Vandan Sardar Aapne | Vithalbhai Patel, Sardar Patel

Vandan Sardar Aapne

Vandan Sardar Aapne
1

Vandan Sardar Aapne


તા. ૧૫-૧૨-૨૦૧૯ આજે સરદાર પટેલની પુણ્યતિથી આજે સરદારને યાદ ન કરીએ અને પુષ્પાંજલી અર્પણ ન કરીએ તો આપણું ગુજરાતી પણુ લાજે, સરદારને આજે આપણે તેમના ભાવનગરમાં કરેલ ભાષણથી યાદ કરીએ. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ જે ભરોસો સરદાર પટેલ પર મુક્યો તે હ્રદયપુર્વક સરાહનીય છે અને પ્રશંસાપાત્ર છે, આ ભરોસો અખંડ ભારતના નિર્માણમાં પાયાની ઈંટ સાબિત થયો અને એક પછી એક સરદાર પટેલે સફળતાપુર્વક દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યુ.

ભાવનગર પ્રજાપરિષદના પાંચમા અધિવેશનમાં ૧૪-મે-૧૯૩૯ના રોજ સૂરાજ્ય નહી પણ સ્વરાજ્ય જોઈએ છીએ – સરદાર વલ્લભભાઈ પટેલનો હુંકાર દેશભરમાં ફેલાયો, તેમના ભાવનગર અધિવેશન સમયે આપેલ ભાષણ સમજવા જેવુ ખરુ. જેના અમુક અંશો આ સાથે રજુ કરેલ છે. 

સરદાર પટેલે પોતાની દીર્ઘદ્રષ્ટીના કારણે વિશ્વમાં ચાલી રહેલ મહાસંગ્રામની અસર સારી રીતે સમજતા હતા, અને આ મહાસંગ્રામનો દાવનળ ભારતને ભરખી ન જાય તે માટે જ તેમણે ભાવનગરમાં પ્રજાપરિષદને ભાષણમાં જણાવ્યુ કે જગતમાં ચોમેર દાવાનળ સળગી રહ્યો છે. એમાંથી આપણો દેશ એકલો કઈ રીતે અલગ રહી શકે? વળી આપણો દેશ પરાધીન હોવાથી કોઈ પણ કારણે મહાસંગ્રામ શરૂ થાય તો તેમાં જોડાવામાં યા તેનાથી અલગ રહેવામાં આપણું હિત કે અહિત રહેલું છે એનો નિર્ણય કરવાની પણ આપણને સ્વતંત્રતા નથી.અને બ્રિટિશ હિંદુસ્તાન વિસ્તૃત મતાધિકાર અને પ્રાંતીય સ્વાયત્તાના સિધ્ધાંતને અનુસરતું નવુ વિધાન અમલમાં મુકાઈ ચુક્યું. આ મર્યાદિત લોકશાસનના અમલમાં પણ પડોશના બ્રિટિશ પ્રાંતોની પ્રજા જે આત્મવિશ્વાસ અને ચેતનના અવનવા સુખનો અનુભવ કરી રહેલ છે તેની અસર દેશી રાજ્યોની પ્રજા ઉપર રોજ પડે છે, આ ખામીવાળા નવા વિધાનનો વિવેકપુર્વક ઉપયોગ કરી દેશની સર્વમાન્ય સંસ્થા કોંગ્રેસે દેશની શક્તિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. 

વધુ માં તેમણે જણાવ્યુ કે હરિપુરાની કોંગ્રેસ પહેલાં દેશી રાજ્યોની પ્રજાના દિલમાં કોંગ્રેસની નીતિ વિષે ચોખવટ કરી. અને એ નીતિ ઉપર કોંગ્રેસ આજે પણ કાયમ છે, કોંગ્રેસ રાજાઓનો નાશ નથી ઈચ્છતી, કે નથી તેમની દુશ્મનાવટ ઈચ્છતી. કોંગ્રેસ તો દેશી રાજ્યો સાથે મિત્રતા રાખવા મથે છે, પરંતુ કોંગ્રેસ એ સમસ્ત હિંદુસ્તાનની સંસ્થા છે. અને આખા દેશની આઝાદી પ્રાપ્ત કરવી એજ એનુ ધ્યેય છે. કોંગ્રેસની દ્રષ્ટિ અને નીતિ મુજબ ભારત એક અવિભાજ્ય છે. આથી એનો અમુક ભાગ સ્વતંત્ર અને અમુક ભાગ પરતંત્ર ન હોઈ શકે, જો એમ થાય તો પરસ્પર ભયાનક અથડામણ થયા વિના રહે જ નહી. 

મારી તો રાજામહારાજાઓને અતિશય નમ્રતાપૂર્વક વિનંતી છે કે યોગ્ય અંકુશો સાથે રાજ્ય વહીવટનો ભારપ્રજાને માથે નાખી પોતે પ્રજાનો પ્રગતિમાર્ગ મોકળો કરી આપે, અને પ્રજાના સાચા રક્ષક બની પ્રજાને પ્રગતિ તરફ દોરે અને રાજા પ્રજા વચ્ચેની અથડામણના ભયમાંથી કાયમ માટે નીકળી નિર્ભય બની જાય. પરદેશીઓની ભાગલા પાડીને સત્તા ચલાવવાની નીતિનું અનુકરણ કરી એમાં જ પોતાની સત્તા સલામતી રાજાઓ માની બેઠેલા છે. આવા પ્રતિકૂળ વાતાવરણમાં સત્યાગ્રહને સ્થગિત કરી અંતરદ્રષ્ટિ કરી આત્મનિરીક્ષણમાં અને આપણી ત્રુટીઓ તપાસી લેવામાં થોડો સમય ગાળવાથી દેશી રાજ્યોની પ્રજાને લાભ જ થવાનો છે. 

પ્રજાની લાયકાતની વાતો કરનારાઓએ એકે દિવસ એવો વિચાર કર્યો છે ખરો કે આ દેશમાં છસો જેટલાં રજવાડા છે, તેમાંથી કેટલાના નરેશો પોતાની પ્રજા કરતા વધારે લાયકાત ધરાવનારા છે? શુ રાજકુટુંબમાં જન્મ લેનારા સઘળા લાયકાતના વારસા સાથે જ જન્મે છે? અને જો અનેક રાજાઓમાંથી કેટલાક તો રાજ્ય કરવાને નાલાયક હોવા જ જોઈએ એ વાત કબૂલ હોય તો એવા સંજોગોમાં પ્રજાએ શું કરવુ એનો કાંઈ ઉપાય બતાવશો ખરા! ઈતિહાસ સાક્ષી છે કે જુલ્મી રાજાને પદભ્રષ્ટ કરવાનો અધિકાર અનાદિ કાળથી સ્વીકારેલ છે.

હવે તો એ વખત આવ્યો છે કે જ્યારે આપણે મૂળ મુદ્દાની વસ્તુ ઉપર એક જ ઠરાવ કરવો જોઈએ અને એ ઠરાવનો અમલ જો આપણે કરાવી શકીએ, એટલે કે પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર મળી રહે એવું રાજ બંધારણ આપણે રાજ પાસેથી મેળવી શકીએ, તો પછી બીજા ઠરાવોની બહુ આવશ્યકતા નથી રહેતી.

રાજ્યની મુખ્ય વસ્તી ખેડૂતોની છે. ઘણાંખરાં દેશી રાજ્યોનો ભાર ગામડામાં વસતા ગરીબ ખેડૂતોની કમ્મર ઉપર જ પડે છે. રાજ્ય વહીવટમાં એનો અવાજ નથી. અજ્ઞાન, અભણ અને ભોળો હોવાથી પોતાના હક્કનું કશું ભાન પણ નથી. ભગવાન પર ભરોસો રાખે દરેક દુ:ખનો દોષ કેવળ કિસ્મત ઉપર જ નાખવાની ટેવવાળો હોવાથી એનામાં આત્મવિશ્વાસનો અભાવ આવી ગયો છે. જવાબદાર રાજ્યતંત્ર માંગવાનો કે મેળવવાનો જો કાંઈ પણ અર્થ હોય તો તે તો આ ભુખ અને દુ:ખથી પીડાતા અસંખ્ય હાડપિંજર જેવા, કમરમાંથી વળી ગયેલા દેશી રાજ્યોના દુ:ખી ખેડૂતના દુ:ખ ભાગવાનો અને એનામાં સ્વમાન અને આત્મવિશ્વાસના માનુષી તત્વોનો સંચાર કરાવવાનો જ હોઈ શકે. એ કામ કરવામાં રાજ્ય અને પ્રજા બન્નેનું હિત સમાયેલ છે. 

ભાવનગરના પ્રજાજનોએ જે પ્રેમ અને ઉમંગથી મારૂ સ્વાગત કર્યુ તેને માટે હું સૌનો આભાર માનું છું. આજના દુ”ખદ બનાવથી રોષે ભરાવાનું કે ગભરામણમાં પડવાનું નથી. જેઓએ સરઘસ ઉપર હુમલો કરી નિર્દોષ માણસો ઉપર ઘા કર્યા તેઓએ ભાન ભુલી કેવળ ગાંડપણથી આ કામ કરેલું છે. એમને જ્યારે ભાન આવશે ત્યારે પોતાની મૂર્ખાઈ માટે પસ્તાવો કરશે. આપણે ભૂલવું ન જોઈએ કે કેટલાય મુસલમાન આગેવાનો સ્વાગત મંડળમાં જોડાયેલા છે અને સરઘસમાં અને સ્વાગતમાં સામેલ થઈ પરિષદને સાઅથ અને સહકાર આપેલ છે. આવા નિર્દોષ બલિદાન ઉપર જ પ્રજા ઘડતરની ઈમારત રચાય છે. જે ઘાયલ થયા છે અને જેના પ્રાણ ગયા છે તેમના પ્રત્યે આપણી પવિત્ર ફરજ છે કે તેમના નિર્દોષ બલીદાનને આપણે રોષે ભરાઈને દુષિત ન કરવુ. સૌએ શાંતિ રાખવી. પરિષદના કાર્યમાં વધારે ઉત્સાહને પ્રેમથી ભાગ લઈ પરિષદનું કાર્ય સરળતાથી પૂર્ણ કરવુ.

( Hide )

© all rights reserved
SardarPatel.in