Lion Lady of Charotar - Sardar Patel | Sardar Vallabhbhai Patel History | Patel Sardar

Sardar Vallabhbhai Patel Movie


Lion Lady of Charotar

Lion Lady of Charotar


ચરોતરનાં વીરાંગના કમળાબહેન પટેલ: એક વિસરાયેલું વ્યક્તિત્વ
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
Dr.Hari Desai writes weekly column for Gujarat Samachar (London), Gandhinagar Samachar (Gandhinagar) and Sardar Gurjari (Anand).
• ભારતના ભાગલા ટાણે ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં માલમિલકત ઉપરાંત સ્ત્રીઓની પણ લૂંટ ચાલી
• અભાગી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે લાહોરમાં ભગીરથ કામ કરનાર હતાં સોજિત્રાનાં કમળાબહેન પટેલ 
• રાષ્ટ્રધર્મની હાકલ થઇ ત્યારે બળૂકાં  કેપ્ટન મૃદુલા સારાભાઈના નેતૃત્વમાં એ વેળાના લોહી તરસ્યા પ્રદેશમાં હાજર 
• હિંદુ-મુસ્લિમ-શીખભેદના લેશમાત્ર સ્પર્શ વિનાની કમળાબહેનની કરુણામાં સંવેદનશીલ હૃદયનો સાવ શુદ્ધ માનવભાવ

ક્યારેક ભારતીય આઝાદીના સંગ્રામની વાતો થાય ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં લડાયેલા આ જંગમાં ભારતના ભાગલાની રક્તરંજિત કરુણતાની વાત જરૂર ઝળકે છે, ભારત અને પાકિસ્તાન બંનેના ગુજરાતી બેરિસ્ટર રાષ્ટ્રપિતા નામે, મહાત્મા ગાંધી અને કાઇદ-એ-આઝમ ઝીણાની ખટમીઠી વાતો પણ ખૂબ ચર્ચાય છે, કોંગ્રેસ અને મુસ્લિમ લીગની ગાજવીજ વચ્ચે ક્રાંતિકારીઓની ભૂમિકા પણ આઝાદી મેળવવામાં હતી એના દાવાઓ પણ આક્રમક રીતે થાય છે. હિંસા અને અહિંસાના ઘટનાક્રમની બહુબોલી વાતોમાં જે ભાગ્યેજ પ્રગટે છે એવી કહાણી એટલે માલમિલકતની સાથે લૂંટાયેલી અને વેદનાઓથી ફાટફાટ થતી એ હિંદુ, મુસ્લિમ અને શીખ મહિલાઓને પરત મેળવીને એમના સાચા પરિવાર સાથે જોડવાના ભગીરથ કાર્યમાં ખૂબ મહત્વનું યોગદાનની ગાથા. મૂળ સોજિત્રાના ગાંધીવાદી શંકરભાઈ પટેલ પરિવારની, નડિયાદમાં જન્મેલી અને ઊંચેરા છ ગામની આ કન્યા નડિયાદમાં બીજવરને પરણાવેલી પણ કૂમળીવયે જ વિધવા થયેલી કમળાબહેન પટેલ (૧૯૧૨-૧૯૯૨)ની આ વાત છે. ઓરમાન સંતાનોના ઉછેરની જવાબદારી માથે આવી પડી છતાં રાષ્ટ્રધર્મની હાકલ થઇ ત્યારે પોતાનાં બળૂકાં  કેપ્ટન મૃદુલા સારાભાઈના નેતૃત્વમાં લાહોર અને અમૃતસર જેવા એ વેળાના લોહી તરસ્યા પ્રદેશમાં એમણે  કરેલા મહાન યોગદાનને આજે  ભાગ્યેજ કોઈ યાદ કરે છે. 
નાતજાત કે ધર્મના ભેદભાવ નહીં 
થોડા વખત પહેલાં મૂળ કરમસદના વડોદરાનિવાસી રશેષ પટેલ સાથે કમળાબહેન પટેલની આછેરી વાત નીકળેલી. હમણાં મૂળ ભાદરણના વડોદરાનિવાસી દેવલ શાસ્ત્રીએ મુંબઈના વિલેપાર્લેના ૪૯,મહાત્મા ગાંધી માર્ગનાં નિવાસી  પેલાં કમળાબહેન પટેલની ૨૫ માર્ચ ૧૯૮૫ના નિવેદનવાળી “મૂળ સોતાં ઊખડેલાં”ની આર.આર.શેઠના ભગતભાઈ શેઠે પ્રકાશિત કરેલી અને અલભ્ય એવી બીજી આવૃત્તિને વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી શોધી કાઢી  એની નકલ પાઠવી ત્યારે ગટે  શાકુન્તલ માથે મૂકીને નાચ્યો હતો એવી જ અનુભૂતિ થઇ. સામાન્ય રીતે પોતાની ભૂમિકા સાવ ક્ષુલ્લક હોય તોય આત્મકથા કે સંસ્મરણોમાં પોતાને નાયક-નાયિકા સ્વરૂપે ચિતરવાની પરંપરા ભારતીય આંદોલનકારીમાં જોવા મળે છે, પરંતુ આ લેખિકા આટઆટલાં  ભગીરથ કાર્ય કરે છે, જાનના  જોખમે કરે છે, માણસાઈના પોકારને અનુસરીને કરે છે, નાતજાત કે ધર્મના ભેદભાવ વિના કરે છે છતાં પોતાને ના તો એ નાયિકા લેખાવે છે કે ના એ કાર્યનો યશ ગૂંજે બાંધવાની  કોશિશ કરતાં લાગે છે. ચાર-પાંચ વર્ષના એ અત્યંત વિકટ એવા અને કોમી ઝનૂન, મારો-કાપો-લૂંટોના નારા ગજવતા જોખમી કાળની વાત એ કરે છે ત્યારે ક્યારેક પોતે ગાંધીજીના આશ્રમમાં રહ્યાં હોવાથી પૂરી સભાનતાથી, ઉશ્કેરાટ વિના અને રામસેતુના  નિર્માણમાં થોડુંક યોગદાન કરનારી ખિસકોલીની શૈલીમાં એ ઘટનાઓને નોંધે છે. સાથે જ આ સમગ્ર લખાણ એ અર્પણ કરતાં નોંધે છે: “સ્વ.મૃદુલાબહેન સારાભાઈને, જેમનાં હૂંફ અને પીઠબળ મારામાં હિંમત અને શક્તિ સીંચતાં રહ્યાં.” મૃદુલાબહેન એ અમદાવાદના મિલમાલિક પરિવારનાં પણ દેશસેવાને સમર્પિત વ્યક્તિત્વ. એમનું મૃત્યુ ૧૯૭૪માં થયું હતું. 
લાખોની કરપીણ હત્યા અને વિસ્થાપન
“દેશના બે મુખ્ય રાજકીય પક્ષો – કોંગ્રેસ અને મુસ્લિમ લીગે દેશનું વિભાજન માન્ય રાખ્યું; પરંતુ એ બંને પક્ષો વિભાજન માટે પ્રજામાનસને તૈયાર કરવામાં નિષ્ફળ ગયા.પરિણામે, એક જ કુટુંબના બે ભાઈઓ પૈતૃક મિલકત શાંતિપૂર્વક વહેંચે એ રીતે વિભાજન ન થયું.” કમળાબહેન પ્રાસ્તવિકમાં નોંધે છે. લાખોની કરપીણ હત્યા અને વિસ્થાપનના એ સમયગાળાનાં ૨૭ વર્ષ પછી પરમાનંદ કુંવરજી કાપડિયા જેવા મહાનુભાવના આગ્રહને લીધે પોતાનાં સંસ્મરણો લખવાનું માન્ય કરતાં કમળાબહેન કેટલી સહજતાથી અને સંવેદના સાથે વાતની માંડણી કરે છે એ જોવા જેવું છે: “ આ કોમી તોફાનોમાં માલમિલકત ઉપરાંત સ્ત્રીઓની લૂંટ પણ ચાલી. આની શરૂઆત ક્યારે, કેવી રીતે અને કઈ કોમના લોકોએ કરી એ કહેવું મુશ્કેલ છે. મહામારીના જંતુની જેમ આ ઝેરી હવા સમસ્ત પંજાબ, સિંધ અને સરહદના પ્રાંતોમાં ફેલાઈ ગઈ. સ્ત્રીઓનાં અપહરણ થયાં તેટલાથી જ વાત અટકતી ન હતી, શબ્દોમાં આલેખી ન શકાય એવા અત્યાચારો એમના પર ગુજર્યા હતા.દેશ સ્વતંત્ર થયો ત્યારે અપહ્રુતા સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું ભગીરથ કામ સામે આવીને ઊભું રહ્યું. આ કામગીરીનો કેટલોક હિસ્સો સંભાળવાનું કર્તવ્ય મારે ભાગે પણ આવ્યું.” 
એક નહીં; અનેક ફિલ્મોના પ્લોટ
“પછી તો સત્તાવીસ વર્ષનાં વહાણાં વીત્યાં.આવેગો કંઇક ઠર્યા.ને ઉંમર વધતાં મન હકીકતોને સાચા પરિપ્રેક્ષમાં અને સ્વસ્થ દ્રષ્ટિએ જોતું થયું. એવામાં સ્વ. મૃદુલાબહેનનાં સ્મરણો લખવાનો પ્રસંગ આવ્યો અને મનના ખૂણામાં દટાયેલા પંજાબના અનુભવો સપાટી પર આવવા લાગ્યા.નરી પાશવતાના વાતાવરણમાં કોઈ કોઈ પ્રસંગે જોવા મળેલી માનવતા પણ ડોકિયાં કરવા લાગી. મિત્રો અને સ્નેહીઓના આગ્રહનો સ્વીકાર કરી અનુભવોને શબ્દબદ્ધ કરવાનો એક પ્રયત્ન કરી જોવાની હિંમત આવી.” કમળાબહેન૬૫નાં હતાં ત્યારે  ૧૯૭૭માં એમના પુસ્તકની પ્રથમ આવૃત્તિ બહાર પડી. એ પછી છેક ૧૯૮૫માં બીજી પ્રકાશિત થઇ. જોકે આ પુસ્તકમાં વર્ણવવામાં આવેલો પ્રત્યેક પ્રસંગ નક્કર સત્ય હોવા ઉપરાંત અનેક પ્રસંગો તો રીતસર રોમેન્ટિક ફિલ્મ જોતા હોઈએ એવી અનુભૂતિ કરાવી જાય છે. એમાં હિંદુ-મુસ્લિમ પ્રેમ કહાણીઓનું નિરૂપણ પણ છે અને કોમી ઘૃણાના આ સૌથી જોખમી જ નહીં પાશવી દાવાનળ જેવા ઘટનાક્રમમાં પણ હિંદુ-મુસ્લિમ પ્રેમભાવનાં ભવ્ય  ઉદાહરણ પણ અહીં જોવા મળે છે. મુંબઈના બોલિવુડની નજર આ પુસ્તક પર પડી લાગતી નથી, અન્યથા એમાંથી એક નહીં; અનેક ફિલ્મોનું નિર્માણ થાય એવા પ્લોટ એમાં ભરેલા છે. એ હૃદયસ્પર્શી પ્રસંગો અને અનુભવોની આવતા અંકોમાં વિગતે  વાત  કરીશું, પણ પોતાના લખાણ વિશે કમળાબહેન શું નોંધે છે એ ટાંકવાની લાલચ અહીં  ખાળી શકાતી નથી: “હ્રદયના ઊંડાણને સ્પર્શી જોઈ  યાદદાસ્તમાં જડાઈ ગયેલા કેટલાક  અનુભવપ્રસંગો તથા મારા મનની પ્રતિક્રિયાઓ આલેખવાનો મારો આ પ્રયત્ન છે. અહીં વર્ણવેલા પ્રસંગો સત્ય જ છે, પણ એમની રજૂઆતમાં ક્ષતિ રહી ગયેલી હોય એમ બની શકે.”
રમખાણોની નરકલીલામાં ય માનવતા 
“કોમી ઝેરનું મારણ” એ શીર્ષક હેઠળ ચી.ના.પટેલે  પુસ્તક વિશે સાર તારવ્યો છે એ શબ્દો કંઇક આવા છે:”પંજાબમાં કામ કરતાં કમળાબહેને રમખાણોની નરકલીલાની પૂરી દુર્ગંધ અનુભવી હતી અને તે તેમને અસહ્ય લાગી હતી. તેમણે જે કંઇ જોયું અને સાંભળ્યું તેણે તેમના હૃદયમાં પુરુષો પ્રત્યે ધિક્કારની લાગણી ઉત્પન્ન કરી, પણ ગાંધીજીના સંસ્કાર હો કે કુદરતી બક્ષિશ હો, ધિક્કાર કે તિરસ્કારના નકારાત્મક ભાવ કમળાબહેનના સ્વભાવને સહજ નથી. એટલે સમય જતાં પુરુષો પ્રત્યે ધિક્કારની લાગણી ઓગળી ગઈ અને રહી એમની રાક્ષસલીલાની ભોગ બનેલી સ્ત્રીઓ પ્રત્યે કરુણા. હિંદુ-મુસ્લિમ-શીખભેદના લેશમાત્ર સ્પર્શ વિનાની કમળાબહેનની એ કરુણા એક અત્યંત સંવેદનશીલ હૃદયનો શુદ્ધ માનવભાવ છે, અને તે વાચકના હૃદયને પણ નિર્મળ કરે છે.દેશના વાતાવરણને દૂષિત કરી રહેલા કોમી દ્વેષના ઝેરથી બચવા સર્વ કોઈ આ પુસ્તક વાંચે, એમાંથી એમને એ ઝેરનું ઉત્તમ મારણ મળી રહેશે.”  વર્તમાનમાં આ પુસ્તક જનસામાન્યને ઉપલબ્ધ નથી ત્યારે ચરોતરની આ વીરાંગનાના સૌને જકડી રાખે તેવા  જાતઅનુભવોની વાત વાંચવા ઈચ્છુકોએ તો એમના પુસ્તકને જ વાંચવું પડે. એનો અંગ્રેજી અનુવાદ ઉમા રાંદેરિયાએ “ટૉર્ન  ફ્રોમ ધ રૂટ્સ” શીર્ષક હેઠળ કર્યો છે અને તે છેક ૨૦૦૬માં પ્રકાશિત થયો છે. આપણા સમાજની કમનસીબી તો જુઓ કે કમળાબહેન લગભગ ભૂલાઈ ગયાં છે. એમનાં કેપ્ટન હતાં એ મૃદુલાબહેન સારાભાઈ એમના ભવ્ય યોગદાન છતાં કાશ્મીર મુદ્દે શેખ અબદુલ્લાના ટેકામાં રહ્યાં એટલે રાષ્ટ્રદ્રોહી લેખાયાં અને તિહાડ જેલમાં કેદ કરાયાં. છેલ્લે  ૧૯૭૪માં મૃત્યુ પામ્યાં ત્યાં લગી અણુવિજ્ઞાની વિક્રમ સારાભાઈનાં આ બહેન  અમદાવાદના પોતાના ઘરમાં લગભગ સીઆઇડીના જાપ્તામાં નજરકેદ રહ્યાં!
ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૧૭ જુલાઈ ૨૦૨૦)
Lion Lady of Charotar Lion Lady of Charotar Reviewed by Rashesh Patel on July 21, 2020 Rating: 5

No comments:


Subscribe

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.