તા : ૦૫-૦૪-૧૯૪૭ના રોજ રાસમાં કસ્તુરબા પ્રસુતિગ્રૃહનું ખાતમુહૂર્ત કરતા આપેલ ભાષણ 2

રાસમાં ખેડુતો આગળ - ૨

વધુ આગળ :

હિંદુસ્તાનમાં સ્ત્રીઓને દવાદારૂનું ભાન નથી. પ્રસૂતિમાં પડેલી બાઈની શી સ્થિતિ હોવી જોઈએ, જન્મેલા બાળકની માવજત કેમ કરવી જોઈએ, એનું કોઈ પ્રકારનું ભાન આપણી બહેનોને નથી. કાંઠામાં આસપાસ કોઈ માંદુ થાય, સ્ત્રીઓ માટે પ્રસૂતિની સગવડ જોઈએ,તેને માટે આ ખાત-મુહુર્ત કર્યુ છે. આપણી પાસે પહેલાંની કુશળ દાયણો રહી નથી. આજના યુગને અનુકુળએ અંગેનું જ્ઞાન આપવું જોઈએ. 

લોકોએ કસ્તુરબા સ્મારક માટે એક કરોડનો ફાળો કરવાનો નિશ્ચય કર્યો. એકને બદલે સવા દોઢ કરોડ સુધી ફાળો પહોચ્યો, એમા પણ તમે સાથ આપ્યો. આશાભાઈએ એ કામ ઉપાડ્યુ. એ તો બહાદુર માણસ છે. એ પણ એક વાર તમારાથી વધારે મુંઝવણમાં હતા. જમીનો ગયા પછી ગાંધીજી સાથે હુ આવ્યો હતો. ગામની એક બાઈએ જતાં જતાં એકબે વચનો કહ્યાં તે અમે સાંભળી લીધાં, પણ આશાભાઈને બહુ ખોટું લાગ્યું. પણ તમારી જમીનો પાછી આવી એટલે હવે તમને વિશ્વાસ બેઠો.

જમીનો આપણે ગુમાવી તે કેવી રીતે ગુમાવી એ વિચારો. આપણામાં ફાટફુટ હતી. ગામમાં ખટપટ થઈ. થોડા લોકો ગામના પણ મળ્યા પરદેશી સરકાર ફાટફુટથી જ રાજ ચલાવી શકે. ગોરા સાહેબે લખી આપ્યુ. પણ એ તો એનું રાજ ચાલે ત્યાં સુધીનું જ હોય ને? અમે તો પહેલેથી કહેતા હતા કે હિંદુસ્તાનમાં હિંદીઓ જ રાજ કરી શકે. તમે પાછા ગામના ભળીતો ગયા છો પણ દિલ એક છે કે જુદા તે ખબર નથી.

પંચાયતી રાજ એ જ સાચું સ્વરાજ છે. બધાએ એક બાપની પ્રજા તરીકે સરખે સરખા થઈને રહેવુ જોઈએ. કોઈ ઊંચનીચ ન હોય. ગામમાં બાળા જતી હોય તો કોઈ કુનજર ન કરે. કોઈ અપશબ્દ ન કહે. આપણે પોલીસની અપેક્ષા નથી રાખી. આજે તો કઠણ વખત છે. કોઈ એકબીજાની નિંદા ઈર્ષા ન કરે.

આજે એકના પાંચ આપી બહારથી અનાજ લાવવું પડે છે. ખેડુતને પકવેલું પુરુ મળતુ નથી. ખેતીવાડી દુનિયામાં ભાગી ગઈ છે. બધે જ ખેડુતો પાસેથી અનાજ લઈ લેવામાં આવે છે. જર્મન જેવી બહાદુર પ્રજાના માણસો પણ ભૂખને લીધે ટપટપ મરી જાય છે.  આપણે સ્વરાજ્ય તો મેળવ્યું પણ હજી એ ઓળખ્યું નથી. ગામમાં કોઈ પણ માણસ ભુખ્યો ન રહે. ભૂખ્યો હોય તો આપણા રોટલા પર કાપ મૂકીએ પણ કોઈ ભૂખ્યો ન રહે. એ સ્વરાજ માટે મહેનત કરીએ છીએ. આમાં તમારો સાથ જોઈએ. તમને હું તો હમેશા કહેતો આવ્યો છું કે ખેડુતો કોરટકચેરીએ જાય છે, સ્ટાંપ ફી ભરે છે, એ શા માટે? પંચ મારફતે કજિયા પતાવો તો નાના, મોટા, ગરીબ સૌને ઢાંકી શકો. અમારી સ્વરાજની કલ્પનાએ છે કે સૌને સારવાર ને મદદ મળે. એ અમારી અપેક્ષા છે. તમે બધાએ મારૂ સ્વાગત કર્યુ એ માટે આભાર માનું છું. 

તમને ફરી ચેતવણી આપું છું કે એક રાજ જાય છે અને બીજું આવે છે, તે વખતે સંપીને રહેશો. એકબીજાની રક્ષા કરશો તો આપણે કલ્પેલું સ્વરાજ આવવાનું છે. ભગવાન આપણને એવું સ્વરાજ પચાવવાની શક્તિ આપો.

0 Comments