Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ


Bardoli Satyagraha - બારડોલી સત્યાગ્રહ 
બારડોલી સત્યાગ્રહમાં બાપુના બગીચાના બે ફૂલ

એક ફૂલચંદ બાપુજી શાહ (નડિયાદ) અને બીજા કર્મવીર ફૂલચંદ કસ્તુરચંદ તંબોળી (વઢવાણ)

આજે ૧૨ જુન બારડોલી વિજય દિવસ પ્રસંગે બારડોલી સત્યાગ્રહ વિશે કહી શકાય કે જેમ ગાંધીને દાંડીકૂચ થી અળગા ન કરી શકાય તેમ સરદાર પટેલને બારડોલીથી અળગા ન કરી શકાય. બારડોલી સત્યાગ્રહે સરદારના સત્યાગ્રહ જીવનથી અળગો ન કરી શકાય. બારડોલી સત્યાગ્રહે જ વલ્લભભાઈને “સરદાર” બનાવ્યા.

જ્યારે કોંગ્રેસ મહાસમિતિએ વર્ષ ૧૯૨૧માં દિલ્હીમાં નક્કી કર્યુ કે પ્રાંતિક સમિતિઓ સત્યાગ્રહની લડતો કરી શકશે. અને આ સત્યાગ્રહો કરવા માટે જીલ્લો કે તાલુકો ઘટક તરીકે લઈ શકાય. ગુજરાતમાંથી આણંદ અને બારડોલીમાંથી સરદાર પટેલે પસંદગી નો કળશ બારડોલી પર ઢોળ્યો. બારડોલી સત્યાગ્રહમાં તો અનેક સત્યાગ્રહીઓએ ભાગ લીધો અને બારડોલી સત્યાગ્રહમાં વિજય થયો. બારડોલી સત્યાગ્રહ સમયે સરદાર પટેલના ભાષણોથી લોકો મંત્રમુગ્ધ થયા.

ફૂલચંદભાઈ બાપુજી શાહનો જન્મ ૧૮૮૨માં નડિયાદ શહેરમાં થયો હતો. તેમનું જાહેર જીવન ૧૯૦૦ની સાલથી શરૂ થયુ, વર્ષ ૧૯૦૨ની અમદાવાદની રાષ્ટ્રીય કોંગ્રેસ પરિષદમાં ભાગ લીધો અને ત્યારથી જ તેઓ રાષ્ટ્રના કામમાં સક્રિય થયા. ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રારંભથી તેઓ મંત્રી રહ્યા અને અંતિમ સમય સુધી રહ્યા. વર્ષ ૧૯૦૬માં તેમણે “ગુજરાત”નામની પત્રિકા શરૂ કરી. સાથે સાથે આ જ સમયગાળામાં તેમણે હિંદુ અનાથાશ્રમની પણ સ્થાપના કરી. “આર્ય પ્રકાશ” સાપ્તાહિકના તંત્રી તરીકે કામ કર્યુ. તેમણે ખેડા સત્યાગ્રહ, નાગપુર સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો

કર્મવીર ફૂલચંદભાઈ કસ્તુરચંદ (શાહ) તંબોળીનો જન્મ ૦૨-૦૩-૧૮૯૫ના દિવસે વઢવાણ શહેરમાં થયો હતો. ગાંધીજીએ આફ્રિકાથી પરત આવી કોચરબ આશ્રમની સ્થાપના અમદાવાદમાં કરી ત્યારે ફૂલચંદભાઈ તંબોળી ગાંધીજી સાથે રહ્યા. બારડોલીની લડતમાં કદાચ પહેલી જ વાર ગુજરાતમાં આ બન્યું હશે કે સત્યાગ્રહ સમયે અનેક કવિતાઓ લખાઈ, કે જેને સત્યાગ્રહના ગીતો કહી શકાય, દેશમાં યુધ્ધ ગીતો લખાય તે સ્વાભાવિક હતું પરંતુ સરઘસો અને સભાઓમાં ગીતો ગવાયા, તે મોટા ભાગના ગીતો બારડોલી સત્યાગ્રહ દરમ્યાન અલગ અલગ કવિઓ દ્વારા લખાયા હતા. અમુક ગીતો તો જેમનું સાહિત્યમાં નામ પણ નહી હોય તેવાં કવિઓએ પણ લખ્યાં આવા કવિ તરીકે ફૂલચંદ (શાહ) તંબોળી કે જેમણે અનેક કવિતાઓ લખી.

૧) અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ૨) શુરા જીતે સંગ્રામ માથાં મેલી, ૩) તારા વાગે નગારાં હવે અંતનાં રે, ૪) નહી હઠશે નહી હઠશે, બહાદુરો પાછા નહી હઠશે, ૫) અમે રોપ્યો સત્યાગ્રહ માંડવો રે, ૬) અમે ડરતા નથી હવે કોઈથી રે, ૭) ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે (સરદાર ફિલ્મમાં શરૂઆતમાં આ ગીત આવે છે), ૮) યજ્ઞ અમે માંડ્યો રે, ૯) બાણ વાગ્યાં સરકારના છાતીએ, ૧૦) વીરહાક વાગે છે, ૧૧) શૂરાના સંતાન, અમે સહુ, ૧૨) કોણ કહે છે લોકો ડરશે, ૧૩) સતનો માંડ્યો છે સંગ્રામ, ૧૪) જુધ્ધ્માં જુધ્ધમાં નહી સરકાર ફાવે, જુધ્ધમાં, ૧૫) જે દુ:ખ પડે તે પડવા દેજો રે, ૧૬) ડરતા નથી સરકારથી રે, ૧૭) નહી ભરીશું, નહી ભરીશું, સરકાર મહેસૂલ, ૧૮) લાજ રાખી પ્રભુએ આપણી રે, ૧૯) હાક વાગી વલ્લભની વિશ્વમાં રે,

બારડોલી સત્યાગ્રહમાં તેમના રચાયેલ કાવ્યોએ સત્યાગ્રહીઓમાં જુસ્સો ભરવાનું કામ કર્યુ. આમ આ લોકપ્રિય યુધ્ધગીતો તેમણે લખ્યા અને લોક મુખે ખુબ ગવાયા. ફૂલચંદ શાહ સાહિત્યની ગલીઓમાં કદાચ બહુ લોકપ્રિય નહી હોય, પણ બારડોલી સત્યાગ્રહ અને સરદાર પટેલ વિશે અનેક કાવ્યો, ગીતો, સંખ્યાબંધ કવિઓએ લખ્યા. જેમા  બાળગીતોના કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, ગરબાઓથી પ્રસિધ્ધ થયેલા કેશવ ભટ્ટ, સુરતના કવયિત્રી જ્યોત્સનાબે શુક્લ, કવિ લલિત, કવિ સ્નેહરશ્મિ વગેરેઓએ પણ ખુબ કાવ્યો અને લોક ગીતો લખ્યા.

            તેમણે વઢવાણમાં રાષ્ટ્રીય શાળા શરુ કરી. આ શાળા આર્થિક ભીડ નિવારવા ફૂલચંદભાઈ અને શિવાનંદભાઈએ એડન જવાનું નક્કી કર્યુ પરંતુ એડનમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાના કારણે તે મુલત્વી રાખ્યું. અને પોરબંદર જઈ ફાળો ઉઘરાવવા લાગ્યા. પોરબંદરમાંથી સારી એવી રકમ મળી. પોરબંદરથી માંગરોળ જવાના રસ્તામાં જ બારડોલી સત્યાગ્રહના સમાચાર જાણવા મળ્યા આથી ફાળો ઉઘરાવવાનું કામ પડતું રાખી બન્ને બારડોલી જવા નિકળ્યા. શરૂઆતમાં તો દરેક ગામડાઓ ખુંદી વળી, ગામના ભજનો બનાવવાની શરૂઆત થઈ હતી. ગામજનોને આ ભજનોમાં રસ પડતો, શિવાનંદજી કડતાલથી રમઝત બોલાવતા, રામનારાયણ વીર રસની વાર્તાઓ કહેતા. લડાઈ શરૂ થઈ ગયેલ અને દરેક વિભાગના વડાને કામ સોંપાયેલા. લોકોને મક્કમ રાખવાનું, લડતનું રહસ્ય સમજાવવું, કોઈ મહેસૂલ ન ભરી દે તેની તકેદારી રાખવી વગેરે જેવા કાર્યો દરેકને સોંપાયા. આગેવાનો માટે મોટરની સગવડ હતી અને ફૂલચંદભાઈ, શિવાનંદજી તથા અન્યો માટે ગાડુ સોંપેલ. વેડછીવાળા ચુનીભાઈ, સુરજબેન, તથા રાનીપરજની બાળાઓ સાથે લોકગીતોની રમઝટ બોલાતી. ભોજનની સાથે મૃદંગ, મંજીરા, ગીતની ચોપડીઓ સાથે રાખતા. એક સ્વયંસેવક ઢોલ વગાડે એટલે બધા ભાઈ-બહેનો ભેગા થઈ સાંજની સભા જામતી. સભા દરમ્યાન એ લોકો ચોધરી ભાષામાં બોલે એટલે ફૂલચંદભાઈ, શિવાનંદજી વગેરેને સમજ ના પડે, ચુનીભાઈ કે કેશવભાઈ તેમની ચોધરી ભાષામાં લોકોને સમજાવી કે અમે બહુ ભારે – મોટા આગેવાન છે એવી ઓળખ આપતા ત્યારે આ બન્નેને શરમ પણ આવે. પાકની સ્થિતિ, ગરીબાઈ મહેસૂલ વધારો વગેરે બાબતો સમજાવી કેશવભાઈ પૂછે કે વધારો ભરવો છે? વલ્લભભાઈ પટેલ કહે છે કે નહી ભરવો. બધા બોલી ઊઠે “ની ભરી, ની ભરી”. આ ભોળા ગરીબ લોકો વલ્લભભાઈને નવા રાજા તરીકે ઓળખતા. અને વલ્લભભાઈ પ્રત્યે આદર એટલો કે તેમનો પડ્યો બોલ ઝીલતા.

આ ભોળા લોકોમાંથી જ મકોટીના ભીખીબેન બાવાભાઈ પટેલે વલ્લભભાઈને “સરદાર” કહી બોલાવ્યા.

આપણો “વલ્લભ” જ આપણો “સરદાર”

 

 

                       


No comments:

Post a Comment