાનું મને ગમતું નથી છતાં આગ્રહ હતો કે મારે આવવું એટલે આવ્યો છું.


“તમને ગમે તેવી વાત હું કહેવાનો નથી. હું તો મને સુઝે તેવું કહીશ તમે એમ ન માનતા કે તમારા ઉપરના જુલ્મો કોઈ નવી શોધ છે. આજે અનેક દેશી રાજ્યો હિંદુસ્તાનમાં છે જેના જુલ્મો અરેબીયન નાઈટસને પણ ભુલાવી દે તેવા છે. કોઈપણ ડાહ્યો માણૅસ પોતાની પૂંઠ જાણી જોઈને ખુલ્લી નથી કરતો. તેથી ગમે તેવો રાજા હોય છતાં તેની નિંદા કરવાથી આપણૂં કામ નથી સરતું. એથી તો આપણી નામર્દાઈની જાહેરાત માત્ર થાય છે.


“રાજસ્થાની પ્રજાના દુ:ખોની અમને પડી નથી કે મહાસભા બેદરકાર છે એવું રખે કોઈ માનતા. મહાત્મા ગાંધી જેવો રાજસ્થાની પ્રજાનું દુ:ખ જાણનારો મે બીજો કોઈ જોયો નથી, પણ આજે રાજાઓ કોણ છે? નાટકશાળામાં તરગાળાના છોકરાઓ તલવારો ચડાવીને ફરે છે તેમનામાં જે સ્વતંત્રતા છે તેટલી સ્વતંત્રતા પણ આજના દેશી રાજઓમાં નથી.


“દેશી રાજાઓના પોપડા ઉખેડવાથી આપણને લાભ નથી થવાનો પણ આપણી લાજ તેથી તો જાય છે. હું જાહેર કામ કરતા શીખ્યો હોઉં તો મહાત્મા ગાંધીજી પાસેથી શીખ્યો છું. તલવાર ચલાવી જાણો છતાં જે તલવાર મ્યાન રાખે તેની જ અહીંસા સાચી કહેવાય. કાયરોની અહિંસાની કિંમત કેટલી?”


“રાજાઓના દોષ જોતાં પહેલાં આપણે આપણી નામર્દીને ન ભુલવી જોઈએ. આપ મુવા વીના સ્વર્ગે ન જવાય. તમારા સિવાય તમારો ઉધ્ધાર બીજા કોઈથી થવાનો નથી.”


“શ્રી મણીશંકર ત્રિવેદીને તેમના મિત્રો જે માર્ગે લઈ રહ્યા છે તે ઊંધો રસ્તો છે. હું કહું છું કે આ ફજેતો કરવો છોડી દો. જેને લાજ છેજ નહી તેની લાજ જવાની શું છે? જે પોતાની લાજનું રક્ષણ કરતો નથી તેની લાજ બીજુ કોણ બચાવી શકવાનું છે?


“શ્રી મણીશંકર ત્રિવેદી કહે છે કે વ્યક્તિશાસનને બદલે પ્રજાશાસન હોય તો બધા જુલ્મો સહેજે નીકળી જાય, પણ રાજ્યમાં તો જમાદાર ને ફોજદાર વગેરેનું આખુ તંત્ર છે, તે ઉપરાંત આપણી નામર્દાઈ છે. જ્યાં સુધી પ્રજા પોતાનું ખરુ બળ નહી જમાવે ત્યાં સુધી આ ગ્રહણ લાગેલા રાજાઓ માત્ર અંધકાર જ ફેલાવે છે.


“રાજસ્થાની પ્રજાના દુ:ખો વિષે મતભેદ નથી. પણ તે કેવી રીતે દુર કરવા તે વિષે મતભેદ છે. દુ:ખો તો જુના હતા જ પણ બ્રિટીશ હિંદમાંની લડતને કારણે બધે જાગ્રુતી આવી છે ને તેથી હવે આ દુ:ખો જણાવઆ માંડ્યા છે. પ્રજાને કચડી નાખવા બ્રિટિશ સરકાર દમનના જે ઉપાયો લઈ રહી છે તેનું ભુંડુ અનુકરણ રાજાઓ આજે કરી રહ્યા છે. બ્રિટીશ હિંદમાં રાજ્ય અને પ્રજા વચ્ચે આજે હાડોહાડની જામી છે. પ્રજાએ સ્વતંત્ર થવાનો નિશ્ચય કર્યો છે. ઈતિહાસ કહે છે કે આનો અંજામ પ્રજાની સ્વતંત્રતામાં આવ્ય વિના રહેવાનો નથી.


“તમારા દુ:ખો જો હું ગાવા બેસું ને રાજાઓને ગાળો દઉં તો તમને મીઠો લાગુ., કેમકે તમારામાં બીજી તાકાત નથી. છાપામાં પ્રગટ થયેલી વાત જો સાચી હોય તો તમારે સળગી ઉઠવું જોઈએ. એ પ્રસિધ્ધી તમને ગાળસમી છે.


જો આજે એક પણ દેશી રાજ્યમાં જાગ્રુત પ્રજામત હોય તો તે આખા હિંદુસ્તાનને પદાર્થ પાઠ આપશે. મહાસભા તમે માગો તેવો ઠરાવ કદાચ કરી આપે પણ તેથી તમારી સ્થિતીમાં રતીભર ફેર પડવાનો નથી. ઠરાવ હોય કે ન હોય, પ્રજામાં જેટલી શક્તિ હશે તેટલુંજ કામ થશે.


પ્રજાની તપશ્ચર્યાથી જો રાજ્યની શુધ્ધી થઈ હશે તો આખા હિંદનું ત્યા આકર્ષણ થશે. બુમો પાડવાથી કે ગાળો દેવાથી કોઈ નહી આકર્ષાય. જો પ્રજામત જાગૃત હશે તો એ વસ્તુ સહેલાઈથી થઈ શકશે. મહાસભાના ઠરાવથી તમારુ બહેતર નહી થાય, ને શીરોહી રાજ્યનું કલ્યાણ અહીના બે ઠરાવોથી કે કડક ભાષણોથી થવાનું નથી.


પ્રજાની સંમતી કે ટેકા વીના રાજ્ય ચાલી શક્તું નથી. અત્યારે બહુ બોલવાથી કાંઈ આપણી શોભા નથી. પાંત્રીસ કરોડ ઉપર બે લાખ માણસો રાજ્ય કરે તેવી વાત અરેબીયન નાઈટસમાં પણ નથી તમે જોયું કે પ્રજાસંઘ પણ આખરે ચોરોનું મહાજન નીકળ્યું અને છેવટે એબીસીનીયા હજમ થઈ ગયુ. સૌ ઠંડે પેટે છુટા થઈ ગયા છે. જો તે ફાવ્યુ હોય તો આખુ જગત એબીસીનીયાને પુંજવા મંડી પડત.


તાકાત વગર બોલવાથી કશો ફાયદો થતો નથી. દારુગોળા વગર જામગ્રીથી ભડકો થયો એ જાણ્યો નથી.

0 Comments

close