Royal Navy Revolt - ભારતીય નૌકાદળ રોયલ નેવીનો બળવો | Vithalbhai Patel, Sardar Patel

Royal Navy Revolt - ભારતીય નૌકાદળ રોયલ નેવીનો બળવો

Royal Navy Revolt - ભારતીય નૌકાદળ રોયલ નેવીનો બળવો આજે સમગ્ર વિશ્વમાં રશિયા અને યુક્રેનના યુધ્ધના ભણકારા સંભળાય છે,
0

ભારતીય નૌકાદળ રોયલ નેવીનો બળવો

આજે સમગ્ર વિશ્વમાં રશિયા અને યુક્રેનના યુધ્ધના ભણકારા સંભળાય છે, અને ગમે ત્યારે વિશ્વયુધ્ધ ફાટી નીકળે તેવી નાજુક પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. આવીજ એક નાજુક પરિસ્થિતિ ભારતની આઝાદીના એક વર્ષ પહેલાં એટલે કે ૧૯૪૬ના ફેબ્રુઆરી માસમાં ઘડાયેલ અને આ એક એવી નાજુક પરિસ્થિતિ હતી કે જેમાં બ્રિટિશ શાસકો ભારત છોડી કાયમ માટે જવાની વેતરણમાં હતાં અને તેવા જ સમયે ભારતીય નૌકાસૈન્યના નાવિકોનો બળવો શરૂ થયો. આ એક એવી કપરી પરિસ્થિતિ હતી કે દેશની આઝાદીની એક પ્રક્રિયા ચાલી રહી હતી, ચુંટણીઓ પૂરી થયેલ અને સત્તાપરિવર્તનની પ્રક્રિયા શરૂ થવાની હતી અને આવામાં જો આ બળવો કાબુ બહાર જાય તો બ્રિટિશ શાસકો કે જેઓ ભારત છોડીને જવા તૈયાર થયેલ હતા કે પછી લગભગ તેમના ઉચાળા ભરાવાની તૈયારી જ થતી હતી તેવા સમયે બ્રિટિશ શાસકોને ૧૮૫૭ના બળવા જેવું વધુ એક કારણ મળી જાય અને આ બળવાનો સહારો લઈ તેઓ ભારતને ગુલામીમાંથી મુક્ત ન કરત. પરંતુ આપણા રાજપુરુષોએ આ બળવો શાંત કર્યો અને આઝાદીનો માર્ગ મોકળો કર્યો.

નાવિકોનો બળવાનું મુખ્ય કારણ ઓછા પગાર અને જાતિ ભેદભાવ સામે વિરોધ હતું. સિગ્નલ સ્કૂલના કેટલાક નાવિકોએ ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ ભૂખ હડતાળ શરૂ કરી. અને આ હડતાળનું સમર્થન દેશભરના નાવિકોએ કર્યુ અને જોત જોતામાં બળવો શરૂ થયો. સૌ પ્રથમ નાવિકોએ જહાજોનો કબ્જો કરી ચોકીઓ પર બોમ્બ ગોળા શરૂ કર્યા અને મુંબઈનો આ બળવો જોત જોતામાં કરાંચી સુધી ફેલાયો. એક અઘોષિત યુધ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયેલ હતું. જહાજ ઉપર રહેલ દરેક હિંદી સૈનિકોને આ બાબતે જોડાવા વિનંતિ કરવામાં આવી, આવામાં કમાંડર ખાન અને કમાંડર દત્ત નામના બંગાળી સૈનિકની સહાયથી જહાજ તલવાર ઉપર રહેલ દરેક સૈનિકને એકત્રિત કરવામાં આવ્યા જેને એક બળવાનું સ્વરુપ ધારણ કરતા વાર ન લાગી. આ દરમ્યાન બે હિંદી સૈનિકોએ એક ગોરા અફસરને લમણે ગોળી ધરબી દીધી. જે ગોરા ઓફિસરો માટે આ અણધાર્યો હુમલો હતો. અને સરવાળે ગોરા અફસરોની સંખ્યા પણ ખુબ ઓછી હતી. આ વાત વાયુ વેગે કરાંચી બંદરે પહોચી અને જ્યારે કરાંચી જહાજના નોસૈનિકોએ જાણ્યુ ત્યારે તેઓએ પણ જહાજ કબ્જે કરી લીધું અને ત્યાં પણ ભારે અફડાતફડી થઈ ગઈ. આ બળવાને કોંગ્રેસ સિવાય કેટલાક સમાજવાદી નેતાઓએ ટેકો કર્યો અને ખાસ કરીને અરૂણા અસફઅલીએ કર્યો. આઝાદી અને સત્તા પલટાની પ્રક્રિયા શરૂ થનાર જ હતી અને આવા સમયે દેશમાં એક અલગ જ વમળ શરૂ થાય તો આઝાદી જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ હતું અને સરદાર પટેલ આ બાબતે કોઈ પણ જોખમ લેવા તૈયાર ન હતા. જવાહરલાલના આવતા પહેલા આ બળવાને શાંત પાડવાનો નિર્ધાર કર્યો અને આથી તેમણે મુંબઈ ગવર્નરને વિનંતિ કરી કે નૌસૈનિકોને મળવાની મંજુરી આપવામાં આવે મુલાકાત માટે ગોઠવણ કરવામાં આવે. પરંતુ ગવર્નરે આ વિનંતી સ્વીકારી નહી અને જવાબમાં કહ્યુ કે આ વિકટ પરિસ્થિતિમાં સરદારને સુરક્ષા જાળવવી અઘરી બની જાય અને સૈનિકો ભાન ભુલ્યા છે. સરદારને ક્યાક કોઈ નુકસાન કરી બેસે તો મામલો ઔર ઘુચવણમાં મુકાઈ જાય. આના પ્રતિયુત્તરમાં સરદારે જણાવ્યુ કે બળવાખોરોના પ્રતિનિધિને મારી પાસે મોકલવામાં આવે અને જહાજ પરથી તેઓ મને મળે અને મુલાકાત બાદ તેઓને સુરક્ષિત પરત જહાજ ઉપર મોકલી આપવાની વ્યવ્સ્થા કરી આપવામાં આવે. આ વાત સરકારને ગળે ઉતરી અને સરદારે પોતાના વિશ્વાસુ સાથીઓ મારફતે જહાજ ઉપર સંદેશો મોકલ્યો અને બળવાખોરો તો સરદારને મળીને પોતાની રજુઆત કરવા માંગતા જ હતા પરંતુ તેઓને ડર હતો કે સરદારને મળવા જતા બ્રિટિશ સરકારનો શિકાર ન બની જઈએ. પરંતુ સરદારે તેમની સુરક્ષાની બાહેધરી આપી અને કમાંડર ખાન તથા કમાંડર દત્ત સરદારને મળ્યા.

સરદારે જણાવ્યુ કે ૧૮૫૭ના બળવામાં આપણે નિષ્ફળ નિવડ્યા અને જેના પરિણામ સ્વરુપે સૈકાથી પણ વધારે સમયથી ગુલામી સહન કરી રહ્યા છીએ, અને આ ભુલનું પુનરાવર્તન તમારે ફરી કરવુ છે? આવો અણધાર્યો સવાલ સાંભળીને બન્ને કમાંડરો તો હબક રહી ગયા. તેઓને તો એમ હતુ કે સરદાર તેમના સુરમાં સુર પુરાવશે અને કહ્યુ કે સરદાર સાહેબ આ ગોરાઓ યુધ્ધવિજયના મદમાં રાચતા રાચતા ખુબ તુમાખીદાર બન્યા છે તેમને સીધા કર્યા વગર છુટકો જ નથી. સરદારે તેમને ખભે હાથ મુકીને સાંત્વના આપતા કહ્યુ કે વાત સાવ સાચી છે તેમને સીધા કરવા જ જોઈએ પરંતુ શુ આપણે વાંકા થઈને તેમને સીધા કરીશું ? બન્ને કમાંડરે એક સાથે પુછ્યુ કે એટલે?

સરદારે કહ્યુ કે આખા દેશની સહાનુભુતી તમારી સાથે છે પરંતુ એક વાત જરા સમજો કે તમારી લડાઈમાં તમે મુઠ્ઠીભર સૈનિકો છો જેમની પાસે થોડાક શસ્ત્રો છે અને વિરાટ શક્તિ સામે લડવાનું છે. કેટલો સમય તમે ટકી શકશો? આપણા શૌર્યની લડત એવી હોવી જોઈએ કે જેથી દુશ્મન નો નાશ થવો જરૂરી છે. પરંતુ અહીયા આપણો નાશ થશે તો આ લડાઈનું ભવિષ્ય શું? સરદારની સચ્ચાઈ સાંભળીને બન્ને કમાંડરને પરિસ્થિતિની ગંભીરતા સમજતા વાર ન લાગી. અંગ્રેજી નૌકાદળ તો ઠીક પરંતુ જો વાયુદળ હુમલો કરે તો પળવારમાં આ મામલો નિપટાઈ જશે. તમે તમારા શસ્ત્રો હેઠા મુકો તમારી સાથે પુરેપુરો ન્યાય થાય અને બળવાખોરો પ્રત્યે ઉદારતા દેખાડવામાં આવે તેવા તમામ પ્રયત્નો હું કરીશ. સરદાર અંગત રીતે માનતા કે આ બળવાના કારણે સમગ્ર દેશનું ભાવિ જોખમમાં ન મુકી શકાય. અને આથી જ તેમણે પોતાની લોકપ્રિયતાને જોખમમાં મુકીને પણ નાવિકોને હથિયાર મુકવાં માટે નાવિકોને સમજાવ્યા અને તેમની મહેનત અને સમજાવટના પરિણામ સ્વરૂપે ૨૩ ફેબ્રુઆરી ૧૯૪૬ના દિવસે નાવિકોએ પોતાનો બળવો પાછો ખેંચી લીધો.

૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ ગાંધીજીએ એક નિવેદનમાં કહ્યું કે આ એક અહિંસક પગલું નથી. એક પણ માણસને પરાણે “જય હિંદ” કે અન્ય સૂત્ર પોકારવાની ફરજ પાડવામાં આવે તો ભારતના કરોડો મૂક લોકોની દ્રષ્ટિથી વિચારતાં તે સ્વરાજના કફનમાં ખીલો મારવા જેવું થશે. ગાંધીજીના નિવેદન પર અરૂણા અસફઅલીએ પત્રકાર પરિષદ બોલાવી પ્રતિક્રિયા આપતા કહ્યું “લોકોને હવે હિંસા-અહિંસાની નીતિમાં રસ નથી. હિંદુઓ અને મુસ્લિમો વાટાઘાટો ટેબલ પર થાય તેના કરતા લશ્કરી મોરચે થાય તે વધારે સારુ.” અરૂણા અસફઅલીના નિવેદને તો આગમાં ઘી હોમવાનું કામ કર્યુ. ગાંધીજીએ સરદારને ૨૩ ફેબ્રુઆરી ૧૯૪૬ના પત્રમાં લખ્યું “ તમારૂ તપ સમજુ છું. શું થવા બેઠું છે? આ સ્થિતિમાં મને બારડોલી લઈ જવો છે? ૧૫ દિવસથી વધારે તો નહીં જ રહી શકું. સ્પેશ્યલમાં શા સારૂ લઈ જવો? રાત તો તેમાં જ ગાળવી તે માત્ર ટોળાંથી બચવા સારૂ કે? આ તમને વહેલો મળે તેમ માની સુશીલા સાથે મોક્લું છું. એ વધારે કહેશે. કુશળ હશો. બાપુના આશીર્વાદ.” સરદાર પટેલે વળતાં જવાબમાં તા. ૨૪-૦૨-૧૯૪૬ના રોજ લખ્યું કે “પૂજ્ય બાપુ, આપનો કાગળ સુશીલાએ આપ્યો. અરૂણાએ અહીં ભડકો કર્યો અને એ પછી હજી સુધી એ સળગતામાં ફૂંકો મારતી રહી છે. લગભગ ૨૫૦ ગોળીથી મરી ગયા. એક હજાર ઉપરાંત ઘાયલ થયા. પોલીસ અશક્ત થઈ પડી. એટલે મિલિટરી મોટી સંખ્યામાં આવી પડી. ગઈ કાલના આપના નાના સ્ટેટમેંટનો પણ એણે બહુ ખરાબ જવાબ આપ્યો. એમાંથી પ્રેસ એજન્સીએ થોડો ભાગ જ છાપ્યો. “ફ્રી પ્રેસ” આખુંએ ટોળીના હાથમાં છે. અચ્યુત અને એનું ટોળૂં એને આગળ ધરી કરાવી રહ્યા છે. જવાહરલાલને એણે તાર કર્યો. છાપામાં છપાવ્યું કે આ સ્થિતિમાં એકલા જવાહરલાલ જ નેતા છે જે સંભાળી શકે, કારણકે એને મારો સાથ ન મળ્યો. જવાહરલાલનો તાર આવ્યો. મને પુછાવ્યું કે એને આવવાની જરૂર હોય તો જરૂરી કામ છોડી આવે. મેં જવાબ આપ્યો કે ન આવવું. છતાં એ કાલે આવે છે. એનો તાર છે કે મને ચેન પડતું નથી. એટલે મારો તાર મળ્યા છતાં આવું છું. કાલે ત્રણ વાગ્યે આવશે. ભલે આવે. બાકી એના તરફથી આવવાનું થયું એ બહુ ખોટું થયું. એવી રીતે એમને ઉત્તેજન મળે છે. આ ટોળાંની સામે નહીં થઈએ તો મરી રહેવાના છીએ. પણ એમ કરવમાં બધાએ એકે અવાજે બોલવું જોઈએ. મને ભય છે કે નરેંદ્રદેવ, સંપૂર્ણાનંદ અને એ લોકોનું ટોળું આ લોકોનો પક્ષ કરવાનું છે. એટલે જવાહરલાલ નરમ પડી જવાના છે. શહેરમાં દુકાનો લૂંટી, કેટલાક જાહેર મકાનો સળગ્યાં, આગગાડી પણ સળગ્યાં. આ સંજોગોમાં મિલિટરી લાવે એનો દોષ કાઢવો પણ નિરર્થક હતો. હવે આજે નરમ પડ્યું છે. કાલે બધું શાંત થવા સંભવ છે. હવામાં ઝેર ખૂબ ભરાયું છે. અંગ્રેજો અને અંગ્રેજી પોશાક પર સારી પેઠે રોષ છે. આમા એ લોકોએ કેટલાય વિદ્યાર્થીઓનો સારી પેઠે ઉપયોગ કર્યો. વળી એકી વખતે નેવીના માણસોની અને હવાઈ ખાતાના માણસોની હડતાળ અને એ લોકોને અંગ્રેજ સાથીઓથી ઊતરતી રીતે રાખવામાં આવે તેમ જ અંગ્રેજ અમલદારો અપમાન કરે તે હવે સહન કરી શકતા નથી. એનાથી પણ રંગભેદનું ઝેર વધ્યું છે.” બાકીના પત્રમાં અન્ય વાત કરેલ છે. જે વિષયને સંલગ્ન ન હોવાથી લખેલ નથી. (આ બન્ને પત્રો નવજીવન ટ્રસ્ટ દ્વાર છપાયેલ બાપુના પત્રો – ૨ (સરદાર વલ્લભભાઈને – સંપાદક મણિબેન પટેલ પાન નં ૩૨૦ પર આપેલ છે.) 




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in